• Gujarati News
  • ટ્રકમાં બાઈક ઘુસી જતાં બેનાં મોત

ટ્રકમાં બાઈક ઘુસી જતાં બેનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસ્માના યુવકો એક બાઈક પર રાત્રિના સમયે નવસારી ગણેશજીના દર્શન માટે આવવા નીકળ્યા હતા
નવસારીથીથોડે દૂર નેશનલ હાઈવે નં.8 ઉપર ધારાગીરી ઓવરબ્રિજ પાસે ઉભેલી ટ્રક સાથે રાત્રિના સમયે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વેસ્માના બે યુવાનોના તો સ્થળ ઉપર મોત નીપજ્યા હતા. જ્યારે એકને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો હતો.
હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે નવસારી પંથકમાં ઠેર ઠેર ગણેશ પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. અનેક જગ્યાએ નયનરમ્ય શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરવાની સાથે આકર્ષક ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે. આકર્ષક ડેકોરેશનને નિહાળવા શહેરમાંથી ઉપરાંત નજીકના ગામડાઓમાંથી હજારો લોકો શહેરમાં ખાસ કરીને રાત્રિના સમયે નવવસારી આવી રહ્યા છે.
ગઈકાલે શનિવારના રોજ મોડીસાંજે 8.30 કલાક બાદ નવસારીથી થોડે દૂર આવેલ વેસ્મા ગામે સડક ફળિયામાં રહેતા ત્રણ યુવાનો એક બાઈક ઉપર સવાર થઈ નવસારીમાં ગણેશોત્સવ નિહાળવા ગયા હતા. નવસારી વિસ્તારના ગણેશોત્સવ નિહાળી રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં નવસારીથી પરત વેસ્મા જવા નેશનલ હાઈવે નં.8 ઉપર પોતાની પેશન પ્રો મોટરસાયકલ નં.જીજે-21-એએફ-3622 ઉપર સવાર થઈ જઈ રહ્યા હતા.
દરમિયાન ધારાગીરી ઓવરબ્રિજ પાસે પહોંચતા રસ્તાની સાઈડ ઉપર ઉભેલી એક ટ્રક નં.આરજે-6-જીએ-2945 સાથે ત્રણ સીટર બાઈક ધડાકાભેર અથડાઈ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે બાઈક ફંગોળાયું અને તેના પર સવાર ત્રણેય યુવાનો નીચે પટકાયા હતા.
બાઈક તેજશ નવનીતભાઈ હળપતિ નામનો 18 વર્ષીય યુવક ચલાવી રહ્યો હતો અને તેનું ગંભીર ઈજાને કારણે સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. તેજશ સાથે બાઈક ઉપર બેસેલ વેસ્મા સડક ફળિયાનો 21 વર્ષીય યુવાન પીન્ટુ મોહનભાઈ હળપતિનું પણ ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. બાઈક ઉપર ઉક્ત બે યુવાનો સાથે વેસ્માનો વિપુલ હળપતિ નામનો 20 વર્ષીય યુવાન પણ બેસેલ હતો, જે પણ નીચે પટકાયો હતો. વિપુલને અકસ્માતમાં દાઢીના તથા અન્ય ભાગે ઈજા થતાં તેને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
અકસ્માત સંદર્ભે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પીએસઆઈ ડી.એસ.સોનીએ વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માત | નેશનલ હાઈવે પર ધારાગીરી ગામ પાસે ઓવરબ્રિજ પર ઊભી રહેલી ટ્રક સાથે બાઈક અથડાઈ