• Gujarati News
  • રાજપારડીમાં પિતા દ્વારા 4 વર્ષીય પુત્રનું અપહરણ

રાજપારડીમાં પિતા દ્વારા 4 વર્ષીય પુત્રનું અપહરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયાતાલુકાના રાજપારડી ગામેથી ઘરના આંગણામાં રમતા ચાર વર્ષીય બાળકને બે અજાણ્યા મોટર સાઇકલ સવારો દ્વારા અપહરણ કરી લઇ જવાયો હતો. બાળકની માતા દ્વારા તાત્કાલીક રાજપારડી પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવતા અપહરણકર્તાઓ નેશનલ હાઇવે નંબર પરથી ઝડપાઇ ગયા હતા. અપહરણકર્તાઓ ઝડપાયા બાદ એવો ઘટસ્ફોટ થયો હતો કે બે પૈકી એક અપહરણકર્તા બાળકનો પિતા હતો.

પિતા દ્વારા કેમ તેમના પુત્રનું અપહરણ કરવામાં આવ્યુ તે બાબતે રાજપારડી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલિસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજપારડી ગામના જયાબેનના લગ્ન કપડવંજના ગૌતમ કાંતી પટેલ સાથે થયા હતા. પરંતુ તે છેલ્લા કેટલાય વખતથી પિયરમાં રહે છે.રવિવારના દિવસે જયાબેન બ્યૂટીપાર્લર પર હતા ત્યારે તેમના ભાભીનો ફોન આવ્યો હતો કે તારા પુત્ર જયકુમારને બે અજાણ્યા મોટર સાઇકલ સવાર શખ્સે જેમાં એકે મોઢે રૂમાલ તથા બીજાએ હેલમેટ પહેરેલો હતો.

તેમણે આંગણામાં રમતા જયકુમારને મોટરસાઇકલ પર વચ્ચે બેસાડી લઇ ગયા છે. જયાબેને સમય સૂચકતા વાપરી રાજપારડી પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલિસ દ્વારા તાત્કાલીક અસરથી નાકાબંધી કરાવી હતી. જયકુમારનું અપહરણ કરનારાઓ રાજપારડીથી ઝઘડિયા થઇ નેશનલ હાઇવે નંબર મુલદ ચોકડીથી પસાર થતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા અપહરણકર્તાઓ આબાદ ઝડપાઇ ગયા હતા. જયકુમારનો કબ્જો મેળવ્યો હતો.

રાજપારડી પોલીસ અપહરણકર્તાઓને ઝડપી પાડયા બાદ પુછપરછ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જયકુમારનું જે અજાણ્યા અપહરણકર્તાઓએ અપહરણ કર્યુ હતું ,તેમાં એક ગૌતમ કાંતી પટેલ તથા કમલેશ નામનો ઇસમ હતો. તેમાં ગૌતમ જયકુમારનો પિતા હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. જયકુમારને તેની માતાને સોંપવામાં આવ્યો હતો. જયારે ગૌતમ તથા કમલેશની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.