• Gujarati News
  • ધો.7ના વિદ્યાર્થીનું અપહરણ કરી મુંબઇ લઇ જવાનો પ્રયાસ

ધો.7ના વિદ્યાર્થીનું અપહરણ કરી મુંબઇ લઇ જવાનો પ્રયાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીએ ભીલાડ સ્ટેશને અપહરણકારોમાંથી છટકીને પિતાને ફોન કરતા હેમખેમ ઉગારો

ભાસ્કરન્યૂઝ. વાપી

ભીલાડરેલવે સ્ટેશન નજીકથી સોમવારે બપોરના સુમારે એક બાળકને જીઆરપી પોલીસે કબજે લીધો હતો. બાળકના મતે જ્યારે તેઓ સવારે સ્કૂલમાં જવા માટે નીકળ્યા હતા ત્યારે બે ઇસમોએ તેમનું અપહરણ કરીને કારમાં બેસાડી સુરત સ્ટેશન લઇ ગયા હતા. સ્ટેશનેથી ટ્રુનમાં બેસાડીને એક ઇસમ તેમને મુંબઇ લઇ જતા હતા. જોકે,ભીલાડ સ્ટેશને તેઓ યેનકેન પ્રકારે અપહરણકારોના હાથે છટકીને પિતાને ફોન કર્યો હતો. સુરત ખાતે રહેતો 13 વર્ષના બાળકે રજૂ કરેલી વાર્તા કંઇક અંશે પોલીસને ગળે ઉતરી હતી. અપહત બાળકના પિતા અને સંબંધીઅો વાપી સ્ટેશને આવી પહોંચતા જીઆરપીએ જરૂરી કાર્યવાહી કર્યા બાદ બાળકનો કબજો વાલીઓને સોંપ્યો હતો.

વાત જાણે એમ બની કે, સુરતના અંબામાતા મંદિર રોડ ઉપર ચોયાર્સી ડેરીની સામે રહેતા અલ્કેશ પ્રફુલ્લભાઇ માળીનો 13 વર્ષનો પુત્ર મીત સોમવારે રાબેતા મુજબ સવારે સાયકલ લઇને સ્કૂલે જવા માટે નીકળ્યો હતો. દરમિયાન બે અજાણ્યા ઇસમોએ તેમના મોંઢા ઉપર રૂમાલ બાંધીને તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું.

અપહરણકારો તેમને લઇને મુંબઇ તરફ જતી કોઇક ટ્રેનમાં બેસી ગયા હતા. ટ્રેન વાપી સ્ટેશન ક્રોસ કર્યા બાદ ભીલાડ સ્ટેશને ઊભી રહેતા મીતે લઘુ શંકા જવાના બહાને અપહકારોના ચુંગાલમાંથી ભાગી છૂટયો હતો. મીત ભીલાડ સ્ટેશનની બહાર પહોંચીને એક રીક્ષા ચાલકને તમામ હકીકતની જાણ કરતા તેમના પિતાના મોબાઇલ ઉપર સંપર્ક કરાવીને રીક્ષા ચાલકે વાત કરાવી હતી. આખરે તેમના પિતા તથા ગણદેવી નજીક રહેતા તેમના સંબંધીઓ તાત્કાલિક ભીલાડ સ્ટેશને પહોંચી ગયા હતા.