કરિયાણાની દુકાને દુ:ખાવાનો ઇલાજ પીપરમેન્ટની જેમ મળે છે પેઇન કિલર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગામડાઓમાં ક્યાંથી આવે છે પેઇન કિલર?

વાંસદા તાલુકાના અંતરિયાળ ગામોમાં ચાલતા પેઇન કિલર રેકેટમાં આ ટેબ્લેટ દુકાનદારો પાસે કઈ રીતે આવે છે તે બાબતે દિવ્યભાસ્કરની ટીમે તપાસ કરતા બહાર આવ્યું હતું કે, જનરલ સ્ટોર્સના જથ્થાબંધ વસ્તુઓનો વેપાર કરતા વેપારીઓને અન્ય ચીજવસ્તુઓની સાથે પેઇન કિલરનો પણ ઓર્ડર લખાવી દેવાય છે અને ઓર્ડર મુજબ બીજી વસ્તુ સાથે પેઇન કિલર પણ સ્થાનિક વેપારીને મળી જાય છે.

લીલી ટીકડીનું ધીમું ઝેર ગામડાઓમાં પ્રસર્યુ

વાંસદાના ગામડાઓમાં પેઈન કીલર ટેબ્લેટ મળે છે, જેમાં મુખ્યત્વે લીલા રંગની સ્ટ્રીપમાં જ આ દવાઓ આવતી હોય લીલી ટીકડી તરીકે પ્રખ્યાત થઇ છે. કરીયાણાની દુકાનમાં મળતી આ દવાનું કેટલાક ગ્રામજનોને વ્યસન થઇ જતા લીલી ટીકડીનું ઝેર ધીમી ગતિએ પ્રસરી રહ્યું છે.

પેઇનઇસ્યૂ

મેહુલ પટેલ | રાનકુવા : નવસારી જિલ્લામાં દારૂથી પણ ગંભીર દવાનું દૂષણ યુવાધનને પતનના માર્ગે લઇ જતું હોવાની વિગતોના પગલે દિવ્ય ભાસ્કરે વાંસદા તાલુકાના  95 ગામ પૈકી ભીનાર, લીંબારપાડા, મોટી વાલઝર, ઉનાઇ, ધરમપુરી અને ચડાવ ગામે તપાસ કરતા ગંભીર બાબતો સામે આવી હતી. કરિયાણાની દુકાનમાં દુ:ખાવાનો ઇલાજ થતો હોય તેમ પીપરમેન્ટની જેમ પેઇન કિલર વેચાતી જોવા મળી હતી. ભાસ્કરના પ્રતિનિધિએ ગ્રાહક બની પેઇન કિલર ખરીદી હતી. જેની ત્રણ ગામની તસવીર અત્રે પ્રસ્તુત પણ કરાઇ છે. વાંસદા તાલુકામાં 120થી વધુ કરિયાણાની દુકાનમાં પેઈન કિલર વેચાતી હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે તાલુકામાં કુલ 95 ગામ છે પણ કેટલાક ગામોમાં એકથી વધુ દુકાનોમાં પેઇન કિલર વેચાઇ રહી છે. કિંમતની વાત કરીએ તો કરિયાણાના વેપારીઓ 0.80 પૈસા થી લઈ 1.20 રૂપિયા પ્રતિ પેઈન કિલર ટેબ્લેટ ખરીદીને રૂપિયા 2 ના દરે વેચીને પ્રતિદિન 70 થી 80 જેટલી ટેબ્લેટ લોકોને પધરાવી રહ્યા છે. આ ટેબ્લેટ પર દવાના અધિકૃત વિક્રેતા સિવાય કોઇ વેચી શકે નહીં અને તબીબની સલાહ વગર દવા લઇ શકાય નહીં તેવી સ્પષ્ટ ચેતવણી પણ લખેલી છે. જોકે, ગામડાના અલ્પ શિક્ષિત લોકો માટે તમાકુ પ્રોડ્કટની જેમ દવા પર અંગ્રેજીમાં આ લખેલી સૂચના કોઇ મહત્વ ધરાવતી નથી. વાંસદા તાલુકામાં એક વેપારી રોજની સરેરાશ 70 જેટલી ટેબ્લેટ વેચે છે એટલે 120 દુકાન દાર મળી રૂ. 8400ની દવા વેચી રહ્યા છે અને તંત્ર તાબોટા પાડી રહ્યું છે.

ગામડામાં દારૂથી પણ ગંભીર દવાનું વ્યસન

વાંસદા તાલુકામાં કરિયાણામાં પેઇન કિલરનું વેચાણ જોવા મળ્યા બાદ વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ચોરીછૂપી અનેક ગામોમાં શેડ્યુલ H1માં આવતી કોડીન કફ શિરપ અને ટ્રામાડોલ ટેબલેટનું વેચાણ થઇ રહ્યું છે અને તેનું વ્યસન અનેક યુવાઓને પતન તરફ દોરી જઇ રહ્યું છે.

દવાના અધિકૃત વિક્રેતાએ વેચાણનો રેકર્ડ રાખવો પડે

શેડ્યુલ H1માં આવતી દવાઓનો અધિકૃત વિક્રેતાઓએ રેકર્ડ રાખવો પડે છે. કયા ડોકટરે દવા લખી, કેટલી માત્રામાં લખી, કયા દર્દી માટે લખી અને દર્દીનો મોબાઇલ નંબર પણ રાખવો ફરજિયાત છે. ડ્રગ ઇન્સ્પેકટર કે પોલીસ માગે ત્યારે આ રેકર્ડ રજૂ કરવું ફરજિયાત છે. જોકે,વાંસદા તાલુકામાં વેચાતી પેઇન કિલર શેડ્યુલ Hમાં આવે છે. તેનો રેકર્ડ રાખવો પડતો નથી, પરંતુ અધિકૃત વિક્રેતા સિવાય કોઇ વેચી પણ શકતું નથી.

પેઇન કિલર અધિકૃત વિક્રેતા સિવાય કોઇ વેચી શકે નહીં

તબીબની સલાહ વગર માત્ર દુ:ખાવામાં શેડ્યુલ-H માં આવતી પેઇન કિલર ફાર્માસિસ્ટની ડિગ્રી ધરાવતા અધિકૃત વિક્રેતા સિવાય કોઇ વેચી શકતું નથી. આ દવા વધુ માત્રામાં લેવાય તો માનવ શરીર માટે ખૂબ જ જોખમી છે. જેની આડઅસરથી કિડની-લીવરને ગંભીર નુકસાન થઇ શકે છે. > ડો. પ્રદીપ ગરાસિયા, અગ્રણી તબીબ, નવસારી

સ્ટિંગ

મોટી વાલઝર

લીંબારપાડા

ભીનાર

ડાયક્લોફિનેક સોડિયમ અને પેરાસિટામોલનું મિશ્રણ

શેડ્યુલ H માં આવતી પેઇન કિલરમાં ડાયક્લોફિનેક સોડિયમ અને પેરાસિટામોલ આવે છે. જેનાથી દુ:ખાવામાં રાહત થાય છે, પરંતુ આ દવા પર ચેતવણી લખેલી આવે છે કે, દવાના અધિકૃત વિક્રેતા જ આ દવા વેચી શકે છે અને તબીબની સલાહ વગર વધુ માત્રામાં દવા લેવામાં આવે તો લીવર અને કિડનીને ગંભીર નુકસાન થઇ શકે છે.
અન્ય સમાચારો પણ છે...