Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગણદેવી તાલુકામાં 3 વર્ષની સરેરાશ 2442 હેકટરમાં રવીપાક સામે વર્તમાન સિઝનમાં 2596 હેક્ટરમાં વાવણી
ગણદેવી તાલુકામાં વર્તમાન વર્ષે રવીપાકનું મબલખ વાવેતર થયું છે. ચોમાસામાં અતિભારે વરસાદ તેમજ ચોમાસા બાદ પણ વરસાદી માહોલ વચ્ચે ત્રણ વર્ષ કરતા પણ વધુ વાવેતર થયું છે. વર્તમાન વર્ષે 2596 હેક્ટર વાવેતર થયું છે. ખરીફ પાકમાં ખેડૂતોની કુદરતી ભારે પરીક્ષા કરી હતી. જોકે રવી પાક માં સારા પાકની આશાએ ખેડૂતોમાં નવો ઉત્સાહ સિંચન કર્યો છે.
2019ના વર્ષમાં ખેડૂતોને વરસાદે ભારે રડાવ્યા હતા. ખેડૂતોએ ખેતીમાં અતિવૃષ્ટિનો સામનો કરવો પડ્યો હતો. જેને કારણે ખેડૂતોએ ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ચોમાસા બાદ ઓક્ટોબરથી જાન્યુઆરી દરમિયાન શિયાળુ રવી પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે. વાવેતર બાદ લણણી, કાપણી એપ્રિલ આસપાસ થતી હોય છે. ચાલુ વર્ષે ગણદેવીમાં 87.32 ઇંચ વ્યાપક વરસાદ વરસ્યો હતો, જે બાદ વરસાદી ઝાપટાં ચાલુજ રહ્યા હતા. પાછોતરા માવઠાના કારણે ખરીફ પાક લેતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જે બાદ સરકારે સહાય જાહેર કરી નુકસાન વેઠનાર ખેડૂતોને સહાય અપાઈ હતી. ખરીફ પાકમાં નુકસાન બાદ તેની ભરપાઈ રવીપાકમાંથી મેળવવા માટે ખેડૂતો ખેતીકામમાં જોતરાયા હતા. પાછલા ત્રણ વર્ષની સરેરાશ 2442 હેક્ટર વિસ્તારમાંના રવીપાક સામે વર્તમાન રવીપાકની સીઝનમાં 2596 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. જે વિતેલા ત્રણ વર્ષોની સરેરાશ કરતાં 154 હેકટર વિસ્તારમાં વધુ રવીપાક લેવાયો છે. ચોમાસા દરમિયાન સારા વરસાદ અને જળ સંચય અભિયાનના કારણે જળાશયો છલોછલ ભરાયા હતા. અંબિકા નદી દેવધા ડેમ, કાવેરી, પનિહારી અને વેગણિયા નદીમાં પાણી સારા પ્રમાણમાં સંગ્રહિત થયું હતું. જેને પગલે સિંચાઇ પાણીની સમસ્યા ટળી છે, જેને કારણે રવીપાકમાં મબલક પાકની આશા ખેડૂતો સેવી રહ્યા છે.
ગણદેવી તાલુકામાં વાવેતર કરાયેલો રવીપાક.
આ પાકનું વાવેતર કરવામાં આવ્યું
રવીપાકમાં તાલુકામાં શેરડીનું વાવેતર 1059 હેક્ટર, લામ શેરડી 112 હેકટર, ઘાસચારો, લીલો રજકો, બાજરી, જુવાર 856 હેક્ટર વિસ્તાર તેમજ શાકભાજી 559 હેક્ટર થયું હતું. શાકભાજી માં મરચી 69, રીંગણ 282, અને કાકડી 117 હેક્ટર, ભીંડા 91 હેકટર વિસ્તારમાં વાવેતર કરાયું હતું.