મૂક-બધિર મતદાતાઓ માટે અધિકારીઓ સાઇન લેંગ્વેજ શીખશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો.ધવલ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે નોડલ ઓફિસરોની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેકટરે ઉપસ્થિત નોડલ ઓફિસરોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં શહેર-જિલ્લાના મતદારો ઉત્સાહભેર ભાગ લે તેવું વાતાવરણ ઉભું કરવું જરૂરી છે.

આ માટે મતદાન મથક પર સરળતાથી મતદાન કરી શકાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી પંચના સહયોગથી તમામ આવશ્યક સવલતો ઉપલબ્ધ કરવામાં આવશે. તેમણે જે તે વિભાગના નોડલ ઓફિસર તેમના કાર્યક્ષેત્ર માટે ચૂંટણીલક્ષી તમામ નિર્ણયો લેવાની સત્તા ધરાવે છે, એમ જણાવી ચૂંટણી કામગીરી સુચારૂ રીતે સંપન્ન થાય તે પ્રકારના હકારાત્મક નિર્ણયો લેવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી સાથે જોડાયેલા અધિકારીઓ પરસ્પર સંકલન જાળવીને તેમને સોંપાયેલી ફરજો-કાર્યોને સમયમર્યાદામાં પૂર્ણ કરી ચૂંટણી પ્રક્રિયા પાર પડે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો. એમ.સી.એમ.સી. સેન્ટર દ્વારા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતી પેઈડ ન્યુઝ સહિતની કન્ટેન્ટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે મીડિયા મોનિટરિંગની કામગીરી સતર્કતાથી કરવામાં આવે એ જરૂરી હોવાનું જણાવ્યું હતું.

દિવ્યાંગ મતદારોને મતદાન મથક પર કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે અને તેઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે મતદાન મથક તેમજ દિવ્યાંગ મતદારોની સુવિધાનું મોનિટરિંગ કરવા માટે ચૂંટણી પંચ સતત પ્રયાસો કરી રહ્યું છે. ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ મૂક-બધિર મતદાતાઓ માટે સાઇન લેંગ્વેજ પણ શીખશે એમ તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત ચૂંટણી ફરજના અધિકારી કર્મચારીઓ બેલટથી મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલટ, મેનપાવર, તાલીમ, ચૂંટણી કામગીરીનાં વાહનો માટે જરૂરી વ્યવસ્થા, પોસ્ટલ બેલટ વગેરેની કામગીરીની પણ તેમણે સમીક્ષા કરી હતી. સીવિજીલ એપમાં આચારસંહિતા ભંગની થતી ફરિયાદને સમયમર્યાદામાં નિરાકરણ લાવવાનો અનુરોધ કર્યો હતો. સ્વીપ કામગીરીને વધુ અસરકારક બનાવી મતદાન માટે મતદાતાઓને વધુમાં વધુ પ્રેરિત કરવાનો તેમણે ભારપૂર્વક કહ્યું હતું. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સી.પી પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. કોયા, મીડિયા નોડલ ઓફિસર બી.ડી. રાઠવા, જિલ્લા શિક્ષણાધિકારી એસ. એચ. રાજ્યગુરુ સહિત વિવિધ વિભાગોના નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

પોસ્ટલ બેલટ, મેનપાવરની સમીક્ષા કરાઈ
ચૂંટણી અધિકારી કર્મચારીઓ બેલટથી મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલટ, મેનપાવર, તાલીમ, ચૂંટણી કામગીરીનાં વાહનો માટે જરૂરી વ્યવસ્થા, પોસ્ટલ બેલટ વગેરેની કામગીરીની પણ તેમણે સમીક્ષા કરી હતી. સીવિજીલ એપમાં આચારસંહિતા ભંગની થતી ફરિયાદને સમયમર્યાદામાં નિરાકરણ લાવવાનો અનુરોધ કર્યો હતો. સ્વીપ કામગીરીને વધુ અસરકારક બનાવી મતદાન માટે મતદાતાઓને વધુમાં વધુ પ્રેરિત કરવાનો તેમણે ભારપૂર્વક કહ્યું હતું.