ફણસામાં પુત્રએ જ ત્રિકમના ઘા મારી વૃદ્ધ પિતાની હત્યા કરી લાશ દાટી હતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામના ફણસા ગામે વૃદ્ધની હત્યા કરી ઘરનાવાડામાં દાટી દેવાયેલી હાલતમાં લાશ મળવાની ઘટનામાં પોલીસ તપાસમાં ગણતરીના કલાકોમાં હત્યારો મૃતકનો પુત્ર જ હોવાનું બહાર આવતા ચકચાર ફેલાઇ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારનું ફણસા ગામે મિતનાવાડમાં રહેતા અને સરીગામની એક કંપનીમાં વોચમેનની નોકરી કરતા ચીમનભાઈ મિતના ઉવ 69 ગત સોમવારે અચાનક ગુમ થઈ ગયા હતા. બે દિવસ બાદ અચાનક વૃદ્ધ ચીમનભાઈની લાશ તેનાજ ઘરવાડામાં રતિના ઢગલામાં દાટી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. નારગોલ મરીન પોલીસમાં જાણ કરતા ઘટના સ્થળે આવી પહોચી લોકોની હાજરીમાં લાશ બહાર કાઢતા લાશ ચીમનભાઈ મિતનાની હોવાનું બહાર આવ્યું હતું.

ચીમનભાઈ મિતનાની હત્યા થયાની ફરિયાદ મૃતકના દીકરા હિરેનભાઈ મીતનાએ પત્નીના અન્ય પુરુષો સાથે આડા સબંધ હોઈ ઘરમાં વારંવાર ઝગડાઓ થતા પિતા તેને ઠપકો આપતા હતા. ગત 2 મે ના રોજ પણ ઝગડો થયો હતો. અને પત્ની તેના પિયર પળગામ ચાલી ગઈ હતી. ગત સોમવારે રાત્રિના દશેક વાગ્યે પત્ની તેજલ અને કેટલાક માણસો કારમાં ફણસા ઘરે આવેલા અને ઝગડો કરેલો અને ચાલી ગયા હતા અને બુધવારે સવારે હત્યા કરાયેલી પિતા ચીમનભાઈની લાશ મળી આવી હતી. આમ પત્ની તેજલે અન્ય વ્યક્તિઓ સાથે મળી હત્યા કરી હોવાની શંકા પોલીસ સમક્ષ મૃતકના પુત્ર હિરેને કરી હતી.જોકે પોલીસે મૃતકની વહુ તેજલની પુછપરછ કરતા પોતે ઘટના સમયે તે તેણીના પિયર પળગામ હતી તેમ જણાવ્યુ હતું.

ઘટના બાદ મરીન પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.ડી. સાળુંકેની ટીમે આડોસ પાડોશના લોકોના નિવેદનો લય તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. જે પ્રકારથી મૃતદેહ મળી આવ્યો હતો તેને જોતાં એ વાતની સ્પષ્ટતા થઈ રહી હતી કે, હત્યારો કોઈ બહારનો વ્યક્તિ ન હોય શકે. લાશને ઉપાડી ઘરના વાડા સુધી લઇ દાંટવાની હિમ્મત એકલી મહિલા ન કરી શકે. જે ફલિત થતા પોલીસે ફરિયાદી પુત્ર હિરેનની ઊલટ તપાસ કરતાં હિરેને પોપટની જેમ વૃદ્ધ પિતાની હત્યા પોતે કરી હોવાનું કબૂલ્યું હતું જેથી પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ હત્યારા પુત્રએ પોલીસને ગેરમાર્ગે દોરવા પોતાનીજ પત્ની તેજલ ઉપર શંકા ઉપજાવી હતી.

ઝઘડો થતા ઉસ્કેરાઇ હત્યા કરી હતી
ઉમરગામ તાલુકાના ફણસા ગામના મિતનાવાડના હત્યા કેસમાં ફરિયાદી પુત્રજ આરોપી છે.તેણે પોતાનો ગુનો કબુલ્યો છે. પિતા સાથે ઝઘડો થતા તેણે ત્રિકમના ઘા કરી પિતાની હત્યા કરી હતી. એસ.ડી. સાળું, પી.એસ.આઇ.મરીન પોલીસ સ્ટેશન, નારગોલ

અન્ય સમાચારો પણ છે...