• Gujarati News
  • હત્યા કેસના આરોપીની પોલીસ સાથે મિજબાની

હત્યા કેસના આરોપીની પોલીસ સાથે મિજબાની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડનાપત્રકાર અશોક શાહ હત્યા પ્રકરણમાં સીઆઈડીએ ઝડપી પાડેલા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતા પહેલા વલસાડ પોલીસના જવાનોએ ગ્રીડથી 3 કિ.મી. દૂર આવેલી જાણીતી હોટલમાં ખુલ્લા મને મિજબાની કરાવી હોવાનો પર્દાફાશ થયો છે.

મળતી માહિતી મુજબ વર્ષ 2009માં વલસાડના પત્રકાર અશોક શાહની ડુંગરી ઓવરબ્રિજ ખાતે જ્યારે તેઓ ગાડીમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે સાંજના સમયે અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી હતી. ઘટના બાદ વલસાડ પોલીસે હત્યારાઓને ઝડપી પાડવાના તમામ પ્રયાસો કરવા છતાં પોલીસને સફળતા મળી હતી. આખરે કેસ સીઆઈડીને સુપરત કરાયા બાદ મહામહેનતે સીઆઈડીને હત્યા કેસમાં સફળતા મળી હતી અને અશોક શાહની હત્યાના કેસમાં સીઆઈડીએ ઈજહાર નજીર મુદ્દીન કાઝી, એહતેશા મુદ્દીન કાઝી ઉર્ફે ભૂરીયો, વસીમ કાઝી ઉર્ફે મોલાના અને એ.કે. ખાનની ધરપકડ કરી હતી. તમામ સામે હાલ કાર્યવાહી ચાલી રહી છે. પોલીસે હત્યાના તમામ આરોપીઓના 9 અને ત્યારપછી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા વલસાડ પોલીસ કોર્ટના હુકમ પ્રમાણે તે ચારેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં નવસારી સબજેલ ખાતે મુકવા આવ્યા હતા. જોકે તેઓ નવસારી સબજેલમાં આરોપીઓને મુકવા પહેલા શહેરથી 3 કિ.મી. દૂર વેસ્મા તરફ જતા રોડ ઉપર આવેલી હોટલ શિતલમાં મિજબાની અર્થે લઈ ગયા હતા. આરોપીઓને હોટલમા છૂટા દોર મુકી દેવામાં આવ્યા હતા.

હોટલમાં મિજબાની માણતા હત્યાના આરોપીઓને અંગેની વાત બહાર આવતા મિડિયાકર્મીઓ ઘટનાસ્થળ ધસી જતા પોલીસ જવાનો તરત પોલીસ ગાડીમાં બેસી ગયા હતા. બાદમાં આરોપીઓ એક પછી એક પોલીસની ગાડીમાં બેઠા હતા. હત્યા કેસના આરોપીને પોલીસ એક સામાન્ય ગુનામાં સંડોવણી પામેલા આરોપીઓની માફક લાવી હતી બાબત પણ નવાઈ પમાડે છે. પોલીસ જાપ્તામાંથી સામાન્ય ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અવારનવાર ભાગી જવાના બનાવો બનતા રહ્યા છે ત્યારે બેજવાબદાર રીતે પોલીસે મિજબાની કરાવી હતી. આવા સંજોગોમાં પોલીસની જવાબદારી બાબતે પણ સવાલો ઉભા થયા છે. કોઈ સામાન્ય ગુનાના આરોપી ઉપર રોફ જમાવતી પોલીસ હત્યા કેસના આરોપીઓ પ્રત્યે શા માટે આટલું વહાલ ઉભરાય આવ્યું એવા કેટલાય સવાલ પણ અહીં ઉભા થયા છે. એક તરફ વલસાડ પોલીસ અશોક શાહ હત્યા કેસમાં આરોપીને ઝડપી પાડવામાં નિષ્ફળ રહી હતી ત્યારે સીઆઈડીની કામગીરી ઉપર પાણી ફેરવી વાળવાના મનસૂબા સાથે પોલીસે કૃત્ય કર્યુ હશે એવા પેચીદા સવાલો પણ ઉભા થયા છે. જોકે ઘટનાક્રમ બાબતે વલસાડ જિલ્લા પોલીસવડા યોગ્ય ચકાસણી કરાવી કાર્યવાહી કરશે કે કેમ સવાલ પણ હાલના તબક્કે ઉભો થયો છે.

આરોપ પુરવાર થાય તો સસ્પેન્ડ પણ થઈ શકે?

નવસારી સબજેલમાંઅશોક શાહ હત્યા કેસના આરોપીઓને લાવતી વખતે વલસાડ પોલીસે તેમને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવાનો નિર્ધાર કર્યો હોય તેમ ગ્રડીથી ત્રણ કિ.મી. શીતલ હોટલમાં એસીમાં તેમને તેમના સંબંધીઓની હાજરીમાં જમાડવામાં આવ્યા હતા. અગાઉ વલસાડ પોલીસના જવાન આરોપીઓને જમાડવા જતા આરોપી તેમને ચકમો આપી ભાગી છૂટવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે ત્યારે હત્યા જેવા ગંભીર ગુનાના આરોપીઓને હોટલના એસી હોલમાં જમાડવાની વ્યવસ્થા અંગે વિચાર માગી લે તેવી બાબત છે. વલસાડના એક અધિકારીએ બાબતે જણાવ્યું હતું કે ઘટના અંગે ઉચ્ચકક્ષા સુધી વાત પહોંચશે અને જો તે હકીકત બહાર આવશે તો આરોપીને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપનાર પોલીસ જવાનો સામે કાર્યવાહીની શક્યતા છે. બેદરકારી બદલ તેઓ સસ્પેન્ડ પણ થઈ શકે છે. જોકે તે તપાસમાં પૂરવાર થાય તો તે શક્યતા નકારી શકાતી નથી.

પોલીસ અને આરોપી મિજબાની માણતા ઝડપાયા હતા. બીજી તસવીરમાં પોલીસની ગાડીમાં એકલો જતો આરોપી.