ખેરગામમાં દોઢ મહિને પણ પાણી ન આવતાં લોકોમાં રોષ

ખેરગામમાં મરામતની કામગીરી ધીમી ચાલી રહી છે, પંચાયત ટેન્કરથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા થાય તે જરૂરી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:36 AM
Khergam - ખેરગામમાં દોઢ મહિને પણ પાણી ન આવતાં લોકોમાં રોષ
ખેરગામ વિસ્તારમાં ધીમી ગતિએ ચાલતી પંચાયતની પાણીની પાઈપલાઈનની મરામત કામગીરી હજુ સુધી પુરી ન થતા દોઢ મહિનો થવા છતાં પટેલ ફળિયાના રહીશોને પંચાયતનું પાણી મળ્યું નથી.જેના પગલે આગામી દિવસોમાં પાણીની સમસ્યા નહીં ઉકેલાય તો પટેલ ફળિયાના રહીશો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની તૈયારી કરી રહ્યાં છે. ખેરગામ વિસ્તારમાં અતિલોકભાગ્ય પુરવાર થયેલી ગ્રામ પંચાયતની ઘરેઘર પાણી પહોંચાડતી પાણી યોજનાનું પાણી છેલ્લા દોઢ મહિનાથી પાઈપલાઈનમાં ખામી સર્જવાના કારણે પટેલ ફળિયામાં આવતું બંધ થઈ ગયું છે, પંચાયતના ઇન્ચાર્જ સરપંચ ધાર્મિષ્ઠા ભરુચા આ લાઈનની મરામત કરાવવા મરણીયા પ્રયાસ કરી રહ્યાં છે,પરંતું પાઈપલાઈનમાં અનેક જગ્યાએ લીકેજ હોવાથી એક લીકેજ બંધ કરે ત્યાં બીજા નવા લીકેજ મળી આવતા પાઇપલાઇનની મરામતમાં ખાસ્સો વિલંબ થઈ રહ્યો છે.

સીધી અસર પટેલ ફળીયા, માંગણવાડના રહીશો ઉપર પડતા છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી આ વિસ્તારના પરિવારોને પંચાયતનું પાણી મળ્યું નથી.જે પૈકી પંચાયતના પાણી ઉપર નિર્ભર ઘણા પરિવારો માટે પાણી મેળવવા ઘણી મુશ્કેલી વેઠી રહ્યાં છે. પંચાયત તરફથી ટેન્કર મારફત પાણી પહોંચાડવાની વ્યવસ્થા થાય તો પણ લોકોને થોડી રાહત થઈ શકે છે.

પટેલ ફળિયામાં ચાલતી પાઇપલાઇનની મરામત કામગીરી. તસવીર-આશીફ શેખ

મોબાઈલ કંપનીના કામને લીધે લાઈનમાં નુકસાન

પંચાયતના હોદ્દેદારો કહે છે કે તેમને જાણ કર્યા વગર જ મોબાઈલ કંપનીવાળા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી કરી હતી, જેનાથી પાઈપલાઈનને નુકસાન થયું છે. ગયા અઠવાડિયે પણ મધ્યરાત્રે ખોદકામ કરીને મોટી લાઇન તોડી પાડી હતી.

દોઢ મહિનાથી પાણીની રાહ જોવાય છે

માંગણવાડ પાસે ખોદકામ કરી ત્યાં નવા પાઇપ નાખવામાં 15 દિવસ નીકળી ગયા.હવે આગળ દેસાઈવાડ તરફ નવું ખોદકામ કરીને લાઈનની મરામત શરૂ કરવામાં આવી છે.ત્યારે લાઈનની મરામત ક્યારે પુરી થશે અને લોકોને પાણી ક્યારે મળશે તેની સ્થાનિક પ્રજામાં કાગડોળે રાહ જોવાઇ રહી છે.

ખોદકામ વખતે ગામની મોટી લાઇન પણ તૂટી

પટેલ ફળિયામાં રવિવારે ખોદકામ દરમ્યાન ગામમાં પાણીની મોટી લાઈનમાં પણ ભંગાણ પડ્યું હતું.જેમાં રસ્તો પણ ખોદી કાઢવામાં આવતા અહીંથી પસાર થતા રાહદારીઓને પણ અસર થઈ હતી.હવે આ મોટી લાઇન આજે રીપેર નહીં થાય તો સોમવારે આખા ગામમાં પાણી આવતું બંધ થઈ જશે.

નવા નવા લીકેજથી સમસ્યા વધી છે

લોકોને પાણી જલદી મળે તે માટે અમારા પ્રયાસ સતત ચાલુ જ છે.પરંતુ મરામત બાદ નવા નવા લીકેજ મળતા ખોદકામ કરીને બીજા પાઈપને નુકસાન નહિ થાય તેની સાવચેતી રાખીને કામગીરી કરવી પડે છે. આજે મોટી લાઇન પણ તૂટી ગઈ હતી. જેની મરામત સાંજ સુધીમાં કરી દેવામાં આવશે. મોબાઈલ કંપનીના અધિકારીને પણ થયેલા નુકશાન બાબતે સૂચના આપી હતી. ધર્મિષ્ઠા ભરુચા,ઇ.સરપંચ ખેરગામ.

X
Khergam - ખેરગામમાં દોઢ મહિને પણ પાણી ન આવતાં લોકોમાં રોષ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App