સોનગઢ પોલીસનું અનોખું અભિયાન: દંડ ભરો અથવા હાલમાં જ હેલ્મેટ ખરીદો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વ્યારા-સોનગઢ નેશનલ હાઇવે પર આવેલ પોખરણ પાટિયા પાસે ઉભેલ સોનગઢ પોલીસના જવાનો હાઇવે પર હેલ્મેટ વિના બાઈક ચલાવતા બાઈક ચાલકોને અટકાવે છે, અને ક્યાં તો દંડ ભરો અથવા હાલ માં જ હેલ્મેટ ખરીદી લો એવો વિકલ્પ આપે છે. મોટે ભાગના બાઈક ચાલકો હેલ્મેટ ખરીદતાં હોવાનું દ્રશ્ય સ્થળ પર જોવા
મળે છે.

તાપી જિલ્લા પોલીસ અંતર્ગત આવતા સોનગઢ પોલીસ મથકના ટ્રાફિક વિભાગ દ્વારા નેશનલ હાઇવે પર હેલ્મેટ વિના બાઈક દોડાવતા બાઈક ચાલકો માટે છેલ્લા બે ત્રણ દિવસથી અનોખું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અહીં વ્યારા તરફ થી આવતા બાઈક ચાલકો પર હોમગાર્ડ અને જીઆરડી જવાનો દ્વારા નજર રાખવામાં આવી રહી છે. અહીંથી કોઈ પણ બાઈક ચાલક હેલ્મેટ વિના પસાર થતો હોય એને અટકાવવામાં આવે છે અને બાદમાં એની પાસે સીધો દંડ વસુલ કરવાના બદલે બે વિકલ્પ આપવામાં આવે છે. આવા બાઈક ચાલકોને પ્રથમ વિકલ્પ તરીકે સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવેલ આઈએસઆઈ લેબલ સહિતની હેલ્મેટ ખરીદવાનું કહેવામાં આવે છે અથવા દંડ ભરવાનું જણાવવામાં આવે છે. જો કે મોટે ભાગના બાઈક ચાલકો દંડ ભરવાના બદલે હેલ્મેટ ખરીદવાનું પસંદ કરતા હોય છે. આમ પોલીસ તરફથી બાઈકચાલકોની સુરક્ષા માટે દંડને બદલે મૂલ્ય વસૂલ કરી હેલ્મેટ જ આપવાની નીતિ હાલમાં સફળ થતી દેખાઈ રહી છે.

આ પહેલા ઉચ્છલ સહિતના અન્ય પોલીસ મથક દ્વારા પણ આ રીતની ઝુંબેશ ચલાવવામાં આવી હતી. સોનગઢ પીઆઇ સી.કે.ચૌધરી અને પીએસઆઇ નિખિલ ભોયા સહિતનો સ્ટાફ હાલમાં આ અભિયાન અંતર્ગત હાઇવે પર ઉભેલ જોવા મળી રહ્યો છે. નાગરિકોએ પણ આ અભિયાનના વખાણ કરી આવી જ યોજના સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવે એવા વિચારો રજૂ કર્યા હતા.

હાઇવે પર પોખરણ પાટિયે ઉભેલી પોલીસ હેલ્મેટ વિનાના બાઈક ચાલકને અટકાવે છે

અન્ય સમાચારો પણ છે...