અંભેટા ગામે ટ્રિપલ અકસ્માત, 1નું મોત, 8ને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક છોટા હાથી ટેમ્પો અને અન્ય એક ગાડીને પણ અકસ્માતને પગલે નુકસાન, શેરડી ભરેલી ટ્રક પણ પલટી
બીલીમોરા નજીકના અંભેટા નજીક ગમખ્વાર અકસ્માતમાં એકનું કમકમાટી ભર્યુ મૃત્યુ, ઇકો ગાડીનો કચ્ચરઘાણ વળી ગઈ હતી, શાકભાજી ભરી જઇ રહેલા ટેમ્પોમાં સવાર આઠ લોકોને ઇજા પહોંચી હતી. શેરડી ભરેલી ટ્રક પણ ખાડામાં ખાબકી હતી. તસવીર-પ્રબોધ ભીડે

બીલીમોરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર બુધવારે સવારે 8 વાગ્યાના અરસામાં બીલીમોરા નજીકના અંભેટા ગામની હદમાં જીઇબીના પાવર સ્ટેશન નજીક આવેલ યુનુસભાઈ મુશાભાઈના ખેતર સામે ચાર વાહનો ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બનાવમાં બુધવારે સવારે 8 વાગ્યાના અરસામાં ગણદેવી તાલુકાના વેગામ, તળાવ ફળિયા ખાતે રહેતા દિવ્યેશભાઈ છગનભાઇ પટેલ (ઉ.વ.34) તેઓ પોતાના નિત્યક્રમ મૂજબ વાપી ખાતે તેમના કામ અર્થે જવા તેમની ઇકો ગાડી નંબર GJ.15.CG.5658 લઈ ગણદેવીથી આલીપોર હાઈવે તરફ જઈ રહ્યાં હતા. તે દરમિયાન તેમની ગાડીની આગળ એક શાકભાજી ભરેલ છોટા હાથી ટેમ્પો નં. GJ.19.V.1497 જઇ રહ્યો હતો અને તેમની પાછળ એક સીઆઝ ફોર વ્હીલ ગાડી નં. GJ.27.BE.3528 ચાલી રહી હતી. દરમિયાન દિવ્યેશભાઈની ઇકો ગાડી ટેમ્પોને ઓવરટેક કરવા જતાં સામેથી આલીપોર તરફથી સુગર ફેક્ટરી ગણદેવી જતી શેરડી ભરેલ આવી રહી હતી. જેમાં દિવ્યેશભાઈની ઇકો ગાડી ડ્રાઈવર સાઈડ ધડાકાભેર અથડાતા ઇકો ગાડીના આગળના ભાગનો ભુક્કો વળી ગયો હતો અને ચાલક દિવ્યેશભાઈ છગનભાઇ પટેલનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મૃત્યુ નીપજ્યું હતુ. અકસ્માત એટલો જોરદાર હતો કે અકસ્માત બાદ ટ્રક પણ રોડ સાઈડે ઉતરી પલ્ટી ગઈ હતી.

આ સાથે ટ્રકની અડફટે ઇકો ગાડીની આગળ ચાલતો ટેમ્પો અને પાછળ ચાલતી સિયાઝ ગાડીને પણ અકસ્માત કરતા ટેમ્પો પલ્ટી ગયો હતો. જ્યારે સિયાઝ ગાડીને પણ નુકશાન થયું હતુ. આ અકસ્માતમાં ટેમ્પોમાં બેઠેલા લોકોને પણ નાની-મોટી ઇજા થતાં એમણે નજીકની આલીપોર હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં સિયાઝ ગાડીના ચાલક અને ડો.સુનિલભાઈ ગ્યારસિલાલ જાંગિડ (ઉ.વ.30) નાઓએ બીલીમોરા પોલીસમાં આપેલ ફરિયાદના આધારે બીલીમોરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મરનાર દિવ્યેશભાઇ એકના એક પુત્ર હતા
આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનાર વેગામ, તળાવ ફળિયાના દિવ્યેશભાઈ પટેલના મિત્ર ધીરેનભાઈનાં જણાવ્યા અનુસાર તેઓ તેમના માતા-પિતા અને પત્ની સાથે રહેતા હતા. તેમને 7-8 માસની પુત્રી પણ છે. તેઓ માતા-પિતાના એકના એક પુત્ર હતા. તેમની બહેનના લગ્ન થઈ ગયેલ છે. દિવ્યેશભાઈએ વાપી ખાતે થોડો સમય પહેલા જ તેમના પાર્ટનર સાથે સોફ્ટ ડ્રિન્કનો વ્યવસાય શરૂ કરેલ હતો. જે કામ અર્થે જ તેઓ જઈ રહ્યાં હોવાનું તેમના મિત્રએ જણાવ્યું હતુ. દિવ્યેશભાઈના મૃત્યુને કારણે વેગામ ગામમાં શોક વ્યાપી ગયો હતો.

શાકભાજી ભરેલો ટેમ્પો પલટી ગયો
આ ઘટનામાં ઇકો ગાડીની આગળ ચાલી રહેલ શાકભાજીનો ટેમ્પો પણ અકસ્માતને પગલે પલ્ટી મારી જતા તેમાં બેઠેલ 8 જણને ઇજાઓ આવતા તેમને ચીખલી આલીપોર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જેમાં કમરીબેન મંગુભાઇ નાયકા, (65) રહે.આલીપોર, વળવંતભાઈ વિઠ્ઠલભાઈ કુબેર, (46) રહે. દેગામ, ગંગાબેન ઉમેદભાઈ નાયકા, (55) રહે. દેગામ, નયનાબેન રમણભાઈ પટેલ, (47) રહે. સમરોલી, સીતાબેન જગુભાઈ નાયકા, (40) રહે. ચીખલી, ઝીણીબેન નરસિંહભાઈ પટેલ, (65) રહે. સમરોલી આ તમામ લોકોને સામાન્ય શારીરિક ઇજાઓ થઇ હતી. જ્યારે બાવીબેન ખંડુભાઈ પટેલ, (50) રહે. સમરોલીને માથાના ભાગે અને થાપાના ભાગે ઇજાઓ આવી હતી અને નયનાબેન અમરતભાઈ તલાવીયા (50), રહે. દેગામનાઓને પણ જમણા ખભા પર તેમજ માથાના ભાગે અને ડાબા હાથ પગ પર ઇજાઓ આવતા આ બંનેને આલીપોર ખાતે સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...