તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિ. ઇન્ડિયા સ્પર્ધામાં જલાલપોરનો યુવાન રનર અપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હી ખાતે યોજાયેલી મિસ્ટર ઇન્ડિયા સ્પર્ધામાં જલાલપોર તાલુકાના સુલતાનપુર ગામના યુવાને ફર્સ્ટ રનર્સઅપનો ખિતાબ જીતી એક ગૌરવપદ સિદ્ધિ હાંસલ કરી છે.

અનેક યુવાનો ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ કે કબડ્ડી જેવી અનેક રમતોમાં નેશનલ લેવલ સુધી પોતાનું કૌશલ્ય બતાવી કાંઠા વિસ્તારની છબી નેશનલ લેવલે ઉજાગર કરી ચૂકયા છે. તેવી જ રીતે સુલતાનપુર ગામના બોરી ફળિયાનો રહેવાસી અને હાલ ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલો 31 વર્ષીય પ્રતિક પટેલ નામના યુવાને સૌંદર્ય અને અદાકારી જેવી મિસ્ટર ઇન્ડિયા નામની 3જી નવેમ્બરે દિલ્હીના દ્વારકા ખાતે યોજાયેલી સ્પર્ધામાં ભાગ લઇ ફર્સ્ટ રનર્સ અપનો ખિતાબ જીતી કાંઠા વિસ્તારનું નામ રોશન કર્યુ છે. દિવ્ય ભાસ્કર સાથે થયેલી ખાસ મુલાકાતમાં પ્રતીક પટેલ જણાવે છે કે હું અહીં ધો. 12 સુધી અભ્યાસ કરી વધુ ભણતર માટે બારેક વર્ષ અગાઉ સ્ટડી બેઝ ઉપર ન્યુઝીલેન્ડ ગયો હતો. મારા અભ્યાસકાળ દરમિયાન મને પણ મારી કોઇ અલગ ઓળખ ઊભી કરવાની ઇચ્છા જાગી હતી. જેમાં મીસ ઇન્ડિયા કે મીસ વર્લ્ડ જેવી ભારતમાં યોજાતી યુવતીઓ માટેની સ્પર્ધાથી પ્રેરણા લઇ મિસ્ટર ઇન્ડિયા જેવી સ્પર્ધામાં ભાગ લઇ મારી પોતાની અલગ ઓળખ ઊભી કરવાનો સંકલ્પ કર્યો હતો. જે માટે ન્યૂઝીલેન્ડથી જ ઓનલાઇન તપાસ હાથ ધરી હતી. જેમાં મને દિલ્હી સ્થિત સ્કાયવોક પ્રોડકશન દ્વારા મિસ્ટર ઇન્ડિયા નામની સ્પર્ધા માટેનો સંપર્ક થયો હતો.

સ્પર્ધામાં ભાગ લેવા ઉમેદવારી નોંધાવી હતી. જૂન મહિનામાં ઓડીશન માટે દિલ્હી બોલાવવામાં આવ્યો હતો. હું પાંચ દિવસ માટે ન્યૂઝીલેન્ડથી દિલ્હી આવ્યો અને ઓડિશનમાં ભાગ લઇ પરત ન્યૂઝીલેન્ડ ગયો હતો. તેના એક વીક બાદ મારું સિલેકશન થયાનો અને તે માટે તમારે 10 દિવસની ટ્રેનિંગ કરવી પડશે એવો ફોન આવ્યો હતો. 20મી ઓકટોબરે હું દિલ્હી આવ્યો અને ટ્રેનિંગમાં જોડાયો હતો. ટ્રેનિંગ પત્યાને બીજા દિવસે એટલે 3જી નવેમ્બરે ફાઇનલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સારો દેખાવ કરવા છતાં મિસ્ટર ઇન્ડિયાનો ખિતાબ જીતી શક્યો ન હતો પરંતુ ફર્સ્ટ રનર્સઅપનો ખિતાબ જીતી શક્યો હતો.

પ્રતીક પટેલના જણાવ્યા મુજબ આ સ્પર્ધા માટે સમગ્ર ભારતમાંથી હજારો યુવકોએ ઉમેદવારી કરી હતી પરંતુ તે પૈકીના 100 યુવકોનું ફાઇનલ સ્પર્ધા માટે સિલેકશન થયું હતું.

મિ. ઈન્ડિયા સ્પર્ધામાં ફર્સ્ટ રનર્સઅપ બનેલો પ્રતિક પટેલ.

અન્ય સમાચારો પણ છે...