• Gujarati News
  • કપરાડાની ચાર દુકાન આગમાં બળીને ખાક

કપરાડાની ચાર દુકાન આગમાં બળીને ખાક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાશિકમાર્ગ ઉપર કપરાડા સ્થિત મંદિર ફળિયામાં મંગળવારે મોડી રાત્રીએ કોઇ અગમ્ય કારણોસર દુકાનમાં આગ ફાટી નીકળી હતી. તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આગ બુઝાવવા માટે ફાયર બ્રીગ્રેડની કોઇ વ્યવસ્થા હોવાના કારણે આગે ગણતરીના સમયમાં આજુબાજુની દુકાનમાં પણ પ્રસરી હતી. વલસાડ અને વાપીના ફાયર ફાયટર આગ બુઝાવવા માટે બનાવના સ્થળે પહોંચે પૂર્વે ચાર દુકાન આગમાં બળીને ખાક થઇ ગઇ હતી. નાશિક માર્ગ કપરાડા ચાર રસ્તા સ્થિત આવેલી હોટલ સહિત ચાર દુકાનમાં આકસ્મિક રીતે આગ ફાટી નીકળતા ચારેય દુકાન બળીને ખાક થઇ ગઇ હતી. રાત્રીએ દોઢ વાગ્યાના સુમારે એક દુકાનમાં લાગેલી આગે થોડા સમયમાં આજુબાજુની દુકાનમાં પણ ફરી વળી હતી. કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આગ લાગતા ફાયર ફાયટરને પહોંચતા ખાસ્સો સમય લાગ્યો હતો.

વાપી અને વલસાડથી ફાયર ફાયટર બનાવના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં રામુભાઇ અવતારની દુકાન, જયરામ ભોયાની હોટલ, જેઠાભાઇ રબારીની અનાજ કરિયાણાની દુકાન તથા જયેશ જાનિયાની મેડિકલ અને જનરલ સ્ટોર્સ બળી ગયા હતા. બનાવ અંગે રામુભાઇ સખારામ અવતારે કપરાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે એફએસએલની મદદથી આગ કેવી રીતે લાગી હતી જાણવાનો પ્રયાસ કર્યો છે. મોડી રાત્રીએ આગ લાગતા આજુબાજુના રહીશો બનાવના સ્થળે દોડી આવ્યા હતા.