ઝઘડીયાના સારસા-અવિધા ગામે વૃક્ષારોપણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડીયાના સારસા ગામે અનંત શ્રી સુખરામજી ટ્રસ્ટ સુરત બ્રાન્ચ અને ઝઘડીયાના વનવિભાગના સંયુક્ત ઉપક્રમે વનવિભાગના હેમંત કુલકર્ણી તેમજ ગામલોકોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં તમામ જીલ્લા સહિત તાલુકાઓમાં 69માં વનમહોત્સવની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઇ રહ્યાછે ત્યારે અવિધા ગામે પણ ઠાકોર સેનાના મહેશ પાટણવાડીયાના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતુ.

દાહોદમાં ભગવાન શ્રી પરશુરામ યાત્રાનું શ્રદ્ધેય સ્વાગત
દાહોદ ખાતે તા.3 ઓગષ્ટ, શુક્રવારે ભગવાન શ્રી પરશુરામજી ભારતભ્રમણ યાત્રાનું આગમન થયું હતું. કુલ એક 1,11000 કિમીના પરિભ્રમણ સાથે બ્રાહ્મણ એકતાનો સંકલ્પ લઈ તથા ભગવાન શ્રી પરશુરામજીના રથ સાથે દાહોદ શહેરમાં આ યાત્રા આવી ત્યારે દાહોદ બ્રહ્મ સમાજ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. દાહોદના ગોધરા રોડ સ્થિત ગાયત્રી વિદ્યાપીઠથી નીકળેલી શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગોએ સ્વાગત પામતી રાધે ગાર્ડન ખાતે પહોંચી હતી. જ્યાં અખિલ બ્રહ્મ સમાજના અગ્રણી રાજેશ્વર મહારાજની અધ્યક્ષતામાં એક ધર્મસભા યોજાઈ હતી.

દાહોદના રક્તદાતા શરદચંદ્ર દેસાઈ રાજ્યપાલના હસ્તે સન્માનિત થશે
દાહોદના શરદચંદ્ર એચ.દેસાઈનું 105 વખત રક્તદાન કરવા બદલ ગાંધીનગર ખાતે રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે સન્માન થનાર છે. ગુજરાત રાજભવન અને ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રાજ્યપાલ ઓ.પી.કોહલીના 84 મા જન્મદિવસ નિમિત્તે તા.9 ઓગષ્ટે ગાંધીનગર ખાતે યોજાયેલ એક વિશેષ સમારોહમાં 100 થી વધુ વખત રક્તદાન કરનાર ગુજરાતના લગભગ 100 થી વધુ વખત રક્તદાન કરનાર દરેકનું ભવ્ય સન્માન કરવામાં આવનાર છે.

અભલોડમાં ખાતે મિશન વિદ્યા, સ્વચ્છતા જાગૃતિ યુવા સંમેલન
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલકુદ મંત્રાલય અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર દાહોદ અને ડો. આંબેડકર સાર્વજનિક યુવક મંડળ જેસાવાડા અને શ્રી પાંડુરંગ ઉ.ઉત્તર બુય.વિ. અભલોડ એન.એસ.એસ. યુનિટના સંયુક્ત ઉપક્રમે મિશન વિદ્યા, વ્યસનમુક્તિ, સ્વચ્છતા જાગૃતિ જિલ્લા યુવા સંયોજકના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

અંક્લેશ્વરના જીતાલી ગામે આઇજીડી સંસ્થા દ્વારા સ્તનપાન સપ્તાહની ઉજવણી
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ માં ઈન્સ્ટીટયુટ ફોર ગ્લોબલ ડેવલોપમેન્ટ સંસ્થા દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઇ હતી. દર વર્ષે આખા વિશ્વ માં 1 થી 7 ઓગસ્ટના સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવા માં કરવા આવે છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ ડીડીઓ ક્ષિપ્રા અગ્રે હાજર રહ્યાં હતાં. તેમજ અંકલેશ્વર ટીડીઓ કલાબહેન, તથા જીતાલીના સરપંચ મોહમદભાઈ તેમજ જીતાલી ગામની સગર્ભા માતાઓ અને મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. IGD સંસ્થાના પ્રોગ્રામ કોર્ડીનેટર સુરેશભાઈ વેલારી તથા સ્ટાફ દ્રારા આ સપ્તાહ ને ઉજવવા માટે સગર્ભા સ્ત્રીઓ, યુવાન માતાઓ અને તેમના પરિવારોમાં જાગૃતા ફેલાવવા માટે માતાઓના દૂધનું પોષક મૂલ્ય, માતા અને બાળ આરોગ્યમાં સ્તનપાનની પદ્ધતિઓનું મહત્વ, વગેરે વિષયો પર સંસ્થા દ્વારા માહિતી આપવામાં આવી હતી.

લીમડીયા પ્રા.શાળામાં ઓરી અને રૂબેલાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટીરેલ કલસ્ટરની લીમડીયા પ્રા.શાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,સલરા દ્વારા 31 જુલાઇના રોજ ગુજરાત સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા 9 માસથી લઇને 15 વર્ષની ઉંમરના બાળકો માટેના ઓરી અને રૂબેલાના રસીકરણ અભિયાનની ઝુંબેશના ભાગરૂપે શાળાના 15 વર્ષ સુધીના બાળકોને રસી મુકવામા આવી હતી. શાળાની શિક્ષિકા કોમલબેન નિરજકુમાર પંચાલે નોડલ શિક્ષક તરીકે કાર્ય કર્યુ હતું. તાજેતરમાં શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા સમાજમાં ઓરી અને રૂબેલાના રસીકરણ અંગે જાગૃતતા ફેલાય તે હેતુસર અને ઝુંબેશના પ્રચાર અને પ્રસાર માટે ગામમાં રેલી યોજવામાં આવી હતી.

રાજપારડી ગામે કોંગ્રેસની કારોબારી બેઠક મળી
ઝઘડીયા તાલુકાના રાજપારડી મુકામે કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી જેમા ભરૂચ જીલ્લા પ્રમુખ પરિમલ રણા,ઝઘડીયા તાલુકા પ્રમુખ પિયુષ પટેલ,ખેડૂત અગ્રણી સુનિલ પટેલ,ધર્મેન્દ્રસિંહ છાસઠીયા સહિતના અગ્રણીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહયા હતાં. આગામી લોકસભાની ચૂંટણી પહેલા સંગઠનને મજબુત બનાવવા માટે હાકલ કરાઇ હતી. સૌ કાર્યકરો અને આગેવાનોને ખભેથી ખભા મિલાવી કામગીરી કરવા જણાવવામાં આવ્યું હતું.

ગોપાળાનંદ સ્વામીના સિંહાસને મંદિરના ભૂદેવ દ્વારા મહાપૂજા
વડતાલ મંદિરમાં આવેલ ઐતિહાસિક સંત ધર્મશાળામાં ગોપાળાનંદ સ્વામીના સિંહાસને રોજ સવારે મંદિરના ભૂદેવ દ્વારા મહાપૂજા થાય છે. હરિકૃષ્ણ મહારાજ તથા અક્ષરમૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી યજમાનના મનોરથ પૂર્ણ કરે છે. મહાપૂજા માટે રૂ.25૦ મંદિરની કચેરીમાં ભરવાના હોય છે. કોઇએ પણ મહાપૂજા નોંધાવી હોય અને પૂજામાં ઉપસ્થિત ના રહો તો તમારા વતી પૂજા કરાવનાર ભૂદેવ તમારો સંકલ્પ અર્પણ કરે છે અને તેમને ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. આપ ઘરે બેઠા પણ મહાપૂજા કરાવી શકો છો. વડતાલ મંદિર ખાતે આ અગાઉ ગુરૂપૂર્ણિમાનો તહેવાર પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એમ.વાય.હાઇસ્કૂલ ઝળકી
દાહોદ. દા.અ.મ.સાર્વ. એજ્યુ. સોસાયટી સંચાલિત એમ.વાય.હાઇસ્કૂલે તા.1 થી 3 ઓગષ્ટ સુધીમાં પ્રસંગ પાર્ટી પ્લોટ દાહોદ ખાતે આયોજીત જીલ્લા કક્ષાના કલા મહાકુંભમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં જુદી જુદી 6 સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષાએ સફળતા મેળવી હતી. તે અંતર્ગત સમુહગીતમાં ડામોર જયશ્રી એન્ડ પાર્ટીએ પ્રથમ, સમુહલગ્નગીતમાં એ.આઇ.જોષી એન્ડ પાર્ટીએ પ્રથમ સ્થાન જ્યારે ગોહિલ ઉત્કર્ષ રાજુભાઇએ તબલામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. અભિનય વિભાગમાં એચ.એ.અભિનય વિભાગમાં એચ.એ.ખાંટે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. લોકગીતમાં ચૌધરી જ્યોતીબેને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. લોકનૃત્ય વિભાગમાં ખપેડ ભાવિન એન્ડ પાર્ટીએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. શાળાની આ ટીમ પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લેશે.

સંખેડાની મંગલભારતી સંસ્થા ખાતે મહિલા કૃષિ દિનની ઉજવણી કરાઈ
સંખેડા તાલુકાની મંગલભારતી સંસ્થા ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે મહિલા કૃષિ દિનની ઉજવણી કરાઈ.કૃષિમાં મહિલાઓનું નેતૃત્વ,કૃષિ વિકાસમાં મહિલાઓની ભાગીદારી અને પાક આયોજન અંગેની સમજ અપાઈ હતી.પશુ પાલન વિભાગ,આત્મા પ્રોજેકટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી અત્રે મહિલા કૃષિ દિવસની ઉજવણી કરાઈ હતી.જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ.પી.એમ.આચાર્ય,નાયબ પશુ નિયામક ડૉ.પી.આર.પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ મહિલા ખેડૂતોને ખેતીવાડીની યોજનાકીય માહિતી તથા સેન્દ્રીય ખેતીની માહિતી આપી હતી.આ સાથે જ વિવિધ પાકોમાં મૂલ્ય વૃદ્ધિ અંગેનું માર્ગદર્શન,પશુ પાલનમાં રસીકરણ અને વર્મીકમ્પોસ્ટ અંગેની માહિતી તેમજ મહિલા સુરક્ષાને લગતી માહિતીથી માહિતગાર કરવામાં આવ્યા હતા.જેથી મહિલાઓ તેના કુટુંબ અને સમાજનો વિકાસ કરી શકે.

ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારની પ્રેરણાથી લીમખેડા તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા ‘વૃક્ષ ગંગા અભિયાન’ અંતર્ગત ગુરૂપૂર્ણિમાથી લઇને શ્રાવણી પૂર્ણામા સુધી એક મહિનાના સમયગાળા દરમિયાન વૃક્ષારોપણનો ક્રમ કરાય છે. જેમાં આજરોજ લીમખેડાના પાણીયા ગામમાં હનુમાનજી મંદિર અને પાણીયા સ્મશાન ઘાટની આસપાસની વેરાન ભૂમિમા આંબો, વડ, પીપળો, લીમડો, ગુલમહોર અને શ્રમદાનના માધ્યમથી વૃક્ષારોપણ કર્યુ હતું.

ગુજરાત સ્ટેટ કુંડો ચેમ્પિયનશિપમાં અંકલેશ્વરની સ્પર્ધક ઝળકી
કુંડો ક્ષેત્રે નેશનલ અને ઇન્ટર નેશનલ ખાતે ગોલ્ડ મેન્ડેલ પ્રાપ્ત કરનાર અંકલેશ્વરની યામિની પટેલએ ગુજરાત સ્ટેટ કુંડો ચેમ્પિયનશિપ 2018 માં અંડર 16 જી. વર્ગમાં 2 રાઉન્ડમાં 7.55 મિનિટ પ્રતિસ્પર્ધીને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. છેલ્લા 3 વર્ષ ઉપરાંત થી સાતત્ય પૂર્ણ પ્રદર્શન કરનારી યામિની પટેલને પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામિણ લોક જાગૃતી માટેનું અભિયાન
પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2018નો પ્રારંભ 1 ઓગષ્ટ થી 31 ઓગષ્ટ સુધી દેશના તમામ ગામોમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2018 અંતર્ગત કેન્દ્ર સરકારની ટીમ દ્વારા સર્વે હાથ ધરાયેલ છે. જેમાં દાહોદ જીલ્લામાં દાહોદ જીલ્લો તેમજ ગરબાડા તાલુકો પ્રથમ નંબરે આવે તે માટે ગરબાડા તાલુકાના નાગરીકો દ્વારા SSG-18 એપ્લીકેશન દ્વારા ગરબાડા તાલુકાના નાગરીકો દ્વારા ઝુંબેશ હાથ ધરાયેલ છે. તેના દ્વારા આપ સ્વચ્છતા સર્વેક્ષણ 2018 વિશે આપનો અભિપ્રાય આપવા તાલુકાના તમામ નાગરીકોને અપિલ છે. જેના દ્વારા સ્વચ્છતાની જાણકારી મળે.

ગંધારા સુગરમાં નીલકંઠેશ્વર મહાદેવનો પાટોત્સવ
વડોદરા સુગર ફેકટરીનાં ક્વાટર્સ ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવના મંદિરે પાટોત્સવ યોજાયો હતો. જેમાં સુગરના શેરડી પકવતા સાભાસદો અને કર્મચારીઓ હાજર રહ્યાં હતાં. સુગરના ડીરેકટરો તેમજ એમડી પૂજામાં બેઠા હતાં તેમજ વડોદરા સુગરના ચેરમેન અને માજી ધારાસભ્ય સતીશભાઈ પટેલનો જન્મ દીવસ હોય તેમને પણ આવેલ સભાસદો સુગરના કર્મચારીઓ અને શુભેચ્છકોએ જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

દાહોદ જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. 21 ઓગસ્ટે યોજાશે
જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરૂવારે કલેકટરના અધ્યક્ષપદે તથા ચોથા બુધવારે મામલતદારની કચેરીમાં વર્ગ-૧ કક્ષાના અધિકારીઓના અધ્યક્ષસ્થાને સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિ વિષયક અને સેવા વિષયક સિવાયના કામોના નિકાલ સંબંધિત કચેરીમાં ન થતા હોય તેવા કામોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માહે ઓગષ્ટ-૨૦૧૮ ના તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૧/૮/૨૦૧૮ બુધવારના રોજ સવારે ૧૧ કલાકે આઠ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવેલ છે. ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નોની રજુઆત મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી તેવા મથાળા હેઠળ સંબંધિત ગામના તલાટી/મંત્રીને સંબોધીને તા. ૧૦ સુધીમાં આપવાની રહેશે તા. ૧૦ સુધીમાં મળેલ અરજીને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવવામાં આવશે જિલ્લા કલેકટર જિલ્લાના કોઇ પણ બાબતો ઓચિંતી મુલાકાત લઇ ચકાસશે. જેની નોંધ લેવા નિવાસી અધિક કલેકટરે જણાવ્યું છે.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

dbbharuchnarmada@gmail.com

અથવા નીચેના સરનામે મોકલી અાપોે દિવ્યભાસ્કર | ઇ- 120, 121 આર.કે. કાસ્ટા, હિંદ સાયકલની ગલીમાં, સ્ટેશન રોડ, ભરૂચ.

અન્ય સમાચારો પણ છે...