કુડસદમાં વારંવાર મોટર બગડતાં પાણીની સમસ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ તાલુકાના કુડસદ ગામે કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી ન આવતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. રણછોડનગર, વિરલ પાર્ક જેવા વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થઇ છે. જવાબદાર તંત્ર ભર ઉનાળે સર્જાયેલ પાણીની સમસ્યાનું જલ્દી નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે.

આ અંગે મળતી વિગત મુજબ ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતથી એવી હાલત કરી છે કે નદી, નાળા, ચેક ડેમો અને બોર પણ પાણી વિના સુકાઈ ગયા છે. જેને કારણે લોકોને પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાય છે. ત્યારે આવા સમયે ઓલપાડ તાલુકાના કુડસદ ગામે પણ પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. કુડસદના રણછોડનગર અને વિરલ પાર્ક વિસ્તારમા પાણી ની વિકટ સમસ્યા ઉભી થઇ છે. ત્યારે આ પાણીની સમસ્યા કુદરતને કારણે નહીં પરંતુ સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારીના કારણે સર્જાઈ છે. ગ્રામપંચાયત દ્વારા લોકોના ઘરોના નળ સુધી પાણી પહોંચાડવા માટે વોટર પ્લાન્ટ બનાવ્યો છે. પરંતુ આ વોટર પ્લાન્ટની મોટર ૧૫-૧૫ દિવસે ખરાબ થઈ જાય છે. જેના કારણે થોડા થોડા દિવસોમાં લોકોના ઘરોના નળોમાં પાણી આવતું બંધ થઈ જાય છે. હાલ પણ પરિસ્થિતિ એજ છે વોટર પ્લાન્ટની મોટર ખરાબ થઈ છે. તાજેતરમાં રણછોડ નગર,કબૂતર ફળિયું અને વિરલ પાર્ક વિસ્તારમાં પાણીની ભારે સમસ્યા ઉભી થવા પામી છે. ચાલુ વર્ષે ઉનાળો આકરો બન્યો છે ત્યારે ત્રણ દિવસથી ઉપરોક્ત વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ છે.સ્થાનિકો દ્વારા આ અંગે ગ્રામપંચાયતને રજુઆત કરી છે. આ બાબતે જલ્દી નિરાકરણ લાવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

કુદસદમાં પાણીની અછત

તંત્ર કાયમી ઉકેલ લાવે
થોડા થોડા દિવસે પીવાના પાણીની મોટર બગડી જવાનું સામે આવ્યું છે. જે કારણે પીવાનું પાણી ન મળતા મુશ્કેલી વેઠવી પડે છે. અવાર નવાર મોટર બગડવાથી આવી પરિસ્થિતિ ઉભી થાય છે. ત્યારે તંત્ર યોગ્ય કાળજી રાખી વ્યવસ્થિત આયોજન કરી પાણીની તકલીફ ન પડે તેવી કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠી છે. ધવલ પટેલ, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...