મહિલાની નજર ચૂકવી 80 હજાર તફડાવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાની બેંકમાંથી પૈસા ઉપાડી ઘરે જતી વિધવા મહિલાના પૈસા તફડાવી લેવાની દાનતે પાછળ પડેલી મહિલાએ બેકરીમાં ખરીદી કરવા રોકાયેલી મહિલા પાસેથી સિફતપૂર્વક રૂ. 80 હજાર થેલીમાંથી કાઢી લઈ રફુચક્કર થઈ ગઈ હતી. જોકે આ ત્રણ મહિલા ચોર ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

પોંસરી રહેતા કલ્પનાબેન પટેલના ઘરે લગ્નપ્રસંગ હોય તેઓ બુધવારે ભત્રીજા સાથે બીલીમોરા જવાહર રોડ ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવા માટે આવ્યા હતા. તેમણે બેંકમાંથી રૂ. 60 હજાર ઉપાડ્યા હતા. તેમની પાસે અગાઉથી તેમની થેલીમાં રૂ. 20 હજાર હતા. બેંકમાં બે મહિલા શંકાસ્પદ જણાઈ હતી. તેઓ ભારત બેકરીમાં ખરીદી કરવા ગયા હતા. દરમિયાન જે શંકાસ્પદ મહિલા પીછો કરી રહી હતી તેમાંથી એક મહિલા તેમની પાછળ બેકરીમાં પ્રવેશી હતી. કલ્પનાબેન સામાન સહિતની થેલી તેમના પગ પાસે મૂકી ખરીદી કરવા મશગુલ હતા. તે દરમિયાન મહિલા ટોળકીની એક સભ્યએ બાજુમાં વાંકા વળી તેમની થેલીમાંથી સિફતપૂર્વક રૂ. 80 હજાર અને ચેકબુક, પાસબુકવાળી થેલી સેરવી પલાયન થઈ હતી. જે બાદ કલ્પનાબેન સામાન ખરીદી પોંસરી ઘરે ગયા હતા. જયાં તેમણે ઘરે જઈ પૈસાની થેલી ગુમ થયાનું જાણ્યું હતું અને તેઓ પૈસા નહીં દેખાતા ગભરાય ગયા હતા. તેઓ પરત સંબંધીઓ સાથે જ્યાં ગયા હતા ત્યાં તપાસ કરવા આવ્યા હતા. જ્યાં તેઓ ભારત બેકરીમાં ખરીદી કરી રહ્યા હતા તે સમયે અજાણી મહિલા પૈસાની થેલી ઉઠાવતી બેકરીના કેમેરામાં કેદ થઈ હતી. તેઓએ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાની હરકત તેમજ તેની સાથેની બીજી મહિલાઓ રસ્તે દોડતી કેમેરામાં કેદ થઈ હતી. જોકે કલ્પનાબેને જે થેલી માં પૈસા મુક્યા હતા તેમાં એક મંગળસૂત્ર પણ હતું. તે ચોર મહિલા નજરે નહીં આવતા બચી ગયું હતું.

મહિલા ચોરની ટોળકીની સમગ્ર હરકત સીસીટીવી કેમેરામાં કેદ.