તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડળ ટોલનાકે સ્વચ્છતા મિશનના ધજાગરા, શૌચાલયોને તાળાં મરાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોનગઢના માંડળ ગામે નેશનલ હાઇવે પર આવેલ ટોલનાકાની બંને તરફ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનાવાયેલા શૌચાલયોને ટોલનાકા અને અમુલ મીની સ્ટોલ પૈકી કોણ દેખરેખ રાખે એ મુદ્દે છેલ્લા એકાદ સપ્તાહથી તાળા મારી દેવામાં આવ્યા છે. સાફસફાઈ અને રખરખાવ બાબતે શૌચાલય નજીક આવેલ અમુલ મીની સ્ટોલના સંચાલક અને ટોલનાકાના સંચાલકો વચ્ચે વિવાદ ઉભો થતા આખરે શૌચાલયના દરવાજે એંગલ મારી દેવાઈ છે.

સોનગઢના માંડળ ગામ નજીક નેશનલ હાઇવે પર ટોલનાકું આવેલ છે અને સંચાલકો દ્વારા ભારે ભરખમ ટોલ ફી ની વસૂલી કરવામાં આવી રહી છે. જયારે વાહનચાલકોએ આપવાપાત્ર સુવિધાના નામે અહીં મીંડું જ જોવા મળે છે. હાલમાં બારડોલીથી ઠેઠ ઉચ્છલ સુધીનો નેશનલ હાઇવે ઠેરઠેર ખોદાઈ ગયો હોવા છતાં ખાડા રિપેર કરવામાં આવતા નથી. ત્યાં વળી એક વિવાદ ટોલનાકાના નામે બહાર આવ્યો છે. ટોલનાકાની બંને તરફ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય બનાવવામાં આવ્યા છે, અને આ શૌચાલયો હાઇવે થી પસાર થતા વાહનચાલકો માટે અતિઉપયોગી થયા હતા. શરૂઆતમાં ટોલનાકાના કર્મચારીઓ આ શૌચાલયની સફાઈ અને પાણી જેવી સગવડનું ધ્યાન રાખતા હતા, પરંતુ છેલ્લા પંદરેક દિવસથી એમણે આ કામગીરી બંધ કરી દીધી છે. જાણવા મળ્યા મુજબ અપ અને ડાઉન ટ્રેક પર આવેલ શૌચાલયના થોડા અંતરે અમુલ ડેરી દ્વારા મીની સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે જે હાલમાં ધમધમે છે. આ મીની સ્ટોલ શરૂ થયા પછી ટોલનાકા કર્મચારીઓ એ શૌચાલયની દેખરેખમાંથી હાથ ખંખેરી લીધા છે. થોડા જ દિવસમાં શૌચાલય નરકાગાર જેવું થઇ ગયું હતું.

દેખરેખની જવાબદારી સ્ટોલધારકની છે
 માંડળ ટોલનાકાની નજીક બંને તરફ આવેલ શૌચાલયના રખરખાવની જવાબદારી અમારી નથી. અમુલ મીની સ્ટોલ ધારકને જયારે જગ્યા ફાળવવામાં આવી હતી ત્યારે થયેલ એગ્રીમેન્ટમાં શૌચાલયની સફાઈ તથા વાહનચાલકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવાની જવાબદારી સ્ટોલધારકની હોવાનું લખવામાં આવ્યું છે. આ સ્ટોલધારકની આડાઈને કારણે શૌચાલયો બંધ કરવાની કરવાની નોબત આવી છે, એમાં અમારો કોઈ રોલ નથી. ઉપેન્દ્રસિંહ ચૌહાણ , ટોલનાકા મેનેજર

આંતરિક માથાકૂટમાં વાહનચાલકો ફસાયા
 સોનગઢના માંડળ ટોલનાકા નજીક આવેલ શૌચાલયો પૈકી ને પુરુષ શૌચાલયોના દરવાજે એંગલ મારી બંધ કરી એને બંધ કરી દેવાયા છે. જયારે મહિલા શૌચાલયો પણ બંધ થવાની તૈયારીમાં છે. ટોલનાકા અને સ્ટોલધારકની માથાકૂટમાં હાઇવેથી પસાર થતાં વાહનચાલકોની સુવિધા ઝુંટવાઈ ગઈ છે. ત્યારે સ્વચ્છ ભારત અભિયાનને ધ્યાનમાં રાખી તાકીદે શૌચાલય ખુલ્લા કરવામાં આવે અને એની સાફસફાઈની જવાબદારી ફિક્સ કરવામાં આવે તે જરૂરી છે. જીતુભાઇ ગામીત, સરપંચ, ડોસવાડા)

અન્ય સમાચારો પણ છે...