ચીખલીમાં 14 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીસહિત ઉપરવાસમાં મુશળધાર વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી અંબિકા, કાવેરી, ખરેરા નદીમાં પાણીની આવક થઇ હતી. તાલુકામાં રાત્રિના બે વાગ્યાથી શરૂ થયેલો વરસાદ દિવસના 4 વાગ્યા સુધીમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ સવારે 8 વાગ્યે બે કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી પાણી થઈ ગયા હતા. વાંસદાના જૂજ અને કેલીયા ડેમ 80 ટકા ભરાતા તાલુકાના 12 ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હતી.

સવારે 8થી 10ના બે કલાક દરમિયાન ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. બપોરે બે વાગ્યા બાદ વરસાદનું જોર ધીમુ થયું હતું. ચીખલી અને મલિયાધરા પાસે કાવેરી અને ખરેરા નદીના પુલ ઉપર પૂરના પાણી જોવા લોકો ઉમટી પડ્યા હતા. વાંસદા તાલુકામાં આવેલા જૂજ અને કેલીયા ડેમ 80 ટકા જેટલા પાણી ભરાતા કાવેરી અને ખરેરા નદીના કિનારાના દોણજા, હરણગામ, ચીખલી, ખૂંધ, ઘેકટી, સમરોલી ઉપરાંત કાકડવેલ, માંડવખડક, વેલણપુર, ગોડથલ, કણભઈ, સિયાદા સહિતના ગામોને એલર્ટ રહેવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી. તાલુકાના ઈનચાર્જ મામલતદાર બી.બી.ભાવસારે દોણજા, હરણગામ સહિત ગામોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. છેવાડાના સારવણી ગામ સ્થિત ગીતવણી નદી પરનો ડુબાઉ પુલ વહેલી સવારથી પૂરના પાણીમાં ગરક થતા ફડવેલથી સારવણી-કંસારીયા માર્ગ પરનો વાહનવ્યવહાર બંધ થવા સાથે સારવણીની શાળામાં બાળકો જઈ શકતા સ્વયંભૂ રજા થઈ હતી. ફડવેલના નવા ફળિયા-સોનારીય માર્ગ પર પણ પાણી ફરી વળ્યા હતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ સ્થિત સમરોલીના ઓવરબ્રિજના વલસાડ તરફના છેડે સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા.

ચીખલીમાં રાત્રે બે વાગ્યાથી શરૂ થયેલો વરસાદ દિવસના ચાર વાગ્યા સુધીમાં 170 મિ.મિ. 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે સિઝનનો 54 ઈંચથી વધુ વરસાદ થયો છે.

ગીતવણી નદીના પુલ પર પાણી ફરી વળ્યા હતા. તસવીર-પ્રશાંતસિંહપરમાર

ચીખલીના 12 ગામ એલર્ટ કરવામાં આવ્યા

અન્ય સમાચારો પણ છે...