કરજણ જળાશયની લિફ્ટ ઇરીગેશન યોજનાની કામગીરી સાંસદે અટકાવી

વાલીયા-નેત્રંગ તાલુકાને સિંચાઇનું પાણી ન મળવાનું હોવાથી મનસુખ વસાવા વિફર્યા : મૂળ યોજનામાં ફેરફાર કરી મંત્રી...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:10 AM
Netrang - કરજણ જળાશયની લિફ્ટ ઇરીગેશન યોજનાની કામગીરી સાંસદે અટકાવી
કરજણ જળાશય યોજનાને વાડી સુધી લંબાવવામાં આવતાં નેત્રંગ અને વાલીયા તાલુકાના ખેડૂતોને સિંચાઇનું પાણી નહિ મળે તેવી સ્થિતિ ઉભી થતાં સાંસદ મનસુખ વસાવાએ યોજનાની કામગીરી અટકાવી દીધી છે. વાડી રાજયના વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવાનું ગામ હોવાથી કામગીરી બંધ કરવાની ઘટનાના છેક ગાંધીનગર સુધી પડઘા પડયાં છે. સાંસદ મનસુખ વસાવાએ ફરી પોતાની જ પાર્ટીના આગેવાન સામે મોરચો ખોલતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

નર્મદા જિલ્લા સહિત નેત્રંગ અને વાલિયા તાલુકાના વનવાસી વિસ્તારના કિસાનોને કરજણ જળાશય યોજનામાંથી સિંચાઇના પાણી મળે તે માટે 10 વર્ષ પહેલાં કિસાનોએ માંગ ઉઠાવી હતી સાંસદ મનસુખ વસાવાની સરકારમાં રજૂઆતને પગલે લીફ્ટ ઇરીગેશન પ્રોજેકટ શરૂ થવાની તૈયારીમાં જ હતો ત્યાં રાજય સરકારના મંત્રી ગણપત વસાવા અને નાનુભાઇ વાનાણીએ આ પ્રોજેકટમાં સુધારા-વધારા કરાવીને તેને માંગરોલ તાલુકાની વાડી સુધી લંબાવ્યો હતો. જે તે વખતે નર્મદા,નેત્રંગ અને વાલિયા તાલુકાના કિસાનોને સિંચાઇના પાણી મળશે તેવી ખાત્રી પણ અપાઇ હતી. એક વર્ષ પહેલા જ આ યોજનાનું ખાત મૂહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

270 કરોડનો પ્રોજેકટર રણજીત બિલ્ટકોન નામની કંપનીને આપવામાં આવતાં તેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કંપનીએ ખેડૂતોની મંજૂરી લીધા વિના કે કોઇપણ જાતનું વળતર ચૂકવવાની ખાત્રી આપ્યા વિના જ આડેધડ ખોદકામ શરૂ કરી દીધું હોવાની ફરિયાદ ખેડૂતોએ કરી હતી. બીજી તરફ એન્જીન્યરોએ નર્મદા,નેત્રંગ,વાલિયા તાલુકાને સિંચાઇના પાણી નહીં મળે તેવો ધટસ્ફોટ કરતા કિસાનોમાં રોષ ઉભો થયો હતો. સાંસદ મનસુખ વસાવાની નાંદોદના પલસી,મોટી ભમરી, બિતાણા,મોવી,કરાઠા અને કાંટીપાડા સહિતનના ગામોની મુલાકાત દરમિયાન કિસાનોએ પોતાની વ્યથા તેમને કહી હતી. જેના પગલે તેમણે મોવી ગામે કિસાનો સાથે બેઠક કરી હતી. ખેડૂતોની આ રજૂઆતના પગલે સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાકટરને બોલાવી તત્કાલિન ઘોરણે યોજનાનું કામ અટકાવી દીધું છે. વાડી ગામ રાજય સરકારના મંત્રી ગણપતસિંહ વસાવાનું ગામ હોવાથી તેના પડધા છેક ગાંધીનગર સુધી પડ્યાં છે.

વળતર અને સિંચાઇના પાણીની સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી કામ ચાલુ નહીં થવા દેવાય

ત્રણ તાલુકાના ખેડૂતોને સિંચાઇના પાણી અને પાઇપ લાઇન માટે વળતર ના મળે તો અન્યાય છે. માંગરોલ અને વાડીને પાણી મળે તો અમને કોઇ વાંધો નથી. પરંતુ ક્વોરી ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોને પાણી આપવા ખેડૂતોનો ભોગ લેવાઇ તે ચલાવી લેવાય નહીં. જયાં સુધી આ અંગે સ્પષ્ટાઓ ન થાય ત્યાં સુધી યોજનાનું કામ ચાલુ થવા દેવાશે નહિ. મનસુખ વસાવા, સાંસદ, ભરૂચ

કરજણ જળાશયની લીફટ ઇરિગેશન યોજનાની કામગીરીનું નિરીક્ષણ તથા ખેડૂતોની સમસ્યા સાંભળી રહેલા સાંસદ મનસુખ વસાવા. તસવીર : અતુલ પટેલ

X
Netrang - કરજણ જળાશયની લિફ્ટ ઇરીગેશન યોજનાની કામગીરી સાંસદે અટકાવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App