વલોટી, કેસલી ગામના 3 મંદિરમાંથી તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા નજીકના કેસલી ગામે આવેલું ગામના કુળદેવી રામબાઈ ઉર્ફે રેણુકા માતા મંદિર, વલોટીમાં આવેલુ બાબા રામદેવપીર અને અંબામાતા મંદિરમાં તસ્કરોએ ત્રણે મંદિરની દાનપેટી જ ઉઠાવી ગયા હતા.

બીલીમોરામાં તસ્કરો બેફામ બન્યા છે. સોમવાર મોડી રાત્રે તસ્કરોએ બીલીમોરા નજીકના ગામના ત્રણ મંદિરોને નિશાન બનાવ્યા છે. જેમાં બીલીમોરા નજીક આવેલા કેસલી ગામના મંદિર ફળિયામાં આવેલા કુળદેવી રામબાઈ ઉર્ફે રેણુકા માતાના પ્રાચીન મંદિરને ચોરટાઓએ નિશાન બનાવ્યું હતું. ભરચક વસતિ ધરાવતા આ ફળિયાની વચ્ચે આવેલા આ મંદિરમાં સોમવારે અગિયારસ હોય ગ્રામજનોએ રાત્રિના ભજન હતા અને સૌ છુટા પડ્યાં હતા. બાદમાં મોડી રાત્રે ચોરીને અંજામ અપાયો હતો. ચોરટાઓએ મંદિરમાં દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી મંદિરમાં મુકવામાં આવેલા અંદાજીત ત્રણથી ચાર હજાર રોકડ ભરેલી લાકડાની દાનપેટી આ ચોરો ઉઠાવી ગયા હતા. જે દાનપેટી મંગળવારે સાંજે કેસલી ચાર રસ્તા પાસેથી તૂટેલી મળી આવી હતી.

બીજા બનાવમાં વલોટી ગામે ગણદેવી-નાંદરખા માર્ગ પર 40 વર્ષ અગાઉ અહીં રહેતા ભરવાડ સમાજના આરાધ્ય દેવ રામદેવપીર બાબાનું મંદિર બનાવ્યું હતું. જે મંદિરને પણ ચોરો એ નિશાન બનાવતા આ મંદિરની પણ સ્ટીલની દાનપેટી ઉઠાવી ગયા હતા. મંદિરના પૂજારી તરીકે સેવા આપનાર ભુપતભાઈ ભરવાડના જણાવ્યાનુસાર મંદિરમાં દર મહિને ભંડારો હોઈ દાનપેટીમાં અંદાજે રૂ. 700થી 800 હોઈ શકે. આજ માર્ગ પર થોડે દુર કરંજદેવી ફળિયામાં અંબામાતાનું મંદિર આવેલું છે, જેમાં કંસારાદેવ પણ બિરાજે છે, તેમાં પણ ચોરટાઓ ત્રાટકયા હતા. જેમાં મંદિરનો દરવાજો તોડી તેમાં પ્રવેશ કરી સ્ટીલની દાન પેટી ઉઠાવી ગયા હતા. આ મંદિરના પૂજારી ઠાકોરભાઈ સવારે નિત્યક્રમ અનુસાર પૂજા કરવા ગયા ત્યારે ત્યાં તાળા તૂટેલ હતા અને દાનપેટી ગાયબ હતી. તેમના જણાવ્યાનુસાર પેટીમાં અંદાજે 15 હજાર જેટલી દાનની રકમ હોવાની વાત જણાવી હતી.

ચોરીની વાત ગામમાં પ્રસરતા લોકોએ શોધખોળ હાથ ધરતા મંદિરથી અડધો કિલોમીટર દૂર આવેલ કાપડાઈ ખાડી નજીક ચીકુવાડીમાં આ બંને દાનપેટી તૂટેલી હાલતમાં મળી હતી. જેમાંથી તસ્કરો જાણે 51 રૂપિયા મુકતા ગયા હોય તેમ 51 રૂપિયા મળી આવ્યા હતા.

કેસલી ગામના કુળદેવી રામબાઈ ઉર્ફે રેણુકા માતા મંદિર તેમજ વલોટી ગામે આવેલ રામદેવપીર બાબા અને અંબામાતાના મંદિરમાં થયેલી દાનપેટીની ચોરી બાબતે કેસલીના સરપંચ અનિતાબેન પટેલ અને વલોટીના સરપંચ જીતેશભાઈ પટેલે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વલોટી રામદેવપીર બાબા મંદિર અને અંબામાતા મંદિરની મળી આવેલ દાનપેટી. તસવીર-પ્રબોધ ભીડે

અન્ય સમાચારો પણ છે...