• Gujarati News
  • National
  • ડાંગ જિલ્લાના આહેરડી પાસે લારી ઉપરથી દારૂ ઝડપાયો

ડાંગ જિલ્લાના આહેરડી પાસે લારી ઉપરથી દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાની સાપુતારા પોલીસે બુધવારે મોડી સાંજે આહેરડી ગામ પાસેના પથ્થરના વળાંકમાં આવેલા લારી ઉપરથી દમણની બનાવટનો દારૂ સહિત રોકડ રકમ સાથે કુલ રૂ. 13750ના મુદ્દામાલ સાથે એક ઈસમને રંગેહાથ ઝડપી પાડી તેની સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરતા સાપુતારા પંથકમાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

સાપુતારા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લા કલેકટર બી.કે. કુમાર દ્વારા સાપુતારા-વઘઈ રાજ્ય ધોરીમાર્ગ ઉપર પ્રવાસીઓની સુરક્ષા જળવાય રહે તેવા આશયથી એક જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જેના અનુસંધાને ડાંગ પોલીસવડા એ.એમ. મુનિયાના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકના પીએસઆઈ પી.એમ. ધાકડા અને પોલીસકર્મીઓની ટીમે બુધવારના રોજ સાપુતારાથી વઘઈને સાંકળતા રાજ્ય ધોરીમાર્ગમાં બાતમીના આધારે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે અરસામાં સાપુતારા પીએસઆઈ ધાકડા અને પોલીસ ટીમને આહેરડી ગામ નજીક પથ્થરના વળાંક પાસે આવેલી ચાની લારીના માલિક ઉમેશ શંકરભાઈ વળવી ઉપર શંકા જતા તેઓએ લારી સહિત સ્થળની રૂબરૂ તપાસ કરતા દમણની બનાવટની ઈંગ્લીશ દારૂની 111 બોટલ કિંમત રૂ. 6070 મળી આવ્યો હતો.

પોલીસે દારૂ સહિત રોકડ રકમ રૂ. 7680 મળી કુલ રૂ. 13750નો મુદ્દામાલ ઝડપી પાડી દારૂનુ વેચાણ કરનારા ઉમેશ વળવી (રહે. આહેરડી, તા. વઘઈ, જિ. ડાંગ)ને સાપુતારા પોલીસે અટકાયતમાં લઈ તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધતા અસામાજિક તત્વોમાં ફફડાટ મચી ગયો છે.દારૂ વેચનારા અને હેરાફેરી કરનારા પોલીસને જોઇ જોઇ નીતનવી તરકીબ અજમાવી રહ્યા છે.

સાપુતારાના ઘાટ માર્ગ પર મોબાઈલમાં જોખમી સેલ્ફી લેતા બે યુવકની અટકાયત

સાપુતારાપોલીસ મથકના પીએસઆઈ પી.એમ.ધાકડાએ ડાંગ કલેકટર બી.કે. કુમાર દ્વારા કલમ 188 મુજબ જાહેર કરાયેલા જાહેરનામાના અનુસંધાનમાં સાપુતારા-વઘઈ રાજ્ય ધોરીમાર્ગના સાપુતારા ઘાટમાર્ગના યુ ટર્ન વળાંકમાં પોતાના મોબાઈલમાં જોખમી સેલ્ફી લેતા બે ઈસમો જીગ્નેશભાઈ ઠાકોરભાઈ ગામીત (ઉ.વ. 21) અને ઈલેશભાઈ ઉકાજીભાઈ ગામીત (ઉ.વ. 25, બંને રહે. વડપાડા, તા. સોનગઢ, જિ. તાપી)ને અટકાયતમાં લઈ તેઓ સામે જાહેરનામાનો ભંગ બદલ 188ની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

દારૂ સહિત રોકડ સાથે કુલ રૂ. 13750ના મુદ્દામાલ કબજે

અન્ય સમાચારો પણ છે...