દમણ પાસપોર્ટ ઓફિસનો કર્મી 6 હજારની લાંચ લેતા ઝડપાયો
દમણમાં જાન્યુઆરી માસમાં એન્ટી કરપ્શન યુનિટ પોલીસની સ્થાપના થયા બાદ બુધવારે પ્રથમ કેસ નોંધાયો હતો. દમણ પાસપોર્ટ ઓફિસનો કર્મચારી એક નાગરિક પાસેથી 6 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. પાસપોર્ટમાં નામમાં ફેરફાર કરવા માટે 6 હજાર રૂપિયાની લાંચની માગણી કરવામાં આવી હતી.
મોટીદમણ સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્રમાં સહાયક તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રકુમાર મુન્નીસિંગ બુધવારે સવારે પાસપોર્ટ ઓફિસમાં હાજર હતા. આ દરમિયાન એક સ્થાનિક જાગૃત નાગરિકે તેમના પાસપોર્ટમાં નામમાં કંઇક ભુલ આવતા સુધારો કરવા માટે પહોંચ્યા હતા. જોકે, પાસપોર્ટ ઓફિસના કર્મચારીએ જાગૃત નાગરિક પાસેથી નામ સુધારવા માટે 6 હજાર રૂપિયાની માગણી કરી હતી. ફરિયાદી પાસે તમામ દસ્તાવેજ અને પુરાવા હોવાથી તેમણે લાંચ આપવાના બદલે દમણની એન્ટી કરપ્શન યુનિટમાં જઇને ફરિયાદ કરી હતી. દમણ પોલીસની એસીબી વિંગે જાગૃત નાગરિકની ફરિયાદ લઇને છટકું ગોઠવીને બુધવારે સવારે દમણ પાસપોર્ટ સેવા કેન્દ્રના સહાયક કર્મચારી ધર્મેન્દ્રકુમારને 6 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. દમણ પોલીસની એસીબી યુનિટે લાંચ લેનાર કર્મચારીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.