તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીરકોટથી રેતી ભરેલી 6 ટ્રક ઝડપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામ પાસે હાઇવે પરથી પસાર થતી રેતી ભરેલ ટ્રકોને અટકાવી વ્યારા પ્રાંત અધિકારી અને સોનગઢ મામલતદારે તપાસ કરતા રેતી ભરેલ છ ટ્રકો માં મર્યાદા કરતા વધુ રેતી વહન કરવામાં આવતી હોવાનું ખુલ્યું હતું.આ તમામ ટ્રકોને સરકારી તંત્ર દ્વારા કબ્જે લઇ એને દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

વ્યારા પ્રાંત અધિકારી તુષાર જાની અને સોનગઢ મામલતદાર વસાવા અને તેમના સ્ટાફ દ્વારા શુક્રવારે રાત્રીના સમયે નેશનલ હાઇવે પર મીરકોટ ગામ પાસે ઉભા રહી રૂટિન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મોડી રાત્રીએ નિઝર તાલુકાના તાપી નદીના કિનારે આવેલ જૂદીજુદી રેતીની લીઝ પરથી રેતી ભરીને આવતી ટ્રકોને રોકવામાં આવી હતી. આ રેતી ભરેલ ટ્રકોની રોયલ્ટી ચેક કરવામાં આવતા બે ટ્રકના ચાલકો પાસેની રોયલ્ટીની મુદત પુરી થઇ ગઈ હોવાનું બહાર આવ્યું હતું અને સાથોસાથ તમામ છ જેટલી ટ્રકોમાં મર્યાદાથી વધુ રેતી ઓવરલોડમાં ભરવામાં આવી હોવાનું પણ ખુલ્યું હતું.

વ્યારા પ્રાંત અધિકારીએ ઝડપાયેલ તમામ ટ્રકોને સોનગઢ મામલતદાર કચેરી ખાતે મુકાવી હતી અને આ અંગે તાપી ભૂસ્તર વિભાગમાં જાણ કરી ટ્રક ચાલકો અને માલિક વિરુદ્ધ દંડ આકારવાનું જણાવાયું છે. અત્રે નોંધનીય છે કે આ તમામ રેતી નિઝર તાલુકામાં આવેલ ધ્રુવ સ્ટોન, હિતેશ વાઘેલા અને અલ્પેશ પંચાલ નામના લીઝ ધારકો ને ત્યાંથી ભરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ રેતી સુરત,વલસાડ,વાંસદા જેવા સ્થાનોએ લઇ જવાતી હતી. હાલમાં સોનગઢ વિભાગમાં ભૂસ્તર વિભાગ અને કલેક્ટર કચેરી દ્વારા રેતીની લીઝ ધારકોને માત્ર નિયમોનુસાર જ રેતી કાઢવાની કડક સૂચના આપવામાં આવી હોય એથી નિઝર તરફના રેતી લીઝ ધારકો ગેલમાં આવી ગયા છે અને રોજિંદા ધોરણે મોટી સંખ્યામાં ઓવરલોડ ટ્રકો સુરત અને અન્ય વિસ્તારોમાં દોડી રહી છે ત્યારે ભૂસ્તર વિભાગ આ અંગે કાર્યવાહી કરે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...