• Gujarati News
  • વલસાડમાં કલાયતન દ્વારા વાદ્યસંગીત કાર્યક્રમ યોજાયો

વલસાડમાં કલાયતન દ્વારા વાદ્યસંગીત કાર્યક્રમ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલાયતનદ્વારા શનિવારની સંધ્યાએ ડો.મોંઘાભાઇ હોલમાં મનમોહક વાદ્યસંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું.

કલાયતનના પ્રમુખ શ્રેયસ કાપડિયાના સ્વાગત વકતવ્ય બાદ ચેરમેન હરેન્દ્ર શુક્લે કલાકારનો પરિચય આપ્યો હતો. ઉસ્તાદ અમજદઅલી ખાન સાહેબના શિષ્યા સુશ્રી સ્મિતા નાગદેવે સિતારવાદનનો પ્રારંભ રાગ જયજયવંતીથી કર્યો હતો. રાગમાં તેમણે પારંપરિક આલાપ, જોડ, ઝાલા, પ્રસ્તુત કરી રાગની તથા વાદ્યની વિશેષતાઓ દર્શાવી અનેક પ્રકારના તોડા,ગમકની તાનો, તિહાઈ વિગેરે પ્રસ્તુત કરી તેમણે રંજકતામાં ઉમેરો કર્યો હતો.દિલ્હીના તબલાવાદક દુર્જય ભૌમિક સંગાથે તેમણે વિલંબિત ત્રિતાલ તથા મધ્ય એકતાલમાં ગત રજૂ કરી વાદનનું પાવન સમાપન તેમણે રાગ ખમાજની પ્રસ્તુતિ ‘વૈષ્ણવ જન તો થી કરી હતી.

કાર્યક્રમના અન્ય કલાકારનો પરિચય સુશીલ ભાવસારે આપ્યા બાદ પં.ગોપાલદાસજીએ ક્લેરિનેટ વાદનના પ્રારંભે રાગ પૂર્વા કલ્યાણની આલાપચારી પ્રસ્તુત કરી તેમના પુત્ર ભાસ્કરદાસે બાંસુરી ઉપર અત્યંત પ્રભાવક સંગત દ્વારા વાતાવરણને સૂરમય બનાવી દીધુ હતું.બે સાજમાં બે સપ્તકના સંવાદ ઘણા હૃદયસ્પર્શી રહ્યા હતા. વિલંબિત એકતાલના ખયાલમાં મધુર આલાપચારી બાદ મધ્ય એકતાલમાં ગમક ભરી તાનો દ્વારા પ્રેક્ષકોને ડોલાવ્યા હતા. તેમના સ્વરોની મીઠાશ દિલ અને દિમાગને સ્પર્શતી રહી હતી. તબલાવાદક દુર્જય ભૌમિક સાથેની જુગલબંધી તથા તિહાઈ પણ વારંવાર શ્રોતાઓની વાહવાહ મેળવતી રહી હતી. તેમણે મિશ્ર પહાડીમાં દાદરા શ્રોતાજનોને કાશ્મીરના પહાડોની સફર કરાવી હતી. અંતમાં રાગ ભૈરવીની કહરવા તાલની ધૂન દ્વારા સુંદર સમાપન કર્યુ હતું.કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ કલાયતનના મંત્રી ડો.મનિષ મોદીએ કયુઁ હતું.

સંગીત સંધ્યામાં સ્મિતા નાગદેવએ સિતારવાદન રજૂ કર્યું હતું