• Gujarati News
  • વાંસદા તાલુકાના આંબાપાણી ગામથી પકડાયેલા દીપડાનું મોત

વાંસદા તાલુકાના આંબાપાણી ગામથી પકડાયેલા દીપડાનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાતાલુકાના આંબાપાણી ગામે બંધ ઘરમાં દીપડો પડ્યાના સમાચાર મળતાની સાથે વનવિભાગે તરત સ્થળ પર જઈ દીપડાને બહાર કાઢવાના પ્રયત્ન હાથ ધરતા દીપડો પાંજરે પુરાયો હતો અને દીપડાની સારવાર કરાતા સારવાર દરમિયાન દીપડાનું મોત નીપજ્યું હતું.

વાંસદા પૂર્વ રેંજથી મળતી માહિતી મુજબ વાંસદા બીટના ખાંભલા વિસ્તારમાં આવેલા આંબાપાણી ગામના પટેલ ફળિયા ખાતે રહેતા નવસુભાઈ શુક્કરભાઈ ગાંગુડાના બંધ ઘરમાં 25મી નવેમ્બરના રોજ વહેલી સવારે દીપડો ભરાયો હતો. જેની ખબર આરએફઓ ડી.આર. ભગતને મળતા ભગતે મદદનીશ વનસંરક્ષક એન.જે. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોતાના સ્ટાફ સાથે સ્થળ પર જઈ દીપડાને સહીસલામત પકડવા માટે પ્રયાસ હાથ ધરતા સવારે 11.50 કલાકે દીપડો પાંજરે પુરાયો હતો.

નર દીપડાને સરા સેન્ટ્રલ નર્સરી ખાતે રાખવામાં આવ્યો હતો અને દીપડાને ઈજા થતા વાંસદા વેટરનરી ઓફિસર પાસે સારવાર કરાવવામાં આવી હતી. સારવાર દરમિયાન 27મી નવેમ્બરના રોજ વહેલી સવારે દીપડાનું મોત નીપજ્યું હતું. 27મી નવેમ્બર ગુરૂવારના રોજ સવારે 11 કલાકે સરા સેન્ટ્રલ નર્સરી ખાતે વાંસદા વેટરનરી ઓફિસર પાસે મૃત દીપડાનું પીએમ કરાવ્યું હતું અને ત્યારબાદ દીપડાના અગ્નિસંસ્કાર કરવાની કામગીરીના સમયે નાયબ વન સંરક્ષક વલસાડ ઉત્તરના આર.એલ.પટેલની રૂબરૂમાં તેઓના માર્ગદર્શન હેઠળ વાંસદા પૂર્વ રેંજના આરએફઓ ડી.આર.ભગત અને વનકર્મીઓની ઉપસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવી હતી.

વિસેરા FSLમાં મોકલાયા

અંગેવાંસદા પૂર્વ રેંજના આરએફઓ ડી.આર.ભગતને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે દીપડાના મોતના કારણો જાણવા માટે મૃત દીપડાના વિસેરા લઈ નાયબ નિયામક એફએસએલ સુરત ખાતે મોકલવામાં આવેલ છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ દીપડાનું મોતનું કારણ જાણી શકાશે.

આંબાપાણીના બંધ ધરમાંથી પકડાયેલ દીપડાનું મોત થતા અગ્નિસંસ્કાર કરતા નજરે પડે છે.