Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચીખલીના બામણવેલમાં માઇનોર કેનાલ ઓવરફ્લો, હજારો લિટર પાણી વેડફાયું
એક તરફ તાલુકાના ગામોની પ્રજા પાણી માટે વલખા મારે છે અને સરકાર પણ પ્રચાર પ્રસાર કરીને પાણીનો બચાવ કરવાની વાતો કરે છે ત્યારે ચીખલી તાલુકાના નહેર વિભાગની બેદરકારીને કારણે તાલુકાના બામણવેલ ખાતે નહેર ઓવરફ્લો થતા હજારો લિટર પાણી વેડફાઇ ગયું છે. કેનાલમાં કચરો અને ઝાડી ઝાંખરનું સામ્રાજ્ય સ્થપાયું હોવા છતાં નહેર વિભાગે દેખરેખ કર્યા વિના જ પાણી છોડી દેતા આજે બામણવેલ ખાતેથી પસાર થતી માઇનોર કેનાલમાં જમા થયેલા કચરાને કારણે હજારો લિટર પાણી કેનાલમાંથી ઉભરાઇને રસ્તા પર આજુબાજુના ખેતરમાં ભરાઈ ગયું હોય જેના કારણે અનેક ખેડૂતો પરેશાનીમાં મુકાયા હતા.
બામણવેલ નજીકથી પસાર થતી માઇનોર કેનાલમાં શનિવારે સવારે મુખ્ય કેનાલમાંથી પાણી આવતા જ પાણીનો ભરાવો થઈ જતા માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ જવા પામી હતી. કેનાલમાં મોટી માત્રામાં જંગલી છોડોનો ઉગાવો નીકળી આવ્યો હતો અને તેમાં સફાઈ નહીં કરાતા પાણીનો પ્રવાહ અવરોધાયો હતો. થોડા સમય સુધી પાણી કેનાલમાં ભરાતું રહ્યું હતું પરંતુ ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ સતત ચાલુ રહેતા આ સ્થળ પરથી પાણી કેનાલમાંથી બહાર ઉભરાવાનું શરૂ થયું હતું અને સતત બે-ત્રણ કલાક સુધી બામણવેલ પંથકના ખેતરોમાં ઉભરાતી કેનાલનું પાણી ફરી વળ્યું હતું. ખેતીના પાક માટે છોડવામાં આવેલુ હજારો લિટર પાણી આ પ્રકારે વહી ગયું હતું. નહેર વિભાગની બેદરકારી પણ છતી થઈ જવા પામી હતી.
સફાઈની કામગીરી માત્ર કાગળ પર જ
નહેરખાતા દ્વારા કેનાલોમાં પાણી છોડતા પહેલા કેનાલ સફાઇ કરવાની હોય છે. જોકે આ કેનાલ સફાઇની કામગીરી માત્ર કાગળ પર જ થાય છે અથવા તો આ કામગીરી કરવા બાબતે હાથ ખંખેરી દેવામાં આવે છે. જેના પાપને કારણે પાણી વેડફાયુ છે.
જવાબદારો સામે પગલા ભરવા માંગણી
સ્થાનિક જાગૃત લોકોએ પાણીના વેડફાટ અંગે જવાબદારો સામે પગલા ભરવાની માંગ કરી છે. તેઓ જણાવ્યું કે ખાસ કરીને તાલુકાના તમામ લોકો પાણી માટે રીતસર વલખાં મારી રહ્યા છે ત્યારે આ પ્રકારની બેદરકારી માટે જે કોઇ જવાબદાર હોય તેમની સામે પગલા ભરાવા જોઇએ.