- Gujarati News
- માંડવી તાલુકા પ્રા. શિ. મંડળીનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
માંડવી તાલુકા પ્રા. શિ. મંડળીનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
માંડવીતાલુકાના પ્રાથમિક શિક્ષકોની ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણસભા મંડળના વિશાળ અદ્યતન સભાખંડમાં મળી હતી. જેમાં અંધ વિદ્યાર્થીઓ તથા નિવૃત્ત કર્મચારીઓને સન્માન કરવા સહિતના વિવિધ કાર્યક્રમો સાથે એજન્ડાના તમામ કામો સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમની શરૂઆતમાં અંધ બાળકોએ પ્રાર્થના રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભવોના હસ્તે નવનિર્મિત વિશાળ સભાખંડને ખુલ્લો મુકાયો હતો. અતિ આધૂનિક ખંડને નિહાળી સૌએ સંતોષ વ્યક્ત કર્યો હતો. તાલુકા યોજનાસહ અધિકારી પટણએ જણાવ્યું હતું કે તાલુકાના શિક્ષકો દ્વારા નોંધનીય કામગરી થઈ રહી છે. ત્યારે સરકારની વિવિધ યોજનાઓ મહત્તમ ઉપયોગી કરી શિક્ષણને વધુ સુવિધા સભર સાથે ગુણવત્તા યુક્ત બનાવવા સૂચનો કર્યા હતાં.
જિલ્લા પ્રા. શિક્ષકસંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે શિક્ષકોની આર્થિક સહાય કરનારી મંડળીના ભરપેટ વખાણ કરતાં જણાવ્યું હતું કે માંડવીની મંડળી ખરેખર નંબર વન બની ગઈ છે. મંડળીના હોદ્દેદારોનો પારદર્શક વહીવટ સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કલ્યાણની અનેક નોંધનીય પ્રવૃત્તિઓ થાય છે.
જ્યારે મંડળીના મંત્રી મગનભાઈએ જણાવ્યું કે રાજ્યના માજી મુખ્યમંત્રી સ્વ. અમરસિંહભાઈ ચૌધરીના કાર્યકાળમાં બાંધકામની મંજૂરી ળઈને પાયાના પથ્થરો નાંખી નિર્માણ કરેલ ભવન જ્યારે ભવ્યતા ધારણ કરે છે તે જોઈ આનંદ અનુભવું છું. સભામાં એજન્ડાના કામો રજૂ કરતાં સર્વાનુમત્તે મંજૂર કરાયા હતાં.
ઉપરાંત અંધજન બાળકોને યુનિફોર્મ આપવાની જાહેરાત કરાય હતી. તથા તાલુકા નિવૃત્ત થતાં 14 શિક્ષકોને પણ સન્માનીત કરવામાં આવ્યા હતાં. પ્રસંગે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગણપતસિંહ મહિડાએ તથા આભારવિધિ ઉપપ્રમુખ ચંદુભાઈ ગામીતે કરી હતી.
માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષકોની મંડળીની સભામાં હાજર રહેલા મહાનુંભાવો.