તંત્રની બલીહારી : કણજોડ પાસેનો ચેકડેમ 1 વર્ષમાં જ ધોવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ તાલુકાના કણજોડ ગામે પૂર્ણા નદીમાં આશ્રમ નજીક બનાવવામાં આવેલ ચેકડેમમા પાયાનું ખોદકામ કર્યા વિના બાંધી દેવામાં આવેલ હતો. ચેકડેમ એક જ વર્ષના સમયગાળામાં ધોવાઇ ગયો છે. લાખોના ખર્ચે બનેલ ચેકડેમ ચોમાસામાં પાણી સાથે ધોવાઇ જવાના કારણે આજે નદી સુકી ભઠ્ઠ હાલતમાં છે, અને ખેડૂતો પશુપાલકો પાણી માટે વલખાં મારી રહયા છે.

કણજોડ ખાતે પૂર્ણા નદી પર સને 2008 માં પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. પૂર્ણા નદી પર ચેકડેમ બનતા અને ચોમાસા દરમિયાન ચેકડેમ ભરાઈ જતાં આજુબાજુના ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ હતી, પરંતુ ચેક ડેમની યોગ્ય ડિઝાઇન અને ખોદકામ કર્યા વિના પાયા નાંખ્યા વિના જ કામગીરી હાથ ધરી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. ભષ્ટાચારીઓએ ચેકડેમના બાંધકામમાં ભષ્ટાચાર આચરી ચેકડેમ બનાવવામાં આવ્યો હોવાને કારણે એક જ વર્ષમાં ચેકડેમમાં પાણી રહ્યા બાદ બીજા વરસે પૂર્ણા નદીમાં પુર આવતાં લાખોના ખર્ચે બનાવવામાં આવેલ ચેકડેમ પાણીમાં વહી ગયો હતો. અને ખેડૂતો એ મહેસૂસ કરેલ ખુશી એક વર્ષના સમયમાં જ ગમગીનીમાં છવાઈ ગઈ હતી. આજે પૂર્ણા નદીમાં પાણી ન હોવાની બુમો પડે છે ત્યારે કજોડ અને મોરદેવી-કુંભિયા ખાતેના બંને ચેકડેમ યોગ્ય ડીઝાઇન કરી યોગ્ય દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યા હોત તો આ ચેકડેમના પાણી ખેડૂતોને તથા પશુપાલન કરનારાઓને આશીર્વાદ સમાન હોત, પરંતુ જયાં જુઓ ત્યાં કટકી ખાવાની વૃત્તિઓ ધરાવનારા અધિકારીઓ, પદાધિકારીઓ અને ઇજારાદારોએ બાંધકામમાં યોગ્ય ડીઝાઇન ન લેતાં સરકારી નાણાંમાંથી બનાવવામાં આવેલ ચેકડેમ ધોવાઇ ગયો હતો. ચેકડેમ તકલાદી એ હદે હતો કે પાણીમાં ચેકડેમ આશરે 100 ફુટ જેટલું કોંક્રિટનુ બાંધકામ તણાઇને નદીમાં ખેચાઇ ગયું હતું,ચેકડેમ બનાવવાનો મુખ્ય હેતુ લોક કલ્યાણનો હોય પરંતુ સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મીલીભગતને કારણે સરકારી નાણાંનો વ્યય થયો છે.

લાલિયાવાડી |ડેમની ડિઝાઇન અને પાયા ઉંડા અને મજબુત કરવાને બદલે નદીના પટ પર પથ્થરો પર જ ચેકડેમ બનાવી દેવાયો હતો
કણજોડ ગામ પાસે પુર્ણા નદી પર બનાવેલો ચેક ડેમ એક વર્ષમાં જ ધોવાઇ ગયો. અને તેનો ટાળમાળ તણાઇને 70 ફૂટ દુર પહોંચ્યો.

ચેકડેમનું બાંધકામ તણાઇને 70થી 80 ફૂટ દુર પહોંચી ગયું
આજે ચેકડેમના સ્થળ પર જોવામાં આવે છે તો નદીના પટ પર જ કોઈપણ પ્રકારના પાયાનું ખોદકામ કર્યા વિના પટના પત્થરો પર બાંધકામ કરવામાં આવ્યું હતું, અને જે જગ્યાએ થી ધોવાણ થઈ બાંધકામ 70-80 ફુટની વધારે તણાઈ ગયું હતું તે સ્થળ પર ગ્રાવલ જ દેખા દે છે, લાખોને ખર્ચે બાંધકામ થયું તો બાંધકામ પર દેખરેખ રાખનારા અધિકારીઓ એ શું નિરિક્ષણ કયુઁ હશે તે પણ એક પ્રશ્ર્ન ઉભો કરે છે, અને કામગીરી થયા બાદ ઇન્સપેકશન કરનાર અધિકારીએ શું જોયું હશે તેવો પ્રશ્ન ધોવાઇ ગયેલા ચેકડેમને જોઇ આજુબાજુના વિસ્તારના લોકોમાં ઉઠ્યો છે.

ઇજનેરે ફોન પણ રિસિવ ન કર્યો
આ અંગે તંત્રનો મત જાણવા ભાસ્કરના પ્રતિનિધિ દ્વારા પંચાયત સિંચાઈ વિભાગ ઇજનેર એન.ટી.રાઠોડનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમણે ફોન પણ રિસીવ કરેલ ન હતો.

ભુગર્ભ જળના સ્તર ઉંડે ઉતરી જવાથી પાક જોખમમાં મુકાયો
તાપી જીલ્લામાં સરકારી ચોપડે ચેકડેમો બોલે છે પરંતુ તકલાદી બાંધકામને કારણે કેટલાય ચેકડેમોમા લીકેજને કારણે પાણી સંગ્રહ થતું નથી, ચેકડેમો મા પાણી સંગ્રહ થાય તો ભુગર્ભ જળ સ્તર ઉંચા આવી શકે પરંતુ ચેકડેમોમાં પાણી સંગ્રહ ન થતાં ભુગર્ભ જળ સ્તર ઉંડા ઉતરી ગયા છે અને કેટલાક બોર કુવામાં પાણી ઘટી જતાં ખેડૂતોના પાક સુકાઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...