• Gujarati News
  • ગણદેવી સુગર ફેકટરીની 7 બેઠકો માટે આજે મતદાન થશે

ગણદેવી સુગર ફેકટરીની 7 બેઠકો માટે આજે મતદાન થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવીસુગર ફેકટરીની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણી 14મીને ગુરૂવારે યોજાનાર છે. કુલ 15 વિભાગો પૈકી 8 વિભાગોના 9 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે ગણદેવીના 2, ચીખલીના 3, મહુવાના 1 વિભાગમાં રસાકસીભરી સ્પર્ધા છે. ગણદેવી, ચીખલી અને મહુવાના 1 વિભાગમાં સીધી સ્પર્ધા છે. જ્યારે 1 બેઠક માટે ચતુષ્કોણીયો અને 1 બેઠક માટે ત્રિકોણીયો જંગ ખેલાશે.

એક તરફ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર ટી.કે. ડામોર અને ચૂંટણી તંત્ર ચૂંટણીની તૈયારી માટે દોડધામમાં છે તો બીજી તરફ ચૂંટણીના ઉમેદવારો અને સમર્થકોને ઉનાળાના લાંબા દિવસો પણ ટૂંકા લાગવા માંડ્યા છે. આમ તો વિભાગ-14મા અનુસૂચિત જાતિ અને જનજાતિની 1 અનામત બેઠક માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની આખરી તારીખ બાદ ખેરગામના કિરણભાઈ ઠાકોરભાઈ પટેલે રાનવેરીકલ્લાના સુરેન્દ્રભાઈ વલ્લભભાઈ પટેલની તરફેણમાં ખેંચી લીધુ છે પરંતુ તમામ 14 વિભાગોમાં મતપેટીઓ તો મુકાશે અને બેઠક માટે કુલ 290 ગામોના 7632 મતદારો છે.

અત્યારસુધી તાલુકાની બેઠકો પ્રમાણે મતદારો મતદાન કરતા હતા એમાં સિંગલ વોટિંગની રમત પણ રમાતી હતી. જ્યારે હવે વિભાગ પ્રમાણેના ઉમેદવારને એક મત આપવાનો હોય પરિણામની આગાહી કરવામાં ચૂંટણીના ચાણક્યો પણ ગોથા ખાઈ રહ્યા છે.

વિભાગ-1 ગણદેવી તાલુકાની 1 બેઠક પર હાલના ડિરેકટર દુવાડાના રાજેશકુમાર ભીખુભાઈ પટેલ અને અજરાઈના યોગેશકુમાર નરેન્દ્રભાઈ વચ્ચે સીધો મુકાબલો છે. માટે ગણદેવી સહકારી મંડળી મતદાન મથક છે અને કુલ 478 મતદારો છે. તાલુકાની વિભાગ-2 બીજી બેઠક માટે પૂર્વ ડિરેકટર ગડતના અમ્રતલાલ ખંડુભાઈ નાયક અને એંધલના અભિષેક નટવરલાલ વચ્ચે સીધી સ્પર્ધા છે. માટે ખારેલ સહકારી મંડળી મતદાન મથક છે અને કુલ 527 મતદારો છે.

ચીખલી તાલુકાની બેઠકો માટે વિભાગ-7મા હાલના વાઈસ ચેરમેન વાંઝણાના રતિલાલ છગનલાલ પટેલ, ટાંકલના નવીનચંદ્ર બાલુભાઈ પટેલ તથા જીતેન્દ્રકુમાર ડાહ્યાભાઈ પટેલ વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાઈ રહ્યો છે. મતદાન માટે રાનકુવા પ્રાથમિક શાળા મતદાન મથક છે અને કુલ 782 મતદારો છે. વિભાગ-8માં સાદકપોરના સંજયકુમાર રમણલાલ પટેલ અને કલિયારીના અશોકકુમાર શાંતિલાલ પટેલ વચ્ચે સીધી સ્પર્ધા છે. વિભાગમાં કુલ 795 મતદારો છે અને સાદકપોરની ગ્રામપંચાયત કચેરી મતદાન મથક છે. વિભાગ-9મા નોગામાના અમ્રતલાલ મગનભાઈ પટેલ, સોલધરાના નટુભાઈ ધીરુભાઈ પટેલ, ઘેજબીડના ચેતનકુમાર ગોવિંદભાઈ પટેલ અને દેગામના પરિમલકુમાર ઠાકોરલાલ દેસાઈ વચ્ચે ચતુષ્કોણીયો મુકાબલો છે. વિભાગના 637 મતદારો માટે ચીખલીની ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ મતદાન મથક છે.

વિભાગ-11 મહુવા તાલુકાની 1 બેઠક માટે ઝેરવાવરાના અલ્પેશભાઈ ચંદુભાઈ દેસાઈ તથા ગુણસવેલના અરવિંદભાઈ પરસોત્તમભાઈ પટેલ વચ્ચે સીધી સ્પર્ધા છે.

ઝેરવાવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી મતદાન મથક છે અને કુલ 581 મતદારો છે. મતદાન મથકો સાથે વિભાગ-14ની અનામત બેઠક માટે નવસારી તાલુકાના વિભાગો માટે ઈંટાળવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી, ગ્રામપંચાયત કચેરી, પેરા, ખડસુપા બોર્ડિંગ હાઈસ્કૂલ અને ધામણ પ્રાથમિક શાળા, વલસાડ તાલુકામાં તિઘરા પ્રાથમિક શાળા અને વાંસદા તાલુકામાં કંબોયા સહકારી મંડળી સાથે કુલ 12 મતદાન મથકો છે અને કુલ 7632 મતદારો છે.

ગણદેવી સુગર ફેક્ટરીમાં મતગણતરી હાથ ધરવામાં આવશે

ચૂંટણીમાંમતદાનપહેલા મતદારો પોતાના ઓળખકાર્ડ બતાવ્યા બાદ મતદાન કરી શકશે. મતદાન સાંજે 4 કલાકે પુરૂં થયા બાદ ગણદેવી સુગર ફેકટરી ખાતે મતદાનપેટીઓ એકત્ર કરી મતગણતરી હાથ ધરાશે. અનુસૂચિત જાતિ-જનજાતિની અનામત બેઠક સિવાય ગણદેવી, ચીખલી અને મહુવાની 6 બેઠકોના પરિણામો રાત્રે 9 પહેલા જાહેર થઈ જશે એવો અંદાજ છે.

15માંથી 8 વિભાગોના 9 ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા