અમલસાડ સરીબુજંરગને જોડતી વરસાદી ગટરનો વિવાદ વકર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવીતાલુકાના સરીબુજરંગ ગામની હદમાંથી અમલસાડ ગ્રામપંચાયતના વરસાદી પાણીનો નિકાલ કરવાની યોજનાને લઈને વિવાદ વકર્યો છે. સરીબુજરંગ ગામના લોકોએ બની રહેલી વરસાદી પાણીની ગટર લાઈનને અટકાવી દીધી છે અને જરૂર પડ્યે આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપી દીધી છે.

ગણદેવી તાલુકાના સરીબુજરંગ ગામની હદમાંથી અમલસાડ પંચાયત વિસ્તારના વરસાદી પાણીના નિકાલ માટેની એખ યોજના હેઠળ વરસાદી પાણીના નિકાલની એક પાકી ગટર બનાવવામાં આવી રહી છે. અમલસાડ વિસ્તારનું વરસાદી પાણી સરીબુજરંગમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરાતા સરીબુજરંગના લોકોએ કામગીરી સામે વિરોધ નોધાવ્યો હતો.

સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ સરીબુજરંગ ગામનું પાણી ચોમાસામાં બહાર નીકળી શકતુ નથી તે મોટી સમસ્યા છે ત્યારે અમલસાડ વિસ્તારનું પાણી ગટરમાંથી બહાર કાઢવાનું યોગ્ય નથી. જો એવું થશે તો ગામમાં પાણીનો ઉભરાવો થશે. સરકારની યોજના હોવાને કારણે માર્ગ અને મકાન વિભાગના અધિકારી નિખિલ પાંચાલ, જી.જે. પટેલ, સંકેત ચૌધરી વગેરેએ અમલસાડ રેલવે ફાટકના પૂર્વ ભાગમાં અમલસાડ ગ્રા.પં.ની હદમાંથી આગળ વધારી સરીબુજરંગ ગામની હદમાંથી ગટર પસાર કરી હતી. તે માટેની ગટર બાંધકામની કામગીરી પણ હાથ ધરી હતી.

બાબતનો વિરોધ હોવાથી પોલીસ બંદોબસ્ત હેઠળ કામગીરી આગળ ધપાવતા સરીબુજરંગ ગામના લોકોમાં આક્રોશ વ્યાપી ગયો હતો. સરપંચ ભરત પટેલ, ઉપસરપંચ આશિષ શાહે કામગીરી અટકાવવા અનુરોધ કર્યો હતો. બાબતે સાંસદ સી.આર. પાટીલનો સંપર્ક કરી માહિતગાર કર્યા હતા. જોકે યોગ્ય કાર્યવાહી નહીં થતા સરપંચ તથા ગ્રામવાસીઓએ આક્રોશ ઠાલવ્યો હતો અને મોડે મોડે કામ પર બ્રેક મારી દેવાઈ હોવાની માહિતી સાંપડી છે.

હાલ પાણી અટકાવી દેવા દીવાલ બનાવાઈ

^હાલપૂરતું અમલસાડથી સરીબુજરંગ તરફની ગટરમાં દિવાલ બનાવી દઈ પાણી આવતું અટકાવી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો પુન: યોજના સરીબુજરંગ સાથે જોડાશે તો આંદોલન કરતા પણ ખચકાઈશું નહીં. >ભરત પટેલ,સરપંચ,સરીબુજરંગ

સરીબુજરંગ-અમલસાડમાં વરસાદી પાણી નિકાલ બાબતે બબાલ

સરીબુજરંગમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા

વરસાદી ગટરમાં પાણી રોકવા દીવાલ બનાવી દીધી

અન્ય સમાચારો પણ છે...