Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગ્રહણ સંબંધી અંધશ્રદ્ધા દૂર કરવા ટી પાર્ટી
કીમ | ઓલપાડ તાલુકાની બોલાવ ગામની આર્યમ સ્કૂલ સ્પેસ ક્લબ ખાતે વિશેષ કાર્યશાળાનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન ટ્રસ્ટી નીતિનભાઈ પટેલે કર્યું હતું.
શિક્ષક પ્રતિકભાઇએ પ્રસ્તાવના રજુ કરતા જણાવ્યું હતું કે જેમ ક્રિકેટમાં 20-20 હોઈ છે. તેમ આ વર્ષે પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય પણ સંતાકૂકડીની 20-20 રમી રહ્યા છે. વર્ષ દરમ્યાન 4 ચંદ્ર ગ્રહણ અને 2 સૂર્ય ગ્રહણ થનાર છે. બીજા સત્રમાં શાળાના શિક્ષિકા ઉન્નતિ શર્માએ 10 જાન્યુઆરીના દિવસે થનાર ગ્રહણ અને તેના સમયની માહિતી આપી હતી. તેમણે ચંદ્ર ગ્રહણનાં પ્રકારો અને તે કેવી રીતે થાય છે તેની વિસ્તૃત માહિતી આપી હતી જ્યારે શાળાના શિક્ષક ભાવેશભાઈ મોદીએ ચંદ્ર ગ્રહણ તથા ચંદ્રની કલાઓ વચ્ચે શું તફાવત છે તે રજૂ કર્યો હતો. કાર્યશાળા વિશેષતાએ હતી કે માત્ર થીયરી જ નહિ પણ પ્રાયોગિક રીતે પણ આ જ વિષય સપનીલભાઈએ રજૂ કર્યો હતો.આચાર્ય મનસુખભાઈ કાકડીયાએ વિજ્ઞાન સાથે જોડાઈ નવા સંશોધનો કરવા જણાવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આપણા દેશને જરૂર પડે તો અમે એક બે નહિ પૂરી ટ્રેન ભરીને વિજ્ઞાનીકો આપીશું. કેમ્પસ ડિરેક્ટર વિરલભાઈ દેસાઈએ આખી ટીમની મહેનતને વખાણી હતી. તેમને જણાવ્યું હતું કે વિદ્યાર્થીએ પોતાના માતા પિતાનાં મોબાઈલ ફોનમાં પ્રકાશની તીવ્રતા, તાપમાન, અક્ષાંશ રેખાંશ વિગેરેને દર્શાવતી એપ ડાઉનલોડ કરવી જોઈએ તથા આજે રાત્રે 10 કલાક પછી પોતાના ઘરની અગાસી ઉપર જઈ ગ્રહણ ને જોવું જોઈએ. એટલું જ નહિ આજે સૌ એ સેલ્ફી વિથ ચાંદામામા પડાવવી અને શેર કરવી જોઈએ. શાળાના વિદ્યાર્થીઓ રાત્રે 10 કલાકે ગ્રહણનો અભ્યાસ કરવા નીકળ્યા હતા તેઓએ પોતાના નક્કી કરેલ 10 પોઈન્ટ ઉપર જઈ ગ્રહણ વખત વાતાવરણનાં તાપમાનમાં થતા ફેર બદલ, પૃથ્વીની અંદરના તાપમાનમાં ફેરફાર તથા ચંદ્ર પરથી પરત થતા પ્રકાશની તીવ્રતામાં ફેરફારની વિવિધ સાધનોની મદદથી નોધણી કરી હતી. અંધશ્રધ્ધા દૂર કરવાનાં પ્રયાસ રૂપે શાળાના મેદાનમાં ચંદ્ર ગ્રહણ સમયે ટી પાર્ટીનું આયોજન કરાયું હતું.