તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી જિલ્લામાં નોટબંધી બાદ 1600 કરોડથી વધુ જમા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નોટબંધથયાના 20 દિવસમાં નવસારી જિલ્લાની બેંકોમાં 1600 કરોડથી વધુની રોકડ જમા થઈ ગઈ છે.

8મી નવેમ્બરે વડાપ્રધાન મોદીએ 500 અને 1000ના દરની નોટ રદ કરવાની સાથે રદ નોટો બેંકોમાં સ્વીકારાશે એવી જાહેરાત પણ કરી હતી.જેને પગલે 10મીથી બેંકોમાં 500-1000ની નોટો જમા કરાવવા ધસારો થયો હતો. શરૂઆતના દિવસોમાં ધસારો વધુ હતો, જે પાછળથી થોડો ઓછો થયો છે.

બેંકિંગ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 10થી 14 નવેમ્બર સુધીના પ્રથમ પાંચ દિવસમાં નવસારી જિલ્લાની બેંકોમાં 667 કરોડ રૂપિયા જમા થઈ ગયા હતા. જેમાં 314 કરોડ રૂપિયા તો જિલ્લાની લીડ બેંક ગણાતી અને 61 શાખા ધરાવતી બેંક ઓફ બરોડામાં જમા થઈ ગયા હતા.

આજે હવે નોટબંધી થયાના 20 દિવસ પૂરા થઈ ગયા છે. 20 દિવસ દરમિયાન પણ નવસારી જિલ્લાની 235 બેંકની શાખાઓ (જિલ્લા સહકારી બેંકની 22 શાખાઓ બાદ કરતા)માં 500-1000ના દરની નોટો વડે અબજો રૂપિયા ઠલવાઈ ગયા છે.

નવસારી જિલ્લાની લીડ બેંક ગણાતી બેંક ઓફ બરોડામાં 800 કરોડ રૂપિયા 20 દિવસમાં જમા થયા છે. લીડ બેંકની જમા રાશિને ધ્યાને લેતા જિલ્લાની તમામ બેંકોમાં 1600 કરોડ રૂપિયાથી વધુ રકમ 500-1000ની નોટ પેટે 20 દિવસમાં જમા થઈ ગઈ છે. નોટબંધીના શરૂઆતના દિવસોની સરખામણીએ છેલ્લા કેટલાક દિવસોમાં બેંકોમાં 500-1000ની નોટ પ્રમાણમા ઓછી ઠલવાઈ છે.

પોસ્ટ ઓફિસમાં 70 કરોડથી વધુ જમા થયા હતા

નોટબંધીનીજાહેરાતમાં બેંકો સાથે 500-1000ની રદ નોટો પોસ્ટઓફિસમાં પણ સ્વીકારાશે એવી જાહેરાત કરવામા આવી છે. જેને પગલે નવસારી જિલ્લામાં આવેલી બે હેડ પોસ્ટઓફિસ, 39 સબ પોસ્ટઓફિસો તથા 246 બ્રાંચ ઓફિસોમાં પણ નાણા જમા થયા છે. પોસ્ટઓફિસમાં 500-1000ની નોટરૂપે નાણાં સેવિંગ્સ, પીપીએફ, રિકરિંગ, ટાઈમ ડિપોઝીટ, સુકન્યા વગેરેમાં જમા થયા છે. પોસ્ટઓફિસનો 19 દિવસનો રિપોર્ટ જોતા 67.63 કરોડ રૂપિયા 500-1000ની નોટરૂપે જમા થયા હતા, જે આંક 20 દિવસમાં 70 કરોડ રૂપિયા વટાવી જવાનો અંદાજ છે. પોસ્ટઓફિસમાં પણ શરૂઆતના દિવસોમાં નાણાં જમા કરાવવા ભારે ધસારો થયો હતો અને લાંબી કતારો લાગી હતી.

નવસારીમાં નાણાં જમા કરાવવા બેંકોમાં લાગેલી કતારની ફાઈલ તસવીર.

લીડ બેંક ગણાતી બેંક ઓફ બરોડામાં 800 (50 ટકા) કરોડ રૂપિયા જમા

માત્ર 20 દિવસમાં 500-1000ની નોટરૂપે બેંકમાં નાણાં જમા થયા

અન્ય સમાચારો પણ છે...