તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉંમરપાડામાં દોઢ કલાકમાં જ 3 ઈંચ વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં સતત બીજા દિવસે બપોરના સમયે ગાજવીજ સાથે મેઘરાજા વરસીયા હતાં. જેમાં ઉંમરપાડામાં માત્ર દોઢ કલાકમાં 3 ઇચ વરસાદ વરસતા બજારમાં પ્રવેશદ્વારે પાણી ભરાય જતાં થોડા સમય માટે અવર જવર બંધ થઇ ગઇ હતી. પાણી ઉતર્યા બાદ વાહનવ્યવહાર યથાવત બન્યો હતો. જ્યાંરે મહુવા, માંડવી, માંગરોળમાં પણ 2 લાકલમાં 2 થી 3 ઇંચ વરસાદ પડતાં માર્ગો પાણીથી ભરાય ગયા હતાં. માત્ર 2 કલાકમાં ભારે વરસાદથી નદી નાળા છલકાય ગયા હતાં.

ઉંમરપાડા તાલુકા મથક ચાર રસ્તા બજાર અને ઉંચવાણ ગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં બપોરે ત્રણ વાગ્યે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. કાળા વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડકા સાથે ભારે વરસાદ વરસતા તરત નદી, નાળા, કોતરો છલકાય ગયા હતાં. ઉંમરપાડા બજાર નજીક આવેલ મુખ્ય પ્રવેશ દ્વારનું ગરનાળું પાણીના પ્રવાહમાં ગરક થઈ ગયું હતું. જેથી થોડા સમય પુરતો વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. તાલુકા મથક ઉંમરપાડાના આસપાસના 10થી 15 કિમી વિસ્તારોમાં માત્ર દોઢ કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબકતાં જનજીવનને અસર થઈ હતી. મોડી સાંજે 6 વાગ્યા સુધીમાં ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો.

માંડવી 1 કલાકમાં 2.5 ઈંચ વરસાદ, નીચાણ વિસ્તારમાં પાણી ભરાયાં
ક્યાં કેટલો વરસાદ
બારડોલી 12 મિમી કામરેજ 21 મિમી મહુવા 81 મિમી માંડવી 66 મિમી માંગરોળ 43 મિમી પલસાણા 08 મિમી ઉમરપાડા 94 મિમી

માંડવીમાં 1 કલાકમાં અઢી ઇંચ વરસાદથી પાણી ભરાયા.

માંડવી નગરમાં આજે બપોર 3 વાગ્યે સખત ગરમી બાદ વાદળો ઘેરાય હતા, અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર એક કલાકમાં વરસેલ વરસાદથી નગરના મુખ્ય માર્ગો તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણીથી છલકાયા હતાં. શાળા કોલેજને છુટવાના સમયે આવેલ વરસાદ ઘણા વિદ્યાર્થીઓ અટવાયા હતાં. સાડા ત્રણ પછી એક કલાકથી ઓછા સમયમાં તૂટી પડેલા 2.5 ઈંચ વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા હતાં. રાહહદારીઓ માટે રસ્તો ઓળંગવો મુશ્કેલ બન્યું હતું.

મહુવા તાલુકામા 2 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ
મહુવા તાલુકામા છેલ્લા બે દિવસથી ઝરમર ઝરમર વરસી રહેલા વરસાદે બપોર બાદ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ, અને બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા દરમ્યાન2 કલાકમાં 65 મિમી 2.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેને લઈ તાલુકામા ઠેરઠેર પાણી પાણી થઈ ગયુ હતુ. ભારે વરસાદને લઈ ઘણા ગામોમાં વીજળી ડુલ થઈ ગઈ હતી. તાલુકાના ગામોને જોડતા આંતરિક માર્ગો તેમજ સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા. જેના પરિણામે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.પવન સાથે વરસાદ હોવાથી વાહન હંકારવુ અત્યંત મુશ્કેલ બની ગયુ હતુ, સામે કંઈ જ ન દેખાતા ઘણા નાના વાહન ચાલકોએ વાહન થંભાવી દેવાની નોબત આવી હતી.

અન્ય સમાચારો પણ છે...