• Gujarati News
  • શિરીષ દેસાઇને ત્યાંથી 6 કરોડનું કાળું નાણું ઝડપાયું

શિરીષ દેસાઇને ત્યાંથી 6 કરોડનું કાળું નાણું ઝડપાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીઅને સરીગામના કેમિકલ કિંગ ગણાતા વીઆઇએ અને એસઆઇએ(સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન)ના માજી પ્રમુખ શિરીષ દેસાઇ અને તેના ભાઇઓની અંદાજિત 9 જેટલી કંપનીઓ પર વાપી આઇટીએ સાગમટે ગુરુવારે સરવે હાથ ધર્યો હતો. જેને લઇ અન્ય કંપનીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. સરવે બીજા દિવસે શુક્રવારે પણ યથાવત્ રહ્યો હતો. જો કે, મોડી સાંજે મળતી માહિતી મુજબ સરવેની કામગીરી પૂર્ણ થતાં અંદાજે રૂ.6 કરોડનું કાળું નાણું બહાર આવ્યું હોવાનું જાણવા મળે છે.

વાપીના જાણીતા ઉદ્યોગપતિ એવા શિરીષ દેસાઇ તેમના ભાઇઓ સંજય દેસાઇ અને શૈલેષ દેસાઇની અપૂર્વ કેમિકલ અને પોલ્યુસોલ સહિત નવ કંપનીઓ પર આઇટીની ટીમ એક સાથે ગુરુવારે સવારે ત્રાટકી હતી. આઇટીના 50 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓની 10 થી વધુ ટીમ કંપનીઓ પર પહોંચી ગઇ હતી. તેમણે શિરીષ દેસાઇ અને તેમના ભાઇઅોની વાપી અને સરીગામમાં ધમધમતી કંપનીમાં હિસાબી ચોપડાની તપાસ હાથ ધરી હતી. આઇટીની ટીમે તેમના સ્ટોક રજિસ્ટર તેમજ તેમના ખરીદ વેચાણના દસ્તાવેજની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ઉપરાંત તેમણે રિયલ એસ્ટેટમાં પણ મોટું રોકાણ કર્યું હોવાની વ્યાપક ચર્ચાના પગલે આઇટીની ટીમે તેમના રોકાણની પણ તપાસ હાથ ધરી હતી.

આઈટી વિભાગના સર્વે રૂપી દરોડાની કામગીરી શુક્રવારે બીજા દિવસે મોડી સાંજે પૂર્ણ થઈ ત્યારે શિરીષ દેસાઈ અને તેના બન્ને ભાઈ સંજય અને શૈલેષ દેસાઈની કુલ 9 જેટલી કંપનીઓમાંથી આઈટીને 6 કરોડનું કાળું નાણું હાથ લાગ્યું હતું. જેમાં ત્રણેય ભાઈઓ દ્વારા વિવિધ શહેરોમાં તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં જમીન અને ઉદ્યોગોમાં કરેલા બેનામી રોકાણોની વિગત હાથ લાગી હોવાનું મનાય છે.

વાપી આઇટીના દરોડાના પગલે વાપીના ઔદ્યોગિક જગતમાં ભારે ચર્ચા ચાલી રહી છે. અા સરવેને પગલે અન્ય કંપનીઓ પોતાનો સ્ટોક સરભર કરવામાં મંડી પડ્યા છે. કેટલીય કંપનીઓ પોતાનું પ્રોડક્શન જીપીસીબીથી બચવા અને અેક્સાઇઝથી બચવા માટે ઓછું દર્શાવતી હોય છે. તેમનો કેટલોક માલ ચોપડે દર્શાવ્યા વિના કાઢી નંખાતો હોય છે. ત્યારે આવી કંપનીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. તો કેટલીક કંપનીના સંચાલકો દરોડાના પગલે સીએના પગથિયાં પણ ગણવા માંડ્યા છે. વાપી આઇટીએ પાડેલા દરોડાની વ્યાપક અસર ઔદ્યોગિક અાલમમાં જોવા મળી રહી છે.

બ્લેક મની| VIAનામાજી પ્રમુખ શિરીષ દેસાઇ અને ભાઇ સંજય તેમજ શૈલેષ દેસાઇની 9 થી વધુ કંપનીઓમાં આઇટીનો સરવે