• Gujarati News
  • સિથાણમાં 5 મૃતકોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું

સિથાણમાં 5 મૃતકોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇથીસુરત પર આવતી ટેમ્પો ટ્રાવેલરને મહારાષ્ટ્ર બોર્ડર નજીક તલાસરી પાસે સોમવારે અકસ્માત થતા અગિયારના મોત થયાં હતા. અકસ્માતમા ઓલપાડ તાલુકાના સિથાણ ગામના છના મોત થયા હતા. પૈકી એક પરિવારના પાંચના મોત થતાં વિદેશથી પરિવારના વડીલ પ્રવીણભાઈને બોલાવાયા હતા, તેઓ અમેરિકાથી બુધવારે સિથાણ ગામ આવી પહોંચતા તેમના બે દીકરા અને બે પૂત્રવધુ અને એક પૌત્રી (તમામ પાંચ સભ્યો)ની અંતિમયાત્રા એકસાથે નીકળી હતી. તમામના અંતિમસંસ્કાર સુરતના જહાંગીરપુરા ખાતે કરાયા હતા. પાંચ સભ્યોની એક સાથે અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢી ગયું હતું અને તેમની સ્મશાનયાત્રામાં હાજર રહેલા તમામની આંખમાંથી અશ્રુધારા વહેતી હતી.

ઓલપાડ સિથાણ ગામના પ્રવીણભાઈ પટેલ અને તેમની પત્ની દક્ષાબહેન પટેલ અમેરિકામાં વિઝા મળવાથી રવિવારે તેમના પરિવાર સાથે મુંબઇ એરપોર્ટ જવા રવાના થયા હતા. અમેરિકા જતા સ્વજનોને એરપોર્ટ ઉપર વિદાય આપીને સુરત તરફ પરિવાર સોમવારે મળસ્કે પરત આવવા નીકળ્યા હતાં. ત્યારે મહારાષ્ટ્રના તલાસરી પાસે અકસ્માતમા ઓલપાડ તાલુકાના સિથાણ અને કારેલી ગામના સભ્યોના મોત થયા હતા. અકસ્માતમાં અમેરિકા ગયેલા પ્રવીણભાઈના બંને પુત્ર તેમજ પુત્ર વધુ અને પૌત્રીના મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. મોતને ભેટેલા પરિવારના વડીલ અમેરિકા જવા રવાના થયેલા પ્રવિણભાઈ અને તેમની પત્ની, તેમના ભાઈ અને અન્ય સંબંધીઓ આજરોજ બુધવારે સિથાણ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તરત પાંચેય મૃતદેહને બારડોલી ખાતેથી સિથાણ ગામે અંતિમસંસ્કાર માટે લાવવામાં આવ્યા હતા. પ્રવિણભાઈ અને તેના સગાસંબધીએ પાચ મૃતદેહ જોતા ચારેબાજુથી આક્રંદ સાથે આંસુની ધારા વહેવા લાગી છે. ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. એક પરિવારના પાંચ સભ્યોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢયું હતું. મોટી સંખ્યામા ઉમટી પડેલો માનવ મહેરામણ ચોધાર આંસુએ બંને દંપતી અને બાળાને અંતિમવિદાય આપી હતી.

સભ્યોની અંતિમયાત્રા નીકળી

સિથાણનાએકપરિવારના પાચ સભ્યોની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં ધવલ પ્રવીણભાઈ પટેલ, ભૂમિકા ધવલ પટેલ, જીયા ધવલ પટેલ, ડેનિશ પ્રવીણભાઈ પટેલ અને રીના ડેનિશ પટેલનો સમાવેશ થાય છે.

ગામમાં કરુણાતાના દૃશ્યો સર્જાયા, તમામની આંખમાંથી અશ્રુધારા વહી

પ્રવીણભાઈને ઘટનાથી અજાણ રખાયા હતા

સિથાણગામનારહીશ પ્રવીણભાઈ પોતાની પત્ની દક્ષાબહેન સાથે અમેરિકા ફરવા ગયા અને બીજી બાજુ તેમના પરિવાર અકસ્માતમાં મોતને ભેટ્યો હતો. ઘટનાને પગલે વિદેશથી પ્રવીણભાઈને તાબડતોબ પાછા સિથાણ ગામે બોલાવાયા હતા. બનાવની કરુણતા હતી કે વિદેશથી પરત બોલાવવાામા આવેલા પ્રવીણભાઈને તેમના પરિવારજનોના મોત થવાની જાણ સુદ્ધા કરાઈ હતી. અંતે જ્યારે પ્રવીણભાઈ પોતાના ઘરે પહોંચ્યા ત્યારે તેમને આખી ઘટનાની જાણકારી મળી હતી અને તેઓ અવાચક બની ગયા હતાં. પોતાનો પરિવાર વિખેરાય જવાની વાતે આક્રંદ કરતા જોવા મળ્યાં હતા.