• Gujarati News
  • National
  • કેળ ગામના જંગલ વિસ્તારમાં વાઘનો મૃતદેહ મળ્યાની વાત, નીકળ્યો ઝરખનો

કેળ ગામના જંગલ વિસ્તારમાં વાઘનો મૃતદેહ મળ્યાની વાત, નીકળ્યો ઝરખનો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝરખ ત્રણચાર દિવસ પહેલાં મૃત પામ્યું હતું અને તેનો મૃતદેહ સડી ગયો હતો
મળતી માહિતી મુજબ બુધવારે મોડી સાંજે ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ પીપલાઇદેવી રેંજના કેળ ગામના જંગલ હદ વિસ્તારમાંથી વાઘનો મૃતદેહ મળી આવ્યાનાં સોશિયલ મિડીયાના માધ્યમથી પ્રસરી જતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવાની સાથે ઉત્તર વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓની ટીમ હરકતમાં આવી ઘટના સ્થળે પુષ્ટી કરવા દોડી ગઇ હતી.

આ બનાવની જાણ ડાંગ ઉત્તર વનવિભાગના ડી.સી.એફ અગ્નિશ્વર વ્યાસને થતાં તેઓએ એ.સી.એફ સહિત આર.એફ.ઓની ટીમને તુરંત જ પીપલાઇદેવી રેંજના કેળગામનાં જંગલ હદ વિસ્તારમાં રવાના કરી તપાસના આદેશો આપ્યા હતા, ઉત્તર વન વિભાગનાં વન કર્મીઓની ટીમે પીપલાઇદેવી રેંજના કેળ જંગલ વિસ્તારમાં જઇ ઘટના સ્થળે પૃષ્ટી કરતા અહીં વાઘની જગ્યાએ ત્રણ ચાર દિવસ પહેલા મૃત્યુ પામેલ ઝરખનો મૃતદેહ સડેલી હાલતમાં જણાઇ આવ્યો હતો. અહીંવન વિભાગે સડેલી હાલતમાં મળી આવેલ ઝરખના મૃતદેહને પી.એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

ઘણાં સમય પહેલાં ડાંગ જિલ્લાના જંગલોમાંથી વાઘ નામશેષ થઇ ગયા છે
ડાંગ જિલ્લામાં કદાવર વાઘ ઘણા સમય પહેલા નામશેષ થઇ ગયા છે, અહીં ડાંગમાં લોકો મોટા ભાગે દીપડાને કે ઝરખને વાઘ તરીકે જ ઓળખતા હોવાથી ઇન્ટરનેટનાં માધ્યમથી કોઇક ટીખળખોરે ખોટી અફવાઓ ફેલાવી હતી, અહીં કેળ જંગલ વિસ્તારમાંથી મૃત અને ડીકંપોઝ હાલતમાં મળી આવેલ મૃતદેહ વાઘ કે દીપડાનો નથી. આ મૃતદેહ ઝરખનો હતો. આ ઝરખ પ્રાણીનું મૃત્યુ કુદરતી રીતે થયેલ હતુ. અગ્નિશ્વર વ્યાસ, નાયબ વન સંરક્ષક ઉત્તર ડાંગ જિલ્લા

અન્ય સમાચારો પણ છે...