ભાસ્કરન્યૂઝ.વાંકલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ.વાંકલ

માંગરોળતાલુકાનું વેપારી મથક ગણાતું અને મોટી માનવ વસ્તી ધરાવતું વાંકલ ગામ છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણી માટે વલખાં મારી રહ્યું છે. છતાં જવાબદાર પાણી પુરવઠા વિભાગ અને સરકારી તંત્ર ઘોર બેદરકારી દાખવતાં પ્રજાજનોમાં વ્યાપક રોષ ફેલાયો છે.

બોરસદ દેગડીયા જુથ પાણી પુરવઠા યોજનામાંથી વાંકલ ગામને આપવામાં આવતું પીવાનું પાણી છેલ્લા કેટલાક દિવસથી બંધ કરી દેવાતા દશ હજારથી વધુ વસ્તી ધરાવતા વાંકલ ગામના તેર જેટલા ફળિયાઓમાં પીવાના પાણીની મુશકેલી ઊભી થઈ છે. તેમજ વાંકલ ગામમાં આવેલ હાઈસ્કૂલ પ્રાથમિક શાળા સરકારી આર્ટ્સ- સાયન્સ કોલેજ દવાખાના સરકારી કચેરીઓમાં અને મુખ્ય બજાર વિસ્તારમાં પાણીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. જેનું મૂળ કારણ પાણી પુરવઠા વિભાગની બેદરકારી હોવાનું જણાય છે. સુરત જિલ્લા કલેક્ટરે હાલમાં કૃષિ પાકો માટે કેનલો મારફત આપવામાં આવતું પાણી બંધ કરવા આદેશ આપેલ છે. પીવાના પાણી માટે પ્રતિબંધ નથી છતાં વાંકલ ગામ સહિત વિસ્તારના 60ગામોને પાણી પૂરું પાડતી બોરસદ દેગડીયા જુથ પાણી પુરવઠા યોજનાના અધિકારીઓએ તળાવમાં પાણી સંગ્રહ કરવા અંગે તેમજ નિયત સમયમાં સિંચાઇ વિભાગ પાસે પાણી મેળવવા લેખિત માંગણી કરી નથી. જેથી જુથ પાણી પુરવઠા યોજનાના જવાબદાર અધિકારીઓની બેદરકારીનો ભોગ પ્રજાજનો બની રહ્યા છે. વાંકલ ગ્રામપંચાયતે હાલમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પાણીની ખુબજ જરૂરિયાત વાળા ફળિયાઓમાં ટેન્કર મારફત પાણી આપવાનું શરૂ કર્યું છે. પરંતુ વસ્તીના પ્રમાણમા માત્ર એક ટેન્કરથી પૂરતા પ્રમાણમા પાણી પહોંચાડી શકાતું નથી. ત્યારે સમયની માંગ મુજબ લોક સમસ્યાના નિવારણ માટે જુથ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સિંચાઇ વિભાગ સાથે યોગ્ય સંકલન કરી કેનાલમાં પાણી છોડાવી પ્રજાજનોની તરસ છિપાવે તેવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...