ભોરથવાની શાળામાં બંધ પાણીની ત્રણેય ટાંકી વેકેશન પૂર્વે શરૂ કરવા માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ તાલુકાનાં છેવાડે આવેલ ભોરથવા પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે સરકારી તંત્ર દ્વારા ત્રણ ત્રણ ટાંકીઓ ગોઠવી હોવા છતાં તમામ ટાંકીઓ બંધ સ્થિતિમાં છે. શાળામાં ભણતા બાળકોએ ક્યાં તો ઘરે થી પીવાનું પાણી લાવવું પડે છે. અથવા આસપાસના મકાન માલિક પાસેથી પાણી માંગી પોતાની પ્યાસ બુજાવવી પડે છે.

સોનગઢ તાલુકાનાં જંગલ વિસ્તારમાં આવેલ ગામડાઓમાં પાણી પૂરવઠા યોજનાના નામે ધૂપ્પલ ચલાવવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઊભી થતી રહે છે. જિલ્લા પંચાયત શાળાઓમાં પણ બાળકોના પીવાના પાણીની સુવિધા માટે મોટો ખર્ચ પાડવામાં આવે છે, પરંતુ મોટે ભાગની શાળાઓમાં આજે પણ શુધ્ધ પીવાનું પાણી મળતું નથી એ પણ એક હકીકત છે. તાલુકાનાં ભોરથવાં ગામે ધોરણ 1 થી 5 ની વર્ગ શાળા જિલ્લા પંચાયત તાપી દ્વારા સંચાલિત કરવામાં આવે છે. શાળામાં બાળકોને પીવાનું પાણી મળી રહે એ માટે છેલ્લા પાંચેક વર્ષમાં ત્રણ જેટલી યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. આ અંગે પાઇપલાઇન સહિતની તમામ કામગીરી પાછળ મોટો ખર્ચ પણ પાડવામાં આવ્યો હતો પરંતુ યોગ્ય આયોજન વગરની યોજનાઓને કારણે ગોઠવવામાં આવેલ ત્રણે ત્રણ ટાંકીઓ બંધ પડેલ છે, અને બાળકો બારે માસ પીવાના પાણી માટે વલખાં મારતાં જોવા મળે છે. એ સાથે જ પાઇપ લાઇનની કામગીરી અને નળ ગોઠવવાનું કામ એટલુ તકલાદી કરવામાં આવ્યું છે કે હાથથી જ આખી પાઇપલાઇન અને સ્ટ્ક્ચર હલતું નજરે પડયું હતું.

ભોરથવાં ગામે શાળામાં બંધ પડેલ ત્રણ ટાંકી તસવીરમાં નજરે પડે છે.

શૌચાલયનું કામ પણ અધૂરું મૂકી દેવાયું છે
ભોરથવાં ગામે જિલ્લા પંચાયત તાપી સંચાલિત પ્રાથમિક શાળામાં ગામ અને તેની આસપાસના બાળકો એકડો ઘૂટવા આવે છે. શાળામાં બાળકોને શૌચક્રિયા માટે પાંચ શૌચાલય ઊભા કરી દેવામાં આવ્યા છે, પરંતુ એની સાથે જરૂરી શૌચખાડા બનાવવામાં આવ્યા ન હોવાથી આ અધૂરી કામગીરીને કારણે શૌચાલય ઉપયોગમાં લઈ શકાતા નથી. હાલમાં એક માત્ર સૌચાલય કાર્યરત હોય બાળકો ના છૂટકે આસપાસ આવેલ ખેતરોમાં ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર બની રહ્યા છે.

અનેક રજૂઆતો છતાં કોઈ સાંભળતું નથી
ભોરથવાં ગામની પ્રાથમિક શાળામાં પીવાના પાણી બાબતે અને બાળકોને શૌચક્રિયા અંગે પડતી મુશ્કેલી અંગે જુદાજુદા સ્થળે ઘણી વખત રજૂઆત કરી છે પરંતુ અમારી વાત હજી સુધી સાંભળવામાં આવી નથી. જીવાભાઇ ગામિત, સ્થાનિક વાલી, ભોરથવાં

અન્ય સમાચારો પણ છે...