ડાંગ જિ.પં.માં કારોબારી અધ્યક્ષની વરણીમાં ખેંચતાણ

રાજકારણ ગરમાયું| ઉપપ્રમુખે પણ કારોબારી અધ્યક્ષ બનવા તૈયારી દર્શાવતા કોંગ્રેસનો આંતરવિગ્રહ સપાટી પર

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:01 AM
ડાંગ જિ.પં.માં કારોબારી અધ્યક્ષની વરણીમાં ખેંચતાણ

આરોગ્ય સમિતિનાં અધ્યક્ષ તરીકે કોંગ્રેસનાં જિલ્લા સદસ્ય ભગવતભાઇ દેશમુખની વિધિવત વરણી કરવામાં આવી

ડાંગ જિલ્લા પંચાયતમાં અઢી વર્ષનાં શાસન માટે ભાજપા અને કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તા મેળવવા માટે ભારે ધમપછાડાની સાથે મરણીયો જંગ ખેલ્યો હતો. અંતે ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ રમેશ ચૌધરી ઉર્ફ ડોને ભાજપા સાથે છેડો ફાડી કોંગ્રેસનો ટેકો મેળવી પોતાની પત્નિ બીબીબેન ચૌધરીને ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ પદે બેસાડીને જ જંપતા ડાંગ જિલ્લામાં ભાજપા પક્ષ બહુમતીમાંથી લઘુમતીમાં ધકેલાઇ જઇ હાસ્યાસ્પદ બનવા પામ્યો હતો, જેમાં ઉપપ્રમુખ પદે પણ કોંગ્રેસનાં હરીશ બછાવ આરૂઢ થયા છે અને જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓમાં પણ બહુમતી કોંગ્રેસની પુરવાર થતા જિલ્લા પંચાયતનાં બાંધકામ અધ્યક્ષ પદે કોંગ્રેસના ચંદરભાઇ ગાવીત આરૂઢ થયા હતા. જેમાં ગુરૂવારે જિલ્લા પંચાયતની બે આરોગ્ય સમિતિ અને કારોબારી સમિતિનાં અધ્યક્ષોની વરણી માટેની બેઠક યોજાઇ હતી. જેમાં ડાંગ જિલ્લા પંચાયતમાં આરોગ્ય સમિતિનાં અધ્યક્ષ તરીકે ગડત સીટ ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસનાં સદસ્ય ભગવતભાઇ દેશમુખની વરણી થઇ હતી, જ્યારે જિ. પંચાયતની કારોબારી સમિતિનાં અધ્યક્ષ પદ મેળવવા માટે ભેંસકાતરી સીટ ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષનાં જિલ્લા સદસ્ય સોમલભાઇ તુંબડા અને અને જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ હરીશ પોપટ બછાવ વચ્ચે ખેંચતાણ થતા અહીં કારોબારી અધ્યક્ષ પદની વરણી 16 મી તારીખે રાખી હોવાનું જાણવા મળેલ છે.

જિલ્લા પંચાયતમાં આરોગ્ય સમિતિનાં અધ્યક્ષની વરણી પ્રસંગે શુભેચ્છાઓ આપતા કોંગ્રેસ કાર્યકર્તાઓ નજરે પડે છે. તસવીર-પાંડુ ચૌધરી

વિવાદ વકરે નહીં તે માટે સભા મુલતવી

ડાંગ જિલ્લા પંચાયતમાં ગુરૂવારે યોજાયેલા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિનાં કારોબારી અધ્યક્ષની વરણીની બેઠકમાં જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ ગેરહાજર રહેતા ડાંગ કોંગ્રેસ પક્ષમાં ચાલતો આંતર વિગ્રહ સપાટી ઉપર આવ્યો હતો.ડાંગ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ પદે ભારે ધમાચકડી બાદ કોંગ્રેસનાં હરીશ પોપટ બછાવ આરૂઢ થયા છે. ત્યારે ડાંગ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિનું અધ્યક્ષ પદ પણ હાલમાં જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ હરીશ બછાવ માંગી રહ્યાંનું જાણવા મળેલ છે. જેમાં આજરોજ ગુરૂવારે ડાંગ જિલ્લા પંચાયતના સભાખંડમાં કારોબારી સમિતિનાં અધ્યક્ષ પદની વરણી માટે બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં જિલ્લા પ્રમુખ બીબીબેન ચૌધરી અને જિલ્લા સદસ્ય ચંદરભાઇ ગાવીતે જિલ્લા કારોબારી અધ્યક્ષ તરીકેની દરખાસ્ત સોમલ તુંબડાનાં નામની કરી હતી. જેથી નારાજ જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ હરીશ બછાવ સભામાં ગેરહાજર રહ્યાં હતા. જેના કારણે વિવાદ ન વકરે તે માટે કારોબારી અધ્યક્ષ પદની વરણી માટેની સભા ગુરૂવારે મુલતવી રાખી આગામી 16 મી તારીખે રાખી હોવાનું સત્તાવાર જાણવા મળેલ છે.

ભાજપ પ્રમુખ રમેશ ચૌધરીએ આરોગ્ય સમિતિનાં કોંગ્રેસી અધ્યક્ષ સાથે ફોટો સેશન કર્યુ

ડાંગનાં રાજકારણમાં કોંગ્રેસ અને ભાજપા એમ બંને પક્ષોમાં જઇ વારંવાર પાટલીઓ બદલનાર ડાંગ જિલ્લા પાર્ટી પ્રમુખ રમેશ ચૌધરી ઉર્ફ ડોનને ગતરોજ આહવા ખાતેની ભાજપની મીટીંગમાં ભાજપા કાર્યકરોએ ડાયસ ઉપર ન જવા દેતા પોબરા ભણી ગયા હતા. ત્યારે વારંવાર પોતાના નિવેદનો અને રાગ આલોપવાના કારણે વિવાદમાં ઘેરાયેલા ડાંગ જિલ્લા ભાજપા પક્ષ પાર્ટી પ્રમુખ રમેશ ડોનએ ગુરૂવારે ડાંગ પંચાયતમાં કોંગ્રેસી આરોગ્ય સમિતિનાં નવા વરાયેલ અધ્યક્ષ ભગવત દેશમુખને શુભેચ્છાઓ આપતા ફોટો શેશન કરાવ્યું હતુ. હાલમાં ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ રમેશ ડોન કયા પક્ષમાં છે તે કળવું મુશ્કેલ થયું છે.

X
ડાંગ જિ.પં.માં કારોબારી અધ્યક્ષની વરણીમાં ખેંચતાણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App