Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપીના જૂના ફાટકે હવે સબ વે બનાવવાનો માર્ગ મોકળો
વાપી જૂના રેલવે ફાટક ઓવરબ્રિજ નીચેથી હાલમાં રેલવે દ્વારા ઊંચી દિવાલ બનાવીને રાહદારીને આવવા જવા માટે બંધ કરી દેવાતા લોકોને ભારે તકલીફ પડી રહી છે. વાપી પાલિકા ધણાં વર્ષોથી ત્યાં પેડેસ્ટ્રિયન સબ વે બનાવવા માટે મથામણ કરી રહી છે. જોકે, કોઇ નક્કર પરિણામ આવતું ન હતું. શનિવારે પશ્ચિમ રેલવેના ડીઆરએમ તેમની ટીમ સાથે મુલાકાત લઇને સ્થળ નીરીક્ષણ કરીને જૂના ફાટક 180 પાસે પેડેસ્ટ્રિયન સબ વે બનાવવા માટે જરૂરી કાર્યવાહી જલ્દીથી પૂર્ણ કરીને પરવાનગી આપી દેવામાં આવશે તેવી ખાતરી આપી છે.
વાપી પૂર્વ અને પશ્ચિમમાં આવવા જવા માટે રેલવે ક્રોસિંગ 180 સિવાય અન્ય કોઇ વિકલ્પ ન હોવાથી લોકો જીવના જોખમે ગેરકાયદે ક્રોસિંગ કરીને આવતા જતા હતા. જોકે, થોડા દિવસ પૂર્વે જ રેલવે વિભાગ દ્વારા બ્રિજની નીચે ટ્રેકના બંને તરફ ઊંચી દિવાલ બનાવીને રાહદારીઓને આવવા જવા માટે બંધ કરી દેવાયું હતું. રેલવે ક્રોસિંગે દિવાલ બનાવી દીધા બાદ અહીં પેડેસ્ટ્રિયન સબ વે બનાવવાની માગ ઊઠી હતી. શનિવારે વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ જીએલવી સત્યકુમાર, વલસાડના ચીફ ઇજનેર નિખિલ શ્રીવાસ્તવની સાથે આખી ટીમે રેલવે ક્રોસિંગની મુલાકાત લીધી હતી. વલસાડના સાંસદ ડો.કેસી પટેલ, પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, પાલિકાના ચીફ ઓફિસર દર્પણ ઓઝા, સિટી ઇજનેર કલ્પેશ શાહ, પ્રમુખ વિઠ્ઠલભાઇ પટેલ અને મુકેશસિંહ ઠાકુર હાજર રહીને વાપીના શહેરીજનોની આ સમસ્યાના કાયમી ઉકેલ માટે અહિં સબ વે પેડેસ્ટ્રિયન બનાવવા માટે માગ કરી હતી. રેલવેના ડીઆરએમ સત્યકુમારે સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પેડેસ્ટ્રિયન સબ વે બનાવવા માટે રેલવે દ્વારા તાત્કાલિક મંજૂરી મળે એવી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. શુક્રવારે ડીઆરએમની મુલાકાત બાદ વાપી જૂના ફાટક વિસ્તારમાં સબ વેને લીલીઝંડી મળી જતાં અહીં રેલવે ટ્રેક ક્રોસ કરતી વેળા થતાં જીવલેણ અકસ્માતો ઉપર બ્રેક લાગી જશે. અને લોકોને પણ રાહત થશે.
બુધવારે રેલવેની પરવાનગી બાદ ટેન્ડરિંગ કરાશે
ડીઆરએમ સત્યકુમારે બુધવારે સબ વે બનાવવા માટે મંજૂરી મળે એવી ખાતરી આપી છે. રેલવેમાંથી પરવાનગી મળતાં જ ટૂંક સમયમાં ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને કામ શરૂ કરાશે. સબ વે બની ગયા બાદ લોકોને પૂર્વ અને પશ્ચિમમાં આવવા જવા માટે જે હાડમારી ભોગવવી પડતી હતી એનો કાયમી ઉકેલ આવશે. > કલ્પેશ શાહ, સિટિ ઇજનેર, પાલિકા
પૂર્વેની ટિકિટ બારી ખસેડાશે, જેથી ટ્રાફિક સમસ્યાનો પણ કાયમી ઉકેલ આવશે
હાલમાં રેલવેના પૂર્વ ભાગમાં કરંટ ટિકિટ બુકિંગની ઓફિસ આવેલી છે. આ ટિકિટ બારીને ખસેડવાથી રોડ વાઇન્ડિંગ કરાતા સ્ટેશનની બહાર રહેતી ટ્રાફિક સમસયાનો પણ કાયમી ઉકેલ આવશે. રેલવેના ડીઆરએમ ટિકિટ બારી ખસેડવા માટે પણ જરૂરી મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળે છે.
જે ટાઇપના ગરનાળામાં ગટરના પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવશે
વાપી જીઆઇડીસના જે ટાઇપના ગરનાળામાં ગટરના પાણી ભરાવા બાબતે પણ રજૂઆત થઇ હતી. આ મુદ્દે પણ સમાધાન આવ્યું છે જેમાં પાલિકા રેલવેમાં જરૂરી રૂપિયા ભરીને રેલવે દ્વારા કામ કરીને તેનો ઉકેલ લાવવા પ્રયાસ થશે.
પશ્ચિમ રેલવેના ડીઆરએમ અને ઇજનેરની ટીમે મુલાકાત લીધી, આવતા સપ્તાહમાં રેલવે વિભાગ મંજૂરીની મહોર મારશે