તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તલાવચોરાના બારોલીયામાં બોરવેલ સુકાઇ જતાં પીવાના પાણીનો પોકાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તલાવચોરાના બારોલીયામાં મોટાભાગના બોરવેલ સુકાતા પીવાના પાણીની વિકટ સમસ્યાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્વામિનારાયણ મંદિરના કેમ્પસમાં આવેલા બોરવેલમાં પાણી ઉપલબ્ધ હોવાથી લોકો બાઈક, કાર જેવા વાહનોમાં પીપ-કારબા લાવી પાણી લઈ જવાની નોબત આવી છે.

તલાવચોરા ગામના બારોલીયા વિસ્તારમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યા ઉભી થવા પામી હતી. ખાસ કરીને બારોલીયામાં મોટાભાગના બોરવેલમાં પાણી સુકાઈ જતા પાણીની વિકટ સમસ્યાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. બારોલીયામાં અંદાજે 500ની આસપાસ વસતિ છે. છેલ્લા બે માસમાં સ્થાનિકો દ્વારા ઘણાં નવા બોરવેલ કરવા છતાં પાણી ન મળતા ભારે મોકાણ સર્જાઈ છે. ફળિયામાં પાદરદેવી માતાના મંદિર પાસે બે માસ પૂર્વે કરાયેલા બોરવેલમાં સારુ પાણી નીકળતા લોકોને મોટી રાહત થઈ હતી પરંતુ આ બોરવેલમાં પણ હવે પાણી તળિયે જતા રહેતા હાલ બારોલીયા ફળિયાના લોકો ફળિયાની બહાર મુખ્ય માર્ગને અડીને આવેલા સ્વામિનારાયણ મંદિરના બોરવેલમાં પાણી ઉપલબ્ધ હોવાથી લોકો બાઈક પર કેરબા બાંધી ઉપરાંત ટેમ્પો-ટ્રેકટર, કાર જેવા વાહનોમાં પીપ અને કેરબા લાવી પાણી લઈ જઈ રહ્યા છે. આ વિસ્તારમાં પશુપાલનનો વ્યવસાય પણ મોટાપાયે હોવાથી માનવી સાથે પશુઓના પીવાના પાણીની પણ તંગી સર્જાઈ પામી છે અને સ્થાનિકોની મુશ્કેલીનો કોઈ પાર નથી.

વધુમાં બારોલીયાને અડીને આવેલા પીપળા ફળિયા, નવા ફળિયા, વડ ફળિયામાં પણ પાણી અંગેની સ્થિતિ સારી નથી. નવા ફળિયા સ્થિત પાણી યોજનાના બોરવેલમાં થોડુ ઘણુ પાણી હોવાથી આ વિસ્તારના લોકો વહેંચીને વાપરી રહ્યા છે. હાલતો આ વિસ્તારના લોકો મંદિરમાં આવેલા બોરવેલના સહારે જ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. અગામી દિવસોમાં હવે વરસાદ પડે તો જ આ સમસ્યાનું નિવારણ આવી શકે તેમ છે.

ટાંકી માટે જગ્યા ઉપલબ્ધ થઇ નથી
તલાવચોરાના બારોલીયામાં દસેક વર્ષ પૂર્વે પીવાના પાણી માટેની યોજના પાણી પુરવઠા બોર્ડ દ્વારા મંજૂર થઈ હતી પરંતુ ટાંકી માટે આ વિસ્તારમાં જગ્યા ઉપલબ્ધ ન થતા યોજના પડતી મુકવાની નોબત આવી હતી.

બોરવેલ સુકાઈ ગયા
અમારા વિસ્તારમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીના સ્તર તળિયે જતા રહ્યા હતા. હાલ તો મોટાભાગના બોરવેલ સુકાઈ જતા સ્વામિનારાયણ મંદિર સ્થિત બોરવેલમાંથી વાહનોમાં કેરબા, પીપ મુકી પાણી લઈ જઈ રહ્યા છે. રાકેશભાઈ પટેલ, તલાવચોરા-બારોલીયા

તાત્કાલિક કંઈ થાય એમ નથી
બારોલીયામાં અગાઉ યોજના મંજૂર હતી પરંતુ જગ્યાનો વિવાદ થયો હતો. જેને પગલે કેન્સલ થઈ હતી. હાલ પંચાયત દ્વારા ફરીવાર માંગણી કરાતા નવી યોજના માટે દરખાસ્ત કરાઈ છે. હાલ બારોલીયામાં પાણીની સમસ્યા અંગે તાત્કાલિક કંઈ થાય તેમ નથી. સ્થાનિક કક્ષાએ પાણી હોય તે બોરવેલમાંથી કામ ચલાવવું પડે. રતિલાલ ભૂસારા, ના.કા.ઈ, પાણીપુરવઠા

અન્ય સમાચારો પણ છે...