તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંસદે દત્તક લીધેલા ગામમાં તંત્રની યુદ્ધના ધોરણે કામગીરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડીયા તાલુકાના અવિધા ગામમાં ગુંદવા ખાડીના ઘસમસતા પ્રવાહમાં એસટી બસ ફસાવાની ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ વરસાદી પાણીના નિકાલ માટેની કાંસ પર ઉભા કરી દેવાયેલા લારી ગલ્લાના 13 જેટલા દબાણોને યુધ્ધના ધોરણે તોડી પાડયાં હતાં. વરસાદી પાણીનો નિકાલ અટકી જતાં ખાડીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યાં હતાં. વહીવટીતંત્રએ મંગળવારે સવારે 11 વાગ્યે લારીગલ્લા ધારકોને નોટીસ આપી હતી અને બપોરના 3 વાગ્યાથી ડીમોલીશનની કામગીરી શરૂ કરી દીધી હતી. બનાવને પગલે આખુ અવિધા ગામ ભાગોળમાં એકત્ર થઇ ગયું હતું. અનિચ્છનીય બનાવ ન બને તે માટે 150થી વધારે પોલીસ જવાનોનો બંદોબસ્ત ખડકી દેવાયો હતો. છેલ્લા 20 વર્ષથી કાંસની ઉપર દબાણો થઇ જતાં દર ચોમાસામાં ગામમાં વરસાદી પાણીનો ભરાવો થઇ જતો હતો.

વાલીયા અને નેત્રંગ તાલુકામાં થયેલા મુશળધાર વરસાદના પાણી ખાડીઓ મારફતે ઝઘડીયા તાલુકામાં આવી પહોંચ્યાં હતાં. અવિધા ગામ નજીકથી પસાર થતી ગુંદવા ખાડી ઓવરફલો થઇ જતાં પાણી આસપાસના વિસ્તારોમાં પ્રવેશી ગયાં હતાં. રાજપીપળાથી ભરૂચ જતી એસટી બસના ડ્રાયવરે મુખ્ય રસ્તા પર ટ્રાફિકજામ હોવાથી બસને ગુંદવા ખાડીના રસ્તે વાળી હતી પણ ખાડીના ધસમસતા પ્રવાહમાં બસ ફસાઇ ગઇ હતી. રાજપારડી પોલીસે બે કલાકના રેસ્કયુ ઓપરેશન બાદ બસમાં સવાર તમામ 17 મુસાફરોને બચાવી લીધા હતાં.

અવિધાને સાંસદ મનસુખ વસાવાએ દત્તક લીધેલું ગામ છે ત્યારે મોસમના પહેલા વરસાદમાં જ થયેલી તારાજીને પગલે તેમણે અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તંત્રની તપાસમાં વરસાદી પાણીનો નિકાલ કરતી કાંસમાં થયેલા પુરાણ અને દબાણોને કારણે ખાડી ઓવરફલો થયો હોવાનું બહાર આવ્યું હતું. મંગળવારે સવારે કાંસ ફરતે આવેલા 13 જેટલા લારીગલ્લા ધારકોને નોટીસ આપી તાકીદે હટી જવા જણાવી દેવાયું હતું.

બપોરે 4 વાગ્યાથી પોલીસ બંદોબસ્ત સાથે દબાણોને તોડી પાડવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે આખુ અવિધા ગામ ભાગોળમાં એકત્ર થઇ ગયું હતું. ગામલોકોના જણાવ્યા મુજબ 20 વર્ષ ઉપરાંતથી કાંસ પર દબાણો કરી દેવાયા હતાં જેના કારણે દર ચોમાસામાં પાણીનો ભરાવો થતો હતો. ઝઘડીયાના મામલતદાર રાજવંશીએ જણાવ્યું હતું કે, વરસાદી કાંસ પર દબાણોને કારણે પાણીનો નિકાલ અટકી જતો હોવાનું સામે આવતાં તેમને દુર કરાયાં છે.

અવિધામાં બસ ફસાવવાની ઘટના બાદ કાંસ પરના 20 વર્ષ જૂના દબાણો દૂર કરાયાં
અનિચ્છનીય બનાવ ન બને તે માટે 150થી વધુ પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા હતા
ઝઘડીયા તાલુકાના અવિધા ગામમાં વરસાદી પાણીના નિકાલ માટેની કાંસ પર કરાયેલા દબાણોને તોડી પાડવામાં આવ્યાં હતાં. તસવીર - મુકેશ શાહ

દબાણો હટાવવાની કામગીરી દરમિયાન આખુ ગામ ભાગોળમાં ઉમટી પડતાં મેડાવડો જામ્યો
અન્ય સમાચારો પણ છે...