તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દક્ષિણ ગુજરાતનો સૌથી ઊંચો ચિમેર ધોધ વિકાસના અભાવે સહેલાણીઓથી દૂર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરૂવારે વિશ્વ પર્યટન દિવસ તરીકે ઉજવણી કરવામા આવી હતી, ત્યાંરે સોનગઢનાં ચીમેર ગામે અંદાજિત 300 ફુટ ઊંચેથી પડતો ધોધને વિકસાવવામાં આજે પણ ઉપેક્ષા થઇ રહી છે. દ.ગુજરાતમાં સૌથી ઊંચાઇ ધરાવતો ધોધ પરતું વર્ષોથી આ સ્થળે પહોંચવામાં પ્રાથમિક રસ્તાની સુવિધા પણ નથી. સહેલાહીઓ પગદંડી અંદાજીત દોઢ-બે કિમી ચાલીને જતાં હોય છે.વધુમાં ત્યાં સહેલાણીઓની સુરક્ષા માટેની પણ કોઇ સગવડ પણનથી. સહેલાણીઓ પોતાના જોખમે સ્થળની મુલાકાત લેતા હોય છે. આ ધોધ આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ સગવડ ન હોવાથી પ્રવાસીઓમાં નારાજગી છે. સરકાર જયારે પ્રવાસન બાબતે ગંભીર છે, ત્યારે ચીમેરના ધોધને પણ વિકસાવવાની માંગણી વર્ષોથી ઊઠવા છતાં માત્ર ઉપેક્ષા જ થઇ છે.

સોનગઢ તાલુકાના ચીમેર ગામનો પાણીનો ધોધ દક્ષિણ ગુજરાતમાં સૌથી ઊંચો હોવાનું માનવામાં આવે છે. અંદાજિત 300 ફુટ કરતા વધુ ઊંચાઈથી પાણીનો ધોધ પડે છે. આ ધોધ નિહાળવા માટે રસ્તાની સગવડ પણ વહીવટીતંત્ર કરી શક્યું નથી. પ્રકૃતિ પ્રેમીઓ પોતાના જોખમે ભારે મુશ્કેલી વેઠીને પણ અહીં પહોંચી રહ્યા છે, અને કુદરતનો સાક્ષાત્કાર કરી રહ્યા છે. આ સ્થળની આસપાસ ગીચ જંગલો છે. છતાં સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ આ સ્થળ બાબતે ગંભીર ન બનતા કુદરતની મહામુલી ભેટ સમાન લીલોતરીની સાથે કુદરતને માણવા માટે માંડ ગણ્યા ગાંઠ્યા પ્રવાસીઓ ચોમાસા દરમિયાન આવે છે. અતિ રમણીય સ્થળે આવેલ ચીમેર ધોધને જો પ્રવાસી ધામ તરીકે વિકસાવવામાં આવે તો સમગ્ર દક્ષિણ ગુજરાત માટે લોકોને હરવા ફરવાનું એક નવું સ્થળ મળે તેમ છે. જોકે પ્રવાસન વિભાગની ઉદાસીનતાને કારણે આટલું સુંદર સ્થળ પ્રવાસીઓની નજરથી હાલ દૂર જ છે એમ કહીએ તો ખૉટું નથી. ચીમેર ધોધનું સ્થળ વિકસાવવામાં આવે અહીંના સ્થાનિક લોકોને રોજગારીના અવસર મળે તેમ છે, તથા પ્રકૃતિ પ્રેમી સહેલાણીઓ માટે હરવા ફરવા માટે નવી જગ્યા મળે. ચીમેર ધોધના સ્થળે રસ્તા, પાણી અને અન્ય સગવડો ઉપલબ્ધ કરાવે તો આવતા વર્ષે મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ધોધની મુલાકાત લઈ શકે.

અનોખી વિશેષતા | ચિમેર ધોધ પર એક જ સ્થળે પાણીના બે ધોધ પડતા હોય એવું દ્રશ્ય સર્જાય
સોનગઢ તાલુકના ચીમેર ગામ પાસે આવેલો 300 ફૂટ ઉંચો નયનરમ્ય ધોધ જને વિકસાવવાની માંગ થઇ રહી છે.

ચિમેર ગામનો ધોધ દક્ષિણ ગુજરાતમાં સહુથી ઊંચાઈથી પડતા પાણીનો ધોધ તો ગણાય છે, આ સ્થળની વધુ એક વિવિધતા છે કે જયારે નદીમાં ભારે વહેણ હોય ત્યારે ધોધના સ્થળે સામસામે બે ધોધ પડતા હોય એવું દ્રશ્ય સર્જાય છે. જયાંથી પાણીનો ધોધ નીચે પડે છે એ સ્થળે કાળા પથ્થરની શિલાઓ આવેલ છે, ભારે વરસાદનો સમય હોય ત્યારે બે ભાગમાં સામસામે પડતું હોય એવું જોઈ શકાય છે.

આખો વિસ્તાર આકાશી ખેતી પર નિર્ભર
સોનગઢ તાલુકાથી અમારૂ ગામ છેવાડાનું છે. અહી રોજગારીની ખૂબ જરૂર છે. આકાશી ખેતી સિવાઇ કોઇ વિકલ્પ નથી, ચોમાસામાં અમારા માટે કપરી સ્થિતી થતી હોય છે. આવા સંજોગમાં અમારા ગામના ધોધને પણ સરકાર બીજા ધોધની જેમ વિકસાવે તો, અમારા ગામના પરિવારોને રોજગારી મળી શકે. ચીમેર ગામના રહીશો

અહીં થઇને જ પ્રવાસીઓ ડાંગ જિલ્લાના વિવિધ પ્રવાસીધામો તરફ જતા હોય છે

ચોમાસામાં શનિ,રવિની રજાના દિવસોમાં સુરત સહિત અન્ય શહેરોમાંથી પ્રવાસીઓ સોનગઢ નજીકના ગૌમુખ મહાદેવ મંદિરે ઉમટી પડતા હોય છે. ડાંગ જિલ્લામાં જતા મોટેભાગના પ્રવાસીઓ ચીમેર ગામ નજીકથી શબરીધામ તરફ જતા હોય છે. આ ચીમેર ધોધ વિકસાવવામાં આવે તો પ્રવાસીઓ માટે અને પ્રકૃતિપ્રેમીઓ માટે એક નવું સ્થળ મળી શકે તેમ છે. દીપક જોષી, પ્રકૃતિ પ્રેમી, સોનગઢ

સોનગઢથી અંદાજિત 32 કિમીના અંતરે ચીમેર ધોધ, અન્ય સ્થળો પણ થઇ શકે
સોનગઢથી ઓટા રોડ પર અંદાજિત 30 કિલોમીટરના અંતરે ચીમેર ગામ આવેલ છે અને ત્યાંથી 2 કિલોમીટર જેટલું જંગલમાં અંદર ગયા બાદ પાણીનો ધોધ આવેલ છે.

નજીકમાં આવેલા અન્ય પર્યટન સ્થળો
સોનગઢથી ગૌમુખ મંદિર 16 કિમી

સોનગઢથી ચીમેર ધોધ 32 કિમી

સોનગઢથી શબરીધામ મંદિર 50 કિમી

સોનગઢથી ગિરીમાળા ધોધ 55 કિમી

સોનગઢથી મહાલ કેમ્પ સાઈડ 36 કિમી

અન્ય સમાચારો પણ છે...