• Gujarati News
  • National
  • ડોલવણમાં હલકી કક્ષાનું ખાદ્ય તેલ વેચાણ કરવા બદલ વેપારી અને ઉત્પાદક દંડાયા

ડોલવણમાં હલકી કક્ષાનું ખાદ્ય તેલ વેચાણ કરવા બદલ વેપારી અને ઉત્પાદક દંડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લાના ડોલવણ ખાતે રામદેવ સુપર માર્કેટ માં ગત દિવસોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં ખેડૂત બ્રાંડનું મગફળી તેના નમૂના લેવામાં આવ્યા હતાં. જે નમૂનાના પૃથક્કરણમાં તેલ યોગ્ય ન જણાતાં ગોંડલના તેલની ફેક્ટરી પર 2.25 લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે સ્ટોર્સના માલિકને 10 હજારનો દંડ ફટકાર્યો છે.

તાપીના ફુડ સેફટી ઓફિસર દ્વારા તા. ૨૫/૧૦/૨૦૧૭ના રોજ સાવલરામ મંગારામ પટેલ(રીટેલર પેઢીના માલિક) રામદેવ સુપર માર્કેટ, મેઇન રોડ, ડિસ્ટ્રિકટ બેંકની નજીક, ડોલવણ જિ. તાપી ખાતેથી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે ખેડૂત બ્રાન્ડ શુદ્ધ મગફળી તેલનો નમૂનો પૃથ્થકરણ અર્થે લેવામાં આવ્યો હતો. આ નમૂનો પૃથ્થકરણના અંતે મિસબ્રાન્ડેડ ઠરતા આ અંગેનો કેસ એડજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરની કોર્ટમાં ચાલી જતા રીટેલર પેઢીના માલિકને રૂા. ૧૦,૦૦૦ અને એકતા ઓઇલ પ્રોટીન્સ, જી.આઇ.ડીસી-૨, જામવાડી, ગોંડલના માલિક દામજીભાઇ ઉકાભાઇ વોરાને રૂા. ૨.૨૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

એડજ્યુડિકેટિંગ ઓફિસર અને અધિક નિવાસી કલેકટર એસ.પી મુનિયા તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફુડ એનાલિસ્ટના અભિપ્રાય મુજબ ખેડૂત બ્રાન્ડ શુદ્ધ મગફળી તેલ(૧૫ કિલો કંપની પેક ડબ્બામાંથી) નો નમૂનો ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ પ્રમાણે સબસ્ટાન્ડર્ડ અને ધી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ(પેકેજિંગ એન્ડ લેબલીંગ) રેગ્યુલેશન એકટ-૨૦૧૧ મુજબ મીસબ્રાન્ડેડ આવ્યો હતો.

ઉપરોકત બાબતોને ધ્યાને લેતા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ની કલમ-૨૩, કલમ-૨૬(૧), કલમ-૨૬(૨)(ii) અને કલમ-૨૭(૧)નો ભંગ થયો હોવાનું જણાતા કલમ ૫૧ તથા કલમ ૫૨ મુજબ રિટેલર પેઢીના માલિક સાવલરામ મંગારામ પટેલને રૂા. ૧૦,૦૦૦ અને એકતા ઓઇલ પ્રોટીનના માલિક દામજીભાઇ ઉકાભાઇ વોરાને રૂા. ૨.૨૫ લાખ મળી કુલ રૂા. ૨.૩૫ લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું એડજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર, તાપી તરફથી જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...