તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીલીમોરા-વિજલપોરમાં માવઠાથી પાણી ફરી વળ્યાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લામાં સવારે કડાકાભડાકા અને વીજળીના ચમકારા સાથે અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે નીચાણાવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. બીલીમોરા તથા વિજલપોરમાં વરસાદે વહીવટી તંત્રની પોલ ખોલી નાંખી હતી. પાણીનો ભરાવો થતા વિસ્તારમાં કાદવકીચડ થઈ જતા લોકો પરેશાન થઈ ગયા હતા.

જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સવારે 6.30થી 7.00 કલાકની આસપાસ કડાકા સાથે વરસાદ પડ્યો હતો. ચોમાસું બેઠું હોય તેવો માહોલ સર્જાતા લોકોમાં કૂતુહલ સર્જાયું હતું. વરસાદને કારણે નવસારીમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારો જૂનાથાણા, દશેરા ટેકરી, શાંતાદેવી રોડ ઉપર પાણી પાણી થઈ ગયું હતું. ઉપરાંત શહેરમાં જ્યાં ખોદકામ થયું છે તેવા નવસારી પાલિકા નજીકના રોડ પર કાદવ કીચડ થઈ ગયું હતું. તો વિજલપોરના રસ્તાએ વહીવટીતંત્રની પોલ ખોલી નાંખી હતી. ગ્રામ્ય વિસ્તારમાં પણ કાદવકીચડવાળા રસ્તા નહીં હોય તેવા રસ્તા પરથી લોકોએ પસાર થવું પડતા લોકોમાં આક્રોશ વ્યાપી ગયો હતો.

ઉપરાંત બીલીમોરામાં ગૌહરબાગ, કોન્વેન્ટ સ્કૂલ, રેલવે અંડરપાસ, સરદાર માર્કેટ રોડ વગેરે વિસ્તારોમાં વરસાદથી રસ્તા કીચડવાળા બનતા લોકોએ હાલાકી વેઠવી પડી હતી. ખેરગામ, વાંસદા, ઉનાઈ, ચીખલી, મરોલી વિસ્તારમાં અચાનક પડેલા વરસાદથી મુશ્કેલી અનુભવી હતી. બપોરે પણ વરસાદી ઝાપટું પડતા જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસથી ગરમીબાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાપુતારાના તળેટી વિસ્તારમાં વરસાદ પડ્યા બાદ નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ બન્યો હતો.

પારડી ગામના ખેડૂત પ્રકાશભાઈ પટેલના જણાવ્યા મુજબ વરસાદને પગલે સૌથી વધુ અસર કેરીના પાકને થશે તેમજ અન્ય પાકોને પણ માવઠાથી નુકસાન થશે.

ચીખલી : આજેગુરૂવારના દિને વહેલી સવારથીજ વાદળછાયું વાતાવરણ સાથે અચાનક કમોસમી છુટોછવાયો વરસાદ આવી પડ્યો હતો.જેથી ચીખલી તાલુકામાં ઠંડીનુ મોજુ ફરી વળ્યુ હતુ સાથે વહેલી સવારે પોતાના ધંધા રોજગાર અર્થે જતા લોકોને તેમજ શાળાએ જતા વિધાર્થીઓને પોતાના નિયત સ્થળે પહોચવામાં વિલંબ થયો હતો.

વિદ્યાર્થીઓ શાળાએ મોડા પડ્યા

સાપુતારામાં પવનના સૂંસવાટા સાથે વરસાદ

સાપુતારા: ગિરિમથકસાપુતારા સહિત વઘઈ, આહવા સહિત પૂર્વપટ્ટીના વિસ્તારોમાં ગુરૂવારે બપોરે બે વાગ્યાના અરસામાં પવનના સૂસવાટા સાથે ઝરમર વરસાદ પડ્યો હતો. વાવાઝોડા સાથે પડેલા વરસાદથી આંબા પરની મંજરી ખરી પડી હતી. તેમજ વઘઈ અને આહવામાં ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણમાં અંધારપટ છવાયો હતો. જોકે થોડા સમય બાદ પરિસ્થિતિ થાળે પડી હતી. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા કમોસમી વરસાદી ઝાપટાથી ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.

રેલવેના અંડરગ્રાઉન્ડમાં પાણીનો ભરાવો

બીલીમોરા: કમોસમીમાવઠાને કારણે બીલીમોરાના નગરજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ઠેર ઠેર વિકાસના કામોને કારણે આડેધડ ખોદકામને લઈ કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું હતું. માવઠાને કારણે રેલવે અંડરગ્રાઉન્ડમાં પાણીનો ભરાવો, એસ.વી.પટેલ રોડ પર ચાલતા સ્લેબડ્રેનને કારણે કાદવકીચડ, ગૌહરબાગ માર્ગ પર ગટરના કામને કારણે કાદવકીચડ ફેલાયો હતો. કોન્વેન્ટ સ્કૂલ, એમ.જી.રોડ, ચિમોડીયાનાકા, સોમનાથ રોડ, સરદાર માર્કેટ રોડ પર ખોદકામને કારણે કાદવકીચડનું સામ્રાજ્ય ફેલાયું હતું.

વાંસદા : વાંસદાતાલુકાના અનેક વિસ્તારમાં પવનના સૂસવાટા સાથે કમોસમી વરસાદ પડતા માર્ગો પર પાણી પાણી થઈ ગયું હતું. વાંસદા સહિત કંડોલપાડા, પ્રતાપનગર, મોટીભમતી, ભીનાર, ખાનપુર, ઘોડમાળ, મનપુર સહિતના અનેક ગામોમાં પવન સાથે વરસાદનું જોરદાર ઝાપટું પડ્યું હતું. માવઠાના કારણે ખેડૂતોના રવિ પાક ચણા, ઘઉં, તુવર, જુવાર, બાજરી અને શાકભાજી પાકોને માઠી અસર સાથે નુકશાનની ભીતિ સેવાય રહી છે. જ્યારે કેરીના વૃક્ષો ઉપર આવેલા મોરને નુકશાન થવાના કારણે ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા હતા.

વાંસદા તાલુકામાં કઠોળના પાકને નુકસાનની ભીતિ

ડાંગ જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે

બીલીમોરામાં વરસાદ પડતા કાદવકિચડનું સામ્રાજ્ય.

માર્ચ મહિનાની શરૂઆતમાં પડેલા વરસાદના કારણે નવસારી,બીલીમોરા અને વિજલપોરના રસ્તા પર કીચડ ફેલાતા લોકોને આવનજવાનમાં મુશ્કેલી પડી હતી.તો કેટલાંક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો.

નવસારીમાં પણ પાણીની લાઇનને લઇ ખોદકામ કરવામાં આવ્યું હોય કેટલાંક માર્ગ પર અવરજવરમાં મુશ્કેલી

ગુરુવારે સવારે સમગ્ર નવસારી જિલ્લામાં વીજળીના કડાકા સાથે પડેલા વરસાદના કારણે ઠંડક પ્રસરી

અન્ય સમાચારો પણ છે...