Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી પાલિકાની દુકાનોની હરાજીનું મુહૂર્ત નથી
નવસારીનગરપાલિકા શાકભાજી માર્કેટની ઉપર બનાવેલી દુકાનોની હરાજી સાડા ચાર વરસે પણ કરી શકી નથી. હાલ દુકાનોને રેકર્ડરૂમ બનાવી દેવાઈ છે.
નવસારી નગરપાલિકાએ શહેરમાં અનેક શોપિંગ સેન્ટરો અને માર્કેટોનું નિર્માણ કર્યું છે. માર્કેટની દુકાનોની સમયાંતરે હરાજી કરી લાખો-કરોડો રૂપિયાની આવક પણ મેળવી છે. નગરપાલિકાની અનેક માર્કેટોમાંની એક પાલિકા કચેરીને અડીને આવેલી શાકભાજી માર્કેટ પણ છે.
થોડા વરસો અગાઉ શાકમાર્કેટમાં રાત્રિના સમયે ભીષણ આગ લાગતા માર્કેટને અતિગંભીર નુકસાન થયું હતું. જેને લઈને પાલિકાએ ઉક્ત નુકસાનીગ્રસ્ત શાકમાર્કેટની જગ્યાએ માર્કેટનું નવું મકાન બનાવવાનો નિર્ણય કર્યો હતો. આજથી આશરે 6-7 વર્ષ અગાઉ માર્કેટનું નવું મકાન બનાવવાની શરૂઆત કરાઈ હતી, જે સને 2011ના અંતમાં બની ગઈ હતી. પાલિકાએ નવા મકાનમાં નીચેના ભાગે (ભોંયતળિયે) શાકમાર્કેટ તથા ઉપરના ભાગે પાર્કિંગ તથા 23 જેટલી દુકાનોનું નિર્માણ કર્યું હતું. નવી માર્કેટનું લોકાર્પણ જાન્યુઆરી 2012માં કરવામાં આવ્યું હતું. તે સમયે નજીકના દિવસોમાં દુકાનોની હરાજી કરવાની વાત થઈ હતી. જોકે દુકાનોનું લોકાર્પણ થયાને આજે સાડા ચાર વર્ષ વિતી ગયા છે છતાં દુકાનોની હરાજી પાલિકા કરી શકી નથી.
અહીં ઉલ્લેખનીય છે કે ઉક્ત માર્કેટમાં કુલ 23માંથી 12 દુકાનો પાલિકાએ શિક્ષણ સમિતિની કચેરી તથા અન્ય હેતુ માટે રાખી છે. જ્યારે બાકીની 11 દુકાનોની હરાજી કરવાની થાય છે. 11 દુકાનોના શટર વરસોથી બંધ જોવા મળે છે. હાલ બંધ દુકાનો રેકર્ડરૂમ બન્યાનું જાણવા મળ્યું છે.
23 દુકાન પૈકી 12 દુકાન શિક્ષણ સમિતિ તથા અન્ય હેતુ માટે રાખી બાકી 11 દુકાનની હરાજી કરવામાં આવતી નથી
જૂનાના બદલે નવા શોપીંગ સેન્ટર બનશે
નવસારીશહેરમાં પાલિકા હસ્તકના નાની-મોટી 21 માર્કેટ-શોપિંગ સેન્ટરો છે. તેમાં અનેક શોપિંગ સેન્ટર જર્જરિત છે. જેમાંનુ એક સ્ટેશન વિસ્તારમાં જલાલપોર રોડ ઉપર આવેલી માર્કેટ તથા પાંચહાટડી વિસ્તારમાં બનાવેલું શોપિંગ સેન્ટર પણ છે. પાલિકાના સિટી ઈજનેર ગુપ્તાના જણાવ્યાનુસાર બંને શોપિંગ સેન્ટરોની જગ્યાએ નવા શોપિંગ સેન્ટરો સરકારી ગ્રાંટમાંથી બનાવવાની તજવીજ ચાલી રહી છે. પાંચ હાટડી વિસ્તારની પાલિકાની શાકમાર્કેટ પણ જર્જરિત બની છે.
સરકારના નિયમમાં ફેરફારથી વિલંબ
^નવસારીપાલિકાની શાકમાર્કેટના નવા મકાનની ઉપર બનાવાયેલી દુકાનોની હરાજીમાં થયેલા વિલંબનું કારણ સરકારના નિયમમાં થયેલો ફેરફાર હતો. અગાઉ સરકાર પાસે સીધી મંજૂરી લેવી પડતી હતી. જે અંતર્ગત હરાજીની મંજૂરી માંગવામાં આવી હતી. જોકે સરકારે નિયમ બદલી કલેકટરના અધ્યક્ષપદે બનાવાયેલી કમિટીમાં પ્રથમ મંજૂરી મેળવી તેના આધારે સરકારની મંજૂરી લેવાનો નવો નિયમ બનાવતા હવે જિલ્લા કક્ષાએ મંજૂરી માંગવામાં આવી છે. >રાજુ ગુપ્તા,સિટીઈજનેર, નવસારી પાલિકા
એક નવું શોપિંગ સેન્ટર તૈયાર
જ્યાંનવસારી પાલિકાએ સાડા ચાર વર્ષ અગાઉ બનાવેલી શાકમાર્કેટની દુકાનોની હરાજી બાકી છે ત્યાં પાલિકાના એક નવા નિર્માણ થયેલા શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજી પણ બાકી છે. હાલમાં કેટલાક વરસોથી ઝડપથી વિકસી રહેલા પારસી હોસ્પિટલ સામેના માર્ગ ઉપર પણ એક શોપિંગ સેન્ટરનું નિર્માણ કર્યું છે. જેનું કામ પતી ગયું છે. જેમાં અનેક દુકાનો બનાવવામાં આવી છે. જેની હરાજી પણ બાકી છે. જોકે પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ નવા શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજીની મંજૂરી પણ માંગવામાં આવી છે.
અગાઉ સરકારમાંથી સીધી મંજૂરી લેવાતી હતી, હવે પ્રથમ કલેક્ટર પાસે બાદમાં સરકારની મંજૂરી
પ્રજાના પૈસાનું રોકાણ | શાકમાર્કેટની ઉપરની દુકાનો બન્યાને સાડા 4 વર્ષ થયા , હવે રેકોર્ડરૂમ તરીકે ઉપયોગ