સુરત પબ્લિકેશનમાંથી રોજનીશી ખરીદવા આચાર્યોને ભલામણ કરતા નવસારી DPEO

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લાના ડીપીઈઓ દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યોને સુરતના એક ચોક્કસ પબ્લિકેશનમાંથી રોજનીશી ખરીદવા માટે ભલામણ કરતો પરિપત્ર કરતા વિવાદ થવાના એંધાણ વર્તાય રહ્યા છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરવિંદ પટેલ દ્વારા તા. 5મી મેથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓના આચાર્યોને એક પરિપત્ર બહાર પાડી તેમાં જણાવ્યું છે કે સ્પર્શ પબ્લિકેશન સુરત તરફથી શૈક્ષણિક કાર્યને વેગવંતુ બને તે માટે જુદા જુદા શૈક્ષણિક પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. રોજનીશીના કાગળની ગુણવત્તા તેમજ ટાઈટલ પેજની આકર્ષકતા ખૂબ જ સુંદર છે. આ બાબતે સ્પર્શ પબ્લિકેશનના નિશા વ્યાસનો મોબાઈલ ફોન નંબર પણ પરિપત્રમાં દર્શાવવામાં આવ્યો છે.

વધુમાં ડીપીઈઓએ આ રોજનીશી માટેનો ખર્ચ શાળાઓને સર્વ શિક્ષા અભિયાન દ્વારા આપવામાં આવતી વન ટાઈમ ગ્રાંટમાંથી ખર્ચ કરી ખરીદવા ભલામણ છે તેમ પણ પરિપત્રમાં જણાવ્યું છે. ડીપીઈઓ દ્વારા એક ચોક્કસ પબ્લિકેશનમાંથી રોજનીશી ખરીદવા માટે શિક્ષકોને લેખિત ભલામણ કરવામાં આવતા અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે.

પબ્લિકેશન સાથે પૂર્વ ગોઠવણના ભાગરૂપે ડીપીઈઓ દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે કે કેમ ? તેવા અનેક સવાલો ઉભા થયા છે. સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરાવવામાં આવે તે જરૂરી છે.

પરિપત્ર કર્યો છે, આદેશ કર્યો નથી
સુરતના સ્પર્શ પબ્લિકેશનનો કાગળ કચેરીને મળતા રોજનીશી ખરીદવા માટે આચાર્યોને પરિપત્ર કર્યો છે. માત્ર ભલામણ કરી છે, આદેશ કર્યો નથી. આ પ્રકારની ભલામણ હું કરી શકુ છું. અરવિંદ પટેલ, ડીપીઈઓ, નવસારી

અન્ય સમાચારો પણ છે...