પાકિસ્તાને 8 પૈકી 3 ખલાસીને મુક્ત કરવાનો નિર્ણય લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ત્રણેય ખલાસી વેરાવળથી માછીમારી કરવા ગયા હતા, તેઓ 2017થી લાદી જેલમાં કેદ હતા પત્ર આવતાં પરિવારને જાણ થઈ હતી
નવસારી જિલ્લાનો 52 કિમીનો દરિયાકિનારો માછીમારી માટે ઉત્તમ માનવામાં આવે છે. જિલ્લામાં નાની મોટી મળીને 1000 જેટલી ફિશિંગ બોટ છે. જેના પર 10 હજારથી વધુ લોકો રોજગારી મેળવી જીવન ગુજરાન ચલાવે છે.

અમુક માછીમારો પોતાની બોટ ન હોવાથી અન્યની બોટો ચલાવવા ઓખા જતા હોય છે વેરાવળના પ્રેમજી મકવાણા નામના માલિકની રાધિકા દેવી નામની બોટ લઈને ઓખાથી તારીખ 11-11-2017ના રોજ ઓખાથી ફિશિંગ કરવા ગયેલી બોટ પરત ન આવતા તપાસ કરતા આ બોટને પાકિસ્તાની મરીનવાળાએ પકડીને પાકિસ્તાની જેલમાં લઇ ગયા હતા. જેમાં કુલ 8 લોકો હતા. જેમાંથી નવસારીના રાજેશભાઈ રતિલાલ ટંડેલ-કુષ્ણપુર ગામ, નયનકુમાર શાંતિલાલ ખલાસી-મોવાસા ગામ, છબીલભાઈ કાનજીભાઈ ખલાસી-મોવાસા ગામ આ ત્રણ યુવાનો પણ આ બોટ પર સવાર હતા અને તેઓ પણ પાકિસ્તાનની જેલમાં સબડી રહયા છે. પાકિસ્તાન મરિન દ્વારા બોટ સાથે અપહરણ કરવામાં આવ્યુ હતું. ઘરનો મોભી જેલમાં ચાલી જતા પરિવાર પર શોકની કાલીમાં છવાઈ ગઈ હતી પરંતુ પાકિસ્તાન પ્રશાસન દ્વારા ભારતીય માછીમારોને છોડવાની વાતને પગલે પોતાના પરિજન પરત આવવાની પરીવારોની આશા બંધાઈ છે. ક્યાંક ખુશી છે તો ક્યાંક વિરહની વેદના છે માત્ર પત્ર વ્યવહારના સહારે પરિવારજનો જીવન વ્યતિત કરી રહ્યા છે. પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારોનું વારંવાર અપહરણ કરવામાં આવે છે અને દબાણવશ ફરીથી રિહાઈ કરી દેવામાં આવે છે પરંતુ લાખો રૂપિયાની બોટ પરત મળતી નથી. 35થી 40 લાખની બોટ ગુમાવવાના કારણે બોટ માલિક દેવાદાર બની રહ્યા છે.

નવસારી જિલ્લાના કૃષ્ણપુર અને મોવાસા ગામના ત્રણ ખલાસીઓની 17 માસ બાદ ઘર વાપસી થશે
છબીલ ખલાસી

નયન ખલાસી

રાજેશ ટંડેલ

સરકાર જલદી લાવે તો સારું
મારા પતિ રાજેશભાઈ ટંડેલ ઘરના સર્વે સરવા હતા તેમના વગર અમારો પરિવાર તકલીફમાં છે. ખાવાના પણ ફાંફાં પડે છે. દીકરાને ભણાવવા, લાઈટ બીલ ભરવા પણ પૈસા નથી હોતા બહુ તકલીફ પડે છે. કોઈ મને મદદ નથી કરતું મારા પતિ જલ્દી પાછા આવી જાય તો અમારો માળો બંધાય જાય સરકાર જલ્દી તેમને પાછા લાવે તો સારું. નૂતનબેન ટંડેલ, અપહૃતની પત્ની

3 મહિના સુધી ફોન પણ ન આવ્યો
મારો દીકરો નયનકુમાર માછીમારી કરવા ગયો હતો. 3 મહિનાં સુધી ફોન ન આવ્યો પછી ખબર પડી કે કરાંચીની લાદી જેલમાં છે. તે ઉજ્જવળ ભવિષ્ય માટે ગયો હતો અને અંધકારમાં મુકાયું છે. હજુ તો એના લગ્ન પણ બાકી છે વહેલો આવી જાય તો સારું. શાંતિલાલ ખલાસી, અપહૃતનો પિતા

જેલમાંથી પત્રો લખ્યા હતા
પાકિસ્તાનની જેલમાંથી નયન ખલાસીએ પરિવારને તા.13-2-18ના રોજ પત્ર લખી ત્યાંની કરુણતા વ્યક્ત કરી હતી અને કઈ જેલમાં છે તે સાથે તમામ વિગતો પણ મોકલાવી હતી. જેથી પરિવાર ચિંતામાં ન રહે પણ પરિવાર આ પત્ર વાંચી વધુ રડ્યો હતો અને દીકરો વહેલો ઘરે આવે તેવી માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...