તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓલપાડ-સાયણ-કીમ ધિરાણ મંડળીના એજન્ટની ડેઇલી રિકરિંગના નામે રૂપિયા ઉઘરાવી લાખોની ઠગાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ-સાયણ-કીમ નાગરિક ધિરાણ સહકારી મંડળી લી. ની સાખને લાંછન લાગવા સાથે મંડળીના સભાસદો સાથે વિશ્વાસઘાત થવા જેવી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મંડળીના સાયણ વિસ્તારના એજન્ટે ડેલી રીકરીંગ નાં લાખો રૂપિયા ઉઘરાવી ગજવે ઘાલવાની ઘટનાએ સભાસદો અને બિન સભાસદોએ માથે હાથ દેવાનો વારો આવ્યો છે. જયારે મંડળીના નામે લાખો રૂપિયાની છેતરપીંડી કરવાની ઘટનામાં મંડળીના મુખ્ય વહીવટ કર્તાઓ દ્વારા જવાબદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ન કરતા મંડળી અને સભાસદો સાથે મોટું અહિત થતા હાલ મંડળીમાં આ મુદ્દે વ્યવસ્થાપક સમિતિના સભ્યો વચ્ચે ગજગ્રાહ થયો છે.

તાલુકાની ધી ઓલપાડ-સાયણ-કીમ નાગરિક ધિરાણ સહકારી મંડળી લી. કે જે સહકારી ધોરણે સભાસદોને નાણા ધિરાણ કરવા સાથે કાર્ય ક્ષેત્રમાં આવતા સભાસદોની ડેલી રીકરીંગથી નાણાંકીય બચત કરવા સાથે વ્યાજે નાણાં ધિરાણ કરવાનું કામ છે. ઓલપાડ-સાયણ-કીમ આમ ત્રણ વિસ્તારમાં ડેલી રીકરીંગથી નાણાંકીય ભંડોળ એકત્ર કરવા માટે મંડળી એજન્ટોની નિમણુંક કરી કાર્યવાહી કરાવે છે. મંડળીના મેનેજરની દેખરેખ હેઠળ એજન્ટોની તમામ પ્રકારની કામગીરી થતી હોઈ છે.

આ મંડળીના સાયણ વિસ્તારનાં એજન્ટ જીતેન્દ્ર પરસોત્તમભાઈ પટેલ દ્વારા ડેઇલી રિકરિંગના નામે લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા. પણ આ રકમ મંડળીમાં જમા ન કરાવતા સભ્યોને તેમની પાકતી તારીખે પુરતી રકમ મળતી નહોતી. છતાં તેના કરતૂત પર મંડળીના મુખ્ય વહીવટ કર્તાઓ યેનકેન પ્રકારે પડદો પાડતા આવેલા છે. જેથી એજન્ટને મોકળું મેદાન મળતા છેલ્લા એક વર્ષના સમય ગાળામાં તેણે ૪૦૦થી વધુ ગ્રાહકો મળીને સત્તાવાર જાણવા મળેલી માહિતી મુજબ મંડળીના નામે છેતરપીંડી કરવાના કૌભાંડનો આંક હાલ ૩૪ લાખને પાર કરી ચુક્યો છે. રૂપિયા ૩૪ લાખથી છેતરપીંડી કરવાની ઘટનામાં સભાસદોને તેમની રોકડ રકમ પાછી અપાવવા સાથે જવાબદાર વિરુદ્ધ મંડળીના મુખ્ય વહીવટ કર્તાઓ દ્વારા આજદિન સુધી કાયદેસરની કાર્યવાહી ન કરી સભાસદો અને ગ્રાહકો સાથે ખોટું કરવાની વાતે સાયણ વિભાગના ડિરેક્ટર અને મંડળીના મુખ્ય વહીવટ કર્તાઓ વચ્ચે ગજગ્રાહ ઉભો થયો છે. શનિવારે મળનારી સામાન્ય સભામાં આમુદ્દે તડાફડી થવાના એંધાણ છે.

સભાસદો સાથે છેતરપિંડીની ઘટનામાં મેનેજરની વહીવટી અણઆવડત કે પછી પીઠબળ
એક વર્ષ અગાઉથી મંડળીના નામે તેના સભાસદો અને બિન સભાસદો પાસેથી ડેલી રીકરીંગનાં નામે રોકડ રકમ ઉઘરાવી ગજવે ઘાલવાની ઘટનાને અંજામ આપતો આવ્યો હોઈ, એજન્ટના કરતૂત બાબતે સૌ પ્રથમ મંડળીની વહીવટી કાર્યવાહી અને અન્ય પ્રકારની તમામ કામગીરીની દેખરેખ કર્તા આવેલ મેનેજર જવાબદાર હોવાનું કહી શકાય જો, મેનેજર પોતાની કુનેહ અને આવડતથી મંડળીનો વહીવટ કર્તા આવેલ હોતે તો આવી ઘટના બનવી શક્ય નથી. ત્યારે આવી ગંબીર ઘટના માટે મેનેજરની વહીવટી અણ આવડત કે પછી પીઠબળ એ તપાસનો વિષય છે.

ઓડિટ બાદ ફાઈનલ રિપોર્ટના આધારે કાર્યવાહી કરશું
સાયણનાં એજન્ટ દ્વારા મોટી રોકડ રકમ ઉઘરાવી સભાસદો સાથે છેતરપીંડી કરવાની ઘટનામાં અમે ગંભીર છે, સાથે આ બાબતે મેં વ્યવસ્થાપક સમિતિના તમામ સભ્યો સાથે બેઠક કરી સહકારી કાયદા મુજબ કાયદેરની કાર્યવાહી કરવાના ભાગરૂપે સ્પેશિયલ ઓડીટ કરાવી રહ્યા છે. ત્યારે ઓડિટનો ફાઈનલ રીપોર્ટ આવ્યા બાદ જવાબદાર વિરુધ કાયદેસરની કાર્યવાહી કરીશું. સન્મુખભાઈ ઢીમ્મર, ચેરમેન

મંડળીમાં અનેક પ્રકારે ખોટું થતું આવ્યું છે
મંડળીના પેટા કાયદા અને સહકારી કાયદા મુજબ મંડળીના કાર્યક્ષેત્ર બહારના કોઈને પણ મંડળીમાં સભ્ય બનાવી શકાય નહી કે મંડળીના કોઈપણ પ્રકારના કાયદેસરના હક્કો તેને આપી શકાય નહી. ત્યારે કીમ વિસ્તારમાં અનેક લોકોને ખોટી રીતે સભાસદ બનાવવા સાથે મંડળીના કાર્યક્ષેત્ર બહાર અનેકને ખોટી રીતે મોટી રકમથી નાણા ધિરાણ કરવામાં આવ્યા છે. જે મંડળીના પેટા કાયદાઓ અને સહકારી કાયદા વિરુધ છે.

ચેરમેન કાયદેસરની કાર્યવાહી કરાવી શકે
છેતરપિંડીની આ ઘટના અંગે સાયણ વિસ્તારના ડિરેક્ટરો દ્વારા ચેરમેનને પણ લેખિત રજૂઆત અને ફરિયાદ કરવામાં આવી છે. ડિરેક્ટરોની ફરિયાદને આધારે ચેરમેન પણ કાયદેસરની કાર્યવાહી કરાવી શકે છે. પણ તેમના દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી ન કરાતા શંકા સેવાઇ રહી છે.

34 લાખનો આંકડો સામે આવ્યો છે
 સાયણ વિસ્તારના એજન્ટ જિતેન્દ્ર પટેલ દ્વારા સાયણ વિસ્તારમાં સભાસદો પાસેથી ડેઈલી રીકરીંગ પેટે રોકડ રકમ ઉઘરાવી તે રકમ મંડળીમાં જમા ન કરવા સાથે સભાસદોને પાકતી મુદતે તેમની રકમ આપી ન હતી. આ બાબતે મંડળીમાં સભાસદોએ ફરિયાદ કરતા જિતેન્દ્ર પટેલના તમામ સભ્યોના કાર્ડની તપાસ કરતા 34 લાખ રૂપિયાની રોકડ રકમથી સભાસદો સાથે છેતરપિંડી થઈ હોવાનું નોંધાયું છે. મંડળીની વ્યવસ્થાપક સમિતિ આ બાબતે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. કેતનકુમાર પટેલ, મેનેજર

અન્ય સમાચારો પણ છે...