• Gujarati News
  • National
  • ‘ઓખી’ ત્રાટકવાની વકી, 16 ગામો એલર્ટ

‘ઓખી’ ત્રાટકવાની વકી, 16 ગામો એલર્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણગુજરાતમાં અરબી સમુદ્રમાં 800 કિલોમીટર દૂર હાવી ‘ઓખી’ વાવાઝોડુ સ્થિર થયેલું છે. વાવાઝોડુ દક્ષિણ ગુજરાતના કાંઠા તરફ ફંટાય તો 70થી 80 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ ફૂંકાશે. આવી સ્થિતિમાં નવસારી જિલ્લાના 16 ગામોને જિલ્લા વહીવટીતંત્રએ એલર્ટ કરી દીધા છે. ઉપરાંત એન.ડી.આર.એફ.ની 2 ટુકડી પણ જિલ્લામાં ગોઠવી દેવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સક્રિય થયેલા અત્યંત તીવ્ર ચક્રવાત ‘ઓખી’ને પગલે દક્ષિણ ગુજરાતમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાત તરફ ઓખી ફંટાય તો દરિયાકાંઠાના ગામોમાં ચક્રવાતથી ભારે નુકસાન થવાની શક્યતા જણાઈ રહી છે. હાલ તે દક્ષિણ ગુજરાતથી દરિયામાં 800 કિલોમીટર ઉપર સ્થિર છે પરંતુ તે કઈ દિશા તરફ ફંટાય તે કહી શકાય તેમ નથી. જો ‘ઓખી’ દક્ષિણ ગુજરાત તરફ ફંટાય તો સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઓખીને કારણે હવામાનમાં પલટો આવી ગયો છે. જો ઓખી દક્ષિણ ગુજરાત તરફ ફંટાય તો વરસાદની સાથે 70થી 80 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ ફૂંકાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં કાંઠાના ગામોમાં ભારે તારાજી સર્જાય તેવી શક્યતા છે. નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઓખી વાવાઝોડુને ધ્યાનમાં રાખી કાંઠા વિસ્તારના 16 ગામોને એલર્ટ કરી દીધા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 4થી 6 ડિસેમ્બર દરમિયાન વાવાઝોડુ આવવાની શક્યતા દર્શાવી છે. નવસારી જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાએ તમામ અધિકારીને રાહત-બચાવ કાર્ય માટે એલર્ટ રહેવા જણાવી નુકસાનની પરિસ્થિતિ ઉદભવે તો તાકિદે પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રીઓને પરિસ્થિતિ ઉપર નજર રાખવા હેડકવાટર્સ પર રહેવા સૂચના આપી દેવામાં આવી છે. સાથે જો આવી વિષમ સ્થિતિ ઉદભવે તો લોકોને તાત્કાલિક સહાય ચૂકવણી કરી દેવાનો પણ અનુરોધ કર્યો છે. ઓખી વાવાઝોડુ 5મી ડિસેમ્બરે રાત્રે દક્ષિણ ગુજરાતમાં પહોંચી શકે છે. કાંઠા વિસ્તારના તમામ સરપંચોને સમગ્ર ઓપી વાવાઝોડાથી વાકેફ કરી દેવાયા છે. જિલ્લામાં દરિયાકાંઠા ઉપર ઓપી વાવાઝોડાથી પરિસ્થિતને પહોંચી વળવા 2 એન.ડી.આર.એફ.ની ટીમ નવસારીમાં તૈનાત કરી દેવામાં આવી છે. જેમાં એક ટીમ મરોલી અને બીજી નવસારી ખાતે એલર્ટ રાખવામાં આવી છે. સમગ્ર ઘટનાને પહોંચી વળવા સમગ્ર તંત્ર એલર્ટ થયું હોવાની વિગતો સાંપડી છે.

ઓખીને ધ્યાનમાં રાખી નવસારી જિલ્લામાં આવી પહોંચેલી એનડીઆરએફની બે ટીમ

ઓખી વાવાઝોડાની અસર થાય તો પરિસ્થતિનેે પહોંચી વળવા જિલ્લામાં એનડીઆરએફ ટીમ પોતાની ફરજ બજાવવા હાજર થઇ ગઇ છે. તસવીર-રાજેશરાણા

નવસારી જિલ્લાના 16 ગામોને વાવાઝોડાની અસર થવાની સંભાવના

નવસારીજિલ્લામાં ઓખી વાવાઝોડાની ઝપેટમાં જલાલપોર તાલુકામાં આવતા દાંતી, ઉભરાટ, દીપલા, વાંસી, બોરસી, સામાપોર, દાંડી, ઓંજલ, કૃષ્ણાપુર અને ગણદેવી તાલુકામાં મેંધર, માસા, ધોલાઇ, બીગરી, કલમઠા અને છાપર ગામના લોકો આવી શકે છે. જેથી તમામ 16 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ઉપરાંત વીજપુરવઠો ખોરવાય તે માટે વીજ કંપની અને પાણી પુરવઠા વિભાગ તેમજ નગરપાલિકાને પણ વિવિધ સેવા માટે તૈયાર રહેવા તાકિદ કરવામાં આવી છે. લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારી કરવામાં આવી છે.

જિલ્લાની 20 બોટ પરત આવી

‘ઓખી’વાવાઝોડાને લઈ દરિયામાં ફિશિંગ માટે નવસારી જિલ્લામાંથી ગયેલી 20 બોટ પરત આવી ગઈ છે. અંગે જિલ્લા ફિશરીઝ અધિકારી અશોક પટેલે જણાવ્યું કે નવસારી જિલ્લાના ધોલાઈ, ઓંજલ વગેરે સ્થળોએથી સમુદ્રમાં મચ્છીમારી માટે કુલ 20 બોટ અગાઉ ગઈ હતી તે તમામ 20 બોટ પરત 1લી ડિસેમ્બરે આવી ગઈ હતી. બોટમાં 120 જેટલા ખલાસીઓ હતા, જે સહીસલામત છે. ઓખી વાવાઝોડાની આગાહીને લઈ 2 ડિસેમ્બર પછી તો જિલ્લામાંથી દરિયામાં મચ્છીમારી કરવા માટે ટોકન ઈસ્યુ કર્યા નથી. જિલ્લામાંથી ફિશિંગ માટે સમુદ્રમાં ગયેલી કોઈ બોટ યા માછીમાર ફસાયા હોવાની જાણકારી છે. માછીમારોને હાલ દરિયો નહીં ખેડવા પણ તાકિદ કરવામાં આવી છે.

વહીવટીતંત્રએ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો

નવસારીજિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઓખી વાવાઝોડુમાં દરિયાકાંઠાના અસરગ્રસ્ત ગામોને કોઈ જરૂરિયાત જણાય તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમના ટોલ ફ્રી નં. 1077 તથા કચેરીના ફોન નં. 02637-233002 અને 2594101 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

કુદરતી આફત| અરબી સમુદ્ર પર તૈયાર થયેલા ચક્રવાતને પગલે દરિયાઈ કાંઠા વિસ્તારોમાં તંત્ર આખું સાબદું કરાયું

વરસાદી ઝાપટાં સાથે 70થી 80 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ ફૂંકાશે, એન.ડી.આર.એફ.ની 2 ટુકડી પણ નવસારી જિલ્લામાં

અન્ય સમાચારો પણ છે...